લોહીથી ખરડાયેલા દફતર, નિર્દોષ બાળકોની તસવીરો… શાંતિ મંત્રણા પહેલા ઈરાનનો મૌન સંદેશ, પાકિસ્તાનમાં દુનિયાનું ધ્યાન ખેંચાયું

ઈરાન-અમેરિકા શાંતિ મંત્રણા માટે પાકિસ્તાન પહોંચેલું ઈરાની પ્રતિનિધિમંડળ મિનાબ 168 યુદ્ધમાં માર્યા ગયેલા બાળકોના લોહીથી ખરડાયેલા દફતર સાથે પહોંચ્યું. જાણો આ ભાવુક સંદેશ પાછળનું કારણ.

ઈસ્લામાબાદ, શનિવાર
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં ઈરાન અને અમેરિકા વચ્ચે યોજાનારી મહત્વપૂર્ણ શાંતિ મંત્રણા પહેલા ઈરાને દુનિયાને એક એવો મૌન પણ શક્તિશાળી સંદેશ આપ્યો છે, જેણે સૌને હચમચાવી દીધા છે. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બઘેર ગાલિબાફના નેતૃત્વ હેઠળનું પ્રતિનિધિમંડળ જ્યારે પાકિસ્તાન પહોંચ્યું, ત્યારે તેમના વિમાનમાં સામાન્ય સામાન નહીં, પરંતુ યુદ્ધની ભયાનકતા દર્શાવતી વસ્તુઓ હતી. વિમાનમાં લોહીથી લથપથ સ્કૂલ બેગ, સફેદ ફૂલો અને યુદ્ધમાં જીવ ગુમાવનારા માસૂમ બાળકોની તસવીરો રાખવામાં આવી હતી. આ દ્રશ્યો યુદ્ધની માનવીય કિંમતનો કરુણ ચિતાર રજૂ કરી રહ્યા હતા.

શા માટે પ્રતિનિધિમંડળનું નામ મિનાબ 168 રખાયું?
આ પ્રતિનિધિમંડળને એક ખાસ નામ મિનાબ 168 આપવામાં આવ્યું છે. આ નામ પાછળ એક અત્યંત દર્દનાક કહાણી છુપાયેલી છે. યુદ્ધના પ્રથમ દિવસે જ અમેરિકા-ઈઝરાયલ દ્વારા કરાયેલા હુમલામાં 168 નિર્દોષ સ્કૂલી બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તે માસૂમોની યાદમાં અને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આ પ્રતિનિધિમંડળને મિનાબ 168 નામથી ઓળખવામાં આવી રહ્યું છે. ઈરાની સ્પીકર ગાલિબાફે આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી વિશ્વને યુદ્ધનો અસલી અને ભયાનક ચહેરો બતાવવાનો પ્રયાસ કર્યો છે.

મિનાબના બાળકોનું બલિદાન ભૂલાશે નહીં
દક્ષિણ ઈરાનના મિનાબ શહેરમાં 28 ફેબ્રુઆરીના રોજ એક ગર્લ્સ પ્રાઈમરી સ્કૂલ પર થયેલો હુમલો ઈરાન માટે ક્યારેય ન ભૂલી શકાય તેવો ઘા છે. આ હુમલામાં 160થી વધુ બાળકીઓ મોતને ભેટી હતી. ઈરાને પ્રતિજ્ઞા લીધી છે કે તે આ માસૂમોના બલિદાનને ક્યારેય ભૂલશે નહીં અને તેમની યાદમાં ન્યાય માટે લડત ચાલુ રાખશે.

શાંતિ મંત્રણાનો મુખ્ય એજન્ડા
આ ભાવુક પૃષ્ઠભૂમિ સાથે, ઈરાન અને અમેરિકાના પ્રતિનિધિઓ આજે ઈસ્લામાબાદમાં વાતચીતના ટેબલ પર બેસવાના છે. આ મંત્રણાનો મુખ્ય એજન્ડા તહેરાન દ્વારા રજૂ કરાયેલ 10-મુદ્દાનો યુદ્ધવિરામ પ્રસ્તાવ છે. ઈરાનની ટીમનું શનિવારે સવારે પાકિસ્તાનના વિદેશ મંત્રી મોહમ્મદ ઈશાક ડાર અને સેના પ્રમુખ જનરલ આસિમ મુનીર જેવા ઉચ્ચ અધિકારીઓએ સ્વાગત કર્યું હતું. આ મંત્રણાનો એકમાત્ર ઉદ્દેશ્ય નિર્દોષ લોકોનો ભોગ લઈ રહેલા આ ભીષણ યુદ્ધનો અંત લાવવાનો અને શાંતિ સ્થાપિત કરવાનો છે. હવે સમગ્ર વિશ્વની નજર ઈસ્લામાબાદ પર ટકેલી છે કે શું ઈરાનનો આ ભાવુક સંદેશ યુદ્ધ રોકવામાં સફળ થશે કે નહીં.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!