ગુજરાત GST વિભાગમાં મોટું કૌભાંડ? CAG રિપોર્ટમાં ખુલાસો: વાર્ષિક રિટર્ન અને ટેક્સ ભર્યા વગર જ કરોડોની માફી સાથે નોંધણી રદ કરાઈ

ગુજરાતમાં GST નોંધણી રદ કરવામાં ગંભીર બેદરકારી સામે આવી છે. CAG રિપોર્ટ મુજબ, કરોડોનો ટેક્સ અને વાર્ષિક રિટર્ન બાકી હોવા છતાં અધિકારીઓએ રજિસ્ટ્રેશન રદ કરી સરકારને મોટું નુકસાન પહોંચાડ્યું છે.

ગાંધીનગર, શનિવાર
ગુજરાત રાજ્યના જીએસટી વિભાગમાં ચાલતી કામગીરી પર હવે ગંભીર સવાલો ઉભા થયા છે. દેશની સર્વોચ્ચ ઓડિટ સંસ્થા CAG (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ) એ પોતાના તાજેતરના અહેવાલમાં રાજ્યના GST તંત્રની પોલ ખોલી દીધી છે. આ રિપોર્ટમાં સામે આવ્યું છે કે, જીએસટી નોંધણી રદ કરવાની પ્રક્રિયામાં નિયમોને નેવે મૂકીને ગંભીર ગેરરીતિઓ આચરવામાં આવી છે, જેના કારણે સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

નિયમોનું સરેઆમ ઉલ્લંઘન: અરજી પહેલાની તારીખથી રજિસ્ટ્રેશન રદ
CAG ના ઓડિટ દરમિયાન માત્ર 35 કેસોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 11 કેસમાં સીધી રીતે નિયમ 22નું ઉલ્લંઘન જોવા મળ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, વેપારીએ જ્યારે નોંધણી રદ કરવા માટે અરજી કરી હોય, તેના કરતા પણ જૂની (Backdated) તારીખથી નોંધણી રદ કરી દેવામાં આવી હતી.

દાખલા તરીકે, એક કેસમાં અરજી 17/01/2022ના રોજ થઈ હતી, પરંતુ અધિકારીઓએ તેની અસરકારક રદ તારીખ 01/01/2022 બતાવી દીધી હતી. આવા અનેક કિસ્સાઓ ઓડિટમાં પકડાયા છે, જે સ્પષ્ટ કરે છે કે સિસ્ટમમાં ક્યાંક મોટી ગરબડ ચાલી રહી છે.

કર કરોડોનો બાકી, છતાં મળી ગઈ મુક્તિ
રિપોર્ટમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ છે કે અનેક વેપારીઓએ પોતાનો બાકી ટેક્સ ચૂકવ્યા વગર જ નોંધણી રદ કરાવી લીધી છે. એક કિસ્સામાં વેપારી પર 61.16 લાખ રૂપિયાની ટેક્સ જવાબદારી હોવા છતાં તેની વસૂલાત કરવામાં આવી નહોતી. બીજા એક કેસમાં ટેક્સ, વ્યાજ અને દંડ મળીને કુલ 31.57 લાખ રૂપિયા લેવાના નીકળતા હતા, પરંતુ વિભાગે આ રકમ વસૂલવાને બદલે પ્રક્રિયા અધૂરી છોડી દીધી હતી. આ ઉપરાંત, ઘણા વેપારીઓએ પોતાનું વાર્ષિક રિટર્ન (GSTR-4) ભર્યું નહોતું, તેમ છતાં અધિકારીઓએ તેમની નોંધણી રદ કરવાની મંજૂરી આપી દીધી હતી.

વહીવટી આળસ અને પારદર્શિતાનો અભાવ
ઓડિટમાં એ પણ જાણવા મળ્યું છે કે રજિસ્ટ્રેશન રદ કરવામાં 24 થી 115 દિવસ જેટલો લાંબો વિલંબ થયો હતો. જીએસટી પોર્ટલ પર જે ફોર્મ્સ (GST REG-16 અને REG-19) હોવા જોઈએ, તે કાં તો અધૂરા હતા અથવા પોર્ટલ પર ઉપલબ્ધ જ નહોતા. આ બાબત વિભાગની કાર્યક્ષમતા અને પારદર્શિતા સામે મોટા પ્રશ્નાર્થ ચિન્હો મૂકે છે.

CAG ની મુખ્ય ભલામણો
આ ગંભીર બેદરકારીને જોતા CAG એ સરકારને કેટલીક કડક સૂચનાઓ આપી છે, નોંધણી રદ કરતા પહેલા તમામ બાકી ટેક્સ, વ્યાજ અને દંડની વસૂલાત ફરજિયાત કરવી. GSTN પોર્ટલ પર તમામ દસ્તાવેજો અને ઓર્ડર્સ નિયમિત અપડેટ કરવા. જે વેપારીઓ સમયસર રિટર્ન નથી ભરતા, તેમની સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવી. વિભાગની આંતરિક ઓડિટ સિસ્ટમને વધુ મજબૂત બનાવવી. હવે જોવાનું એ રહેશે કે આ રિપોર્ટ બાદ ગુજરાતનો કર વિભાગ જવાબદાર અધિકારીઓ સામે કેવા પગલાં ભરે છે અને બાકી નીકળતી કરોડોની રકમ કેવી રીતે વસૂલ કરે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!