Budget 2026: આવકવેરાના આ નિયમો તોડવા પર હવે જેલ નહીં થાય, સરકારે આપી મોટી રાહત

બજેટ 2026માં મોદી સરકારે કરદાતાઓને મોટી રાહત આપી છે. હવે આવકવેરાના નિયમોના ભંગ બદલ જેલ નહીં, માત્ર દંડ ભરવો પડશે. જાણો કયા ગુનાઓમાંથી સજાની જોગવાઈ દૂર કરવામાં આવી છે.

અમદાવાદ, સોમવાર
રવિવારે 1લી ફેબ્રુઆરી રજૂ થયેલા બજેટ 2026માં કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે દેશના કરદાતાઓ માટે એક ખૂબ જ મહત્વના સમાચાર આપ્યા છે. જો તમે ટેક્સ ભરો છો, તો આ સમાચાર તમને રાહત આપશે. સરકારે આવકવેરા કાયદા અને આર્થિક ગુનાઓ માટેના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. સૌથી મોટી વાત એ છે કે હવે નાની-મોટી ભૂલો માટે કરદાતાઓએ જેલના સળિયા ગણવા નહીં પડે. સરકારે જેલની સજા રદ કરીને તેની જગ્યાએ માત્ર નાણાકીય દંડ વસૂલવાનો નિર્ણય લીધો છે.

જેલની સજા હવે ભૂતકાળ, માત્ર દંડ ભરવો પડશે
અત્યાર સુધી ઇન્કમ ટેક્સના અમુક નિયમો તોડવા પર જેલની સજા થતી હતી, જેના કારણે ઘણા વેપારીઓ અને પગારદાર વર્ગમાં ડર રહેતો હતો. પરંતુ હવે આ ચિંતા દૂર થઈ ગઈ છે. નાણાંમંત્રીએ બજેટમાં સ્પષ્ટ કર્યું છે કે આર્થિક ગુનાઓ માટે જેલની સજાની જોગવાઈ કાઢી નાખવામાં આવી છે. હવે જો કોઈ ભૂલ થશે, તો તમારે માત્ર દંડ ભરીને છૂટકારો મેળવવાનો રહેશે.

કયા ગુનાઓમાંથી જેલની સજા દૂર થઈ?
તમારા મનમાં સવાલ થતો હશે કે કઈ કઈ ભૂલો માટે હવે પોલીસ પકડી નહીં શકે? તો નીચે મુજબના કિસ્સાઓમાં હવે જેલને બદલે માત્ર પેનલ્ટી લાગશે:
ખોટા હિસાબો: જો કોઈ વ્યક્તિ ખોટા હિસાબી ચોપડા તૈયાર કરે.
TDS/TCS ની ભૂલ: જો કોઈ વેપારી કે સંસ્થાએ TDS કે TCS કાપ્યો હોય, પણ સરકારમાં જમા કરાવવાનું ચૂકી ગયા હોય.
ખોટું સ્ટેટમેન્ટ: આવકવેરા વિભાગને જાણીબૂઝીને ખોટું નિવેદન આપવું.
ટેક્સ ચોરી: જાણીજોઈને ટેક્સની ચોરી કરવાનો પ્રયાસ કરવો.
રિટર્નમાં વિલંબ: સમયસર ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ન ભરવું.
ખોટી મદદ: બીજા કોઈને ખોટું રિટર્ન ભરવામાં મદદ કરવી.
મિલકત છુપાવવી: વેરાની વસૂલાતથી બચવા માટે પોતાની મિલકત બીજાના નામે ટ્રાન્સફર કરવી, છુપાવવી કે બીજે ક્યાંક ખસેડવી.
આ તમામ કિસ્સાઓમાં જેલની જોગવાઈ હતી, જે હવે દૂર કરવામાં આવી છે.

નિષ્ણાતો શું કહે છે?
આ અંગે વાત કરતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હેમ છાજેડ જણાવે છે કે, નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કરેલા બજેટ દ્વારા કરદાતાઓને મોટી રાહત આપી છે. હવે કરદાતા માત્ર રૂપિયામાં પેનલ્ટી ભરીને કાયદાકીય ગૂંચવણમાંથી મુક્ત થઈ શકશે. આનાથી વેપાર કરવો સરળ બનશે અને ખોટો ડર નીકળી જશે.

નિયમો ક્યારથી લાગુ થશે?
સરકારે આ ફેરફારોના અમલીકરણ માટે બે તારીખો નક્કી કરી છે. અલગ-અલગ જોગવાઈઓ મુજબ અમુક નિયમો 1લી માર્ચ અને અમુક 1લી એપ્રિલથી લાગુ થશે. ખાસ બાબત એ છે કે કરની રકમ કેટલી છે, તેના આધારે તબક્કાવાર દંડ વસૂલવામાં આવશે. ટૂંકમાં કહીએ તો, સરકાર હવે કરદાતાઓને ગુનેગારની જેમ જોવાને બદલે સુધારાત્મક વલણ અપનાવી રહી છે, જે આવકારદાયક પગલું છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!