બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટેનો પ્રચાર રવિવારે સાંજે સમાપ્ત થઈ ગયો છે. હવે જનતાનો વારો છે, જે ૧૧ નવેમ્બરના રોજ પોતાનો મત આપીને ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટેનો પ્રચાર રવિવારે સાંજે સમાપ્ત થઈ ગયો છે. હવે જનતાનો વારો છે, જે ૧૧ નવેમ્બરના રોજ પોતાનો મત આપીને ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. આ તબક્કામાં ૨૦ જિલ્લાની કુલ ૧૨૨ વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. ચૂંટણીના પરિણામો ૧૪ નવેમ્બરે જાહેર થશે.
આ બીજા તબક્કામાં કુલ ૧૩૦૨ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે, અને લગભગ ૩ કરોડ ૭૦ લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન માટે ૪૫,૩૯૯ બૂથ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં તમામ બૂથ પર વેબ કાસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી નીતિશ કુમાર, તેજસ્વી યાદવ અને ચિરાગ પાસવાન સહિતના તમામ મોટા નેતાઓએ ધૂંઆધાર રેલીઓ કરીને આક્ષેપ-પ્રતિઆક્ષેપ કર્યા હતા.
આ ૨૦ જિલ્લાઓમાંથી સાત જિલ્લાઓ આંતરરાષ્ટ્રીય સરહદ (ભારત-નેપાળ) સાથે જોડાયેલા છે, જેમાં પશ્ચિમ ચંપારણ, પૂર્વી ચંપારણ, સીતામઢી, મધુબની, સુપૌલ, અરરિયા અને કિશનગંજનો સમાવેશ થાય છે. આને ધ્યાનમાં રાખીને, પહેલા તબક્કા કરતાં બીજા તબક્કામાં સુરક્ષાના વધુ કડક બંદોબસ્ત કરવામાં આવ્યા છે. ડીજીપી દ્વારા ૧૬૫૦ જેટલી કંપનીઓ તૈનાત કરવામાં આવી છે અને આંતરરાષ્ટ્રીય સીમા પણ સીલ કરી દેવાશે.











