ગુજરાતમાં જમીન વેરા વસૂલાતમાં કરોડોની ગેરરીતિનો કેગ રિપોર્ટમાં પર્દાફાશ. અમદાવાદ, રાજકોટ સહિત 8 જિલ્લા કલેક્ટરોની નિષ્ફળતાથી સરકારી તિજોરીને મોટો ફટકો. જાણો ક્યાં કેટલો વેરો બાકી.

ગાંધીનગર, સોમવાર
ગુજરાતના વહીવટી તંત્રની કામગીરી પર ગંભીર સવાલ ઉભા કરતો એક ચોંકાવનારો ખુલાસો કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG)ના રિપોર્ટમાં સામે આવ્યો છે. રાજ્યના 8 જિલ્લાઓમાં જમીન રૂપાંતર વેરાની વસૂલાતમાં મોટા પાયે ગેરરીતિ અને ઉદાસીનતા જોવા મળી છે. કુલ 33.33 લાખ ચોરસ મીટરથી વધુ જમીનના 134 કેસોમાં કરોડો રૂપિયાનો વેરો વસૂલવામાં આવ્યો નથી અથવા ઓછો વસૂલવામાં આવ્યો છે. આ મામલે જ્યારે જિલ્લા કલેક્ટરો પાસે જવાબ માંગવામાં આવ્યો, ત્યારે ગોળ-ગોળ જવાબો આપીને મામલો ટાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અમદાવાદમાં સૌથી વધુ ગેરરીતિ, રિવરફ્રન્ટ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ બાકાત નહીં, વેરા વસૂલાતની આળસમાં અમદાવાદ જિલ્લો સૌથી મોખરે છે, જ્યાં કુલ 41 કેસ પેન્ડિંગ છે.
સાબરમતી રિવરફ્રન્ટ: વર્ષ 2020માં રિવરફ્રન્ટ માટે ફાળવાયેલી 7,21,102 ચો.મી. જમીનનો 2.16 કરોડનો વેરો આજદિન સુધી વસૂલાયો નથી. કલેક્ટર તંત્રએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પાસેથી વસૂલાત થશે એવો જવાબ આપી દીધો, પરંતુ 2025 આવી ગયું છતાં કોઈ કાર્યવાહી થઈ નથી.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: દેશના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે ફાળવાયેલી 3961.56 ચો.મી. જમીનનો 6.33 લાખનો વેરો પણ બાકી છે. આ વેરો અન્ય વેરા સાથે વસૂલાશે એવો બિનસંતોષકારક જવાબ આપીને તંત્રએ હાથ ખંખેરી નાખ્યા છે.
બિન-ખેતી (NA) કેસો: અન્ય NA કેસોમાં 2,99,131 ચો.મી. જમીનમાં 38.60 લાખની ઓછી વસૂલાત થઈ છે, જેમાં પણ ભવિષ્યમાં વસૂલાશે તેવા વાયદા કરવામાં આવ્યા છે.
રાજકોટ AIIMS અને ગાંધીનગર લેન્ડફિલ સાઇટનો વેરો પણ અધ્ધરતાલ
અમદાવાદ જ નહીં, અન્ય જિલ્લાઓમાં પણ સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં કોઈ કસર છોડવામાં આવી નથી.
રાજકોટ: શહેરને મળેલા AIIMS પ્રોજેક્ટ માટે 9,24,507 ચો.મી. જમીનનો 60.27 લાખનો વેરો 2019થી વસૂલાયો નથી. આ અંગે પૂછવામાં આવતા ચકાસણી પછી જવાબ આપીશું કહીને મામલો ટાળી દેવાયો છે.
ગાંધીનગર: પાટનગરની લેન્ડફિલ સાઇટ માટે 3,10,554 ચો.મી. જમીન પર 66.57 લાખની ઓછી વસૂલાત થઈ હોવાનું ઓડિટમાં બહાર આવ્યું છે.
નાના જિલ્લાઓમાં પણ વેરા વસૂલાતમાં ઠાગાઠૈયા
રાજ્યના અન્ય જિલ્લાઓની સ્થિતિ પણ ચિંતાજનક છે:
સુરેન્દ્રનગર: અહીં 43 કેસોમાં 5,53,026 ચો.મી. જમીન પર 34.09 લાખ ઓછા વસૂલાયા છે.
કચ્છ: રહેણાંક અને કોમર્શિયલ ઉપયોગની જમીન માટે 25.99 લાખ અને બહુહેતુક જમીન માટે 10.11 લાખની વસૂલાત બાકી છે.
ભાવનગર: ડિસેલિનેશન પ્લાન્ટ માટેની જમીનનો 13.29 લાખનો વેરો બાકી હતો, જે હવે વસૂલી લેવાયો હોવાનો દાવો કરાયો છે.
અન્ય જિલ્લાઓ: દાહોદમાં 9.07 લાખ, પંચમહાલમાં 9.45 લાખ, બોટાદમાં જવાહર નવોદય વિદ્યાલય માટે 7.28 લાખ (2014થી બાકી), અને અમરેલીમાં 5.34 લાખનો વેરો વસૂલવાનો બાકી છે.
નિષ્કર્ષ: 134 કેસોમાં જવાબની રાહ, વહીવટી તંત્રની જવાબદારી ક્યાં?
અમદાવાદમાં 41, સુરેન્દ્રનગરમાં 43 અને ગાંધીનગરમાં 16 સહિત કુલ 134 કેસોમાં કેગ હજુ પણ જિલ્લા કલેક્ટરોના સ્પષ્ટ અને નક્કર જવાબોની રાહ જોઈ રહ્યું છે. સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન કરનારી આ ગંભીર બેદરકારી ગુજરાતના ગુડ ગવર્નન્સ મોડેલ પર સવાલ ઉભા કરે છે. આ મામલે જવાબદારી નક્કી કરીને કડક પગલાં લેવામાં આવશે કે પછી આ ફાઈલો પણ ધૂળ ખાતી રહેશે, તે જોવું રહ્યું.











