અરુણાચલ પ્રદેશમાં ચીનની ઘૂસણખોરી! સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો – “અમે ઈંચ-દર-ઈંચ અમારી જમીન ગુમાવી રહ્યા છીએ”

અરુણાચલ પ્રદેશના અપર સુબનસિરી જિલ્લામાં ચીની સેના (PLA) દ્વારા ભારતીય જમીન પર કબ્જો જમાવવાનો સ્થાનિક ‘નાહ’ આદિવાસીઓએ સનસનીખેજ દાવો કર્યો છે. જાણો શું છે સમગ્ર મામલો.

અરુણાચલ પ્રદેશ, સોમવાર
ભારત અને ચીન વચ્ચે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે. આ બધાની વચ્ચે અરુણાચલ પ્રદેશના સરહદી વિસ્તારમાંથી દેશની સુરક્ષાને લગતા એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સ્થાનિક આદિવાસી સમુદાયે દાવો કર્યો છે કે ચીનની સેના (PLA) ધીમે ધીમે ભારતીય જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી રહી છે. આ મામલે વહીવટીતંત્રને સત્તાવાર ફરિયાદ પણ કરવામાં આવી છે.

છેલ્લા 6 વર્ષમાં છીનવાઈ ખેતી અને ગોચરની જમીન
અરુણાચલ પ્રદેશના અપર સુબનસિરી જિલ્લામાં ‘નાહ’ (Nah) નામનો આદિવાસી સમુદાય વસવાટ કરે છે. આ સમુદાયની સંસ્થા ‘નાહ વેલ્ફેર સોસાયટી’એ જિલ્લા પ્રશાસનને એક પત્ર લખીને ગંભીર આક્ષેપો કર્યા છે. આદિવાસીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા 6 વર્ષમાં ચીની સેનાએ તેમની પૂર્વજોની ખેતીલાયક જમીન અને પશુઓ માટેની ગોચર ભૂમિનો મોટો હિસ્સો પચાવી પાડ્યો છે.

સ્થાનિકોનું કહેવું છે કે ચીન છેલ્લા 10 થી 15 વર્ષથી આ વિસ્તારમાં ધીમે ધીમે પગપેસારો કરી જ રહ્યું હતું, પરંતુ વર્ષ 2020 માં ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણ બાદ ચીની સૈનિકો વધુ આક્રમક બન્યા છે અને તેમની આગળ વધવાની ઝડપ વધી ગઈ છે.

આ 5 વ્યૂહાત્મક વિસ્તારો પર ચીનનો કબ્જો હોવાનો દાવો
નાહ સમુદાયે પ્રશાસનને અપર સુબનસિરીના ‘તાક્સિંગ’ વિસ્તાર હેઠળ આવતી 5 એવી જગ્યાઓનું લિસ્ટ આપ્યું છે, જ્યાં 2020 સુધી ભારતનું સંપૂર્ણ નિયંત્રણ હતું, પરંતુ હવે ત્યાં ચીનની ગતિવિધિઓ જોવા મળી રહી છે:

ઓયિંગ: આ વિસ્તાર વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વનો છે.
પોત્રંગ: આ એક પવિત્ર તળાવ છે, જેને સ્થાનિક લોકો પોતાનું તીર્થસ્થળ માને છે.
તિન્દિનતાંગ: આ વિસ્તાર તાક્સિંગ હેડક્વાર્ટરની એકદમ નજીક આવેલો છે.
પનિઆર (ચુઝાર્ટા ક્ષેત્ર): આ સ્થાનિક આદિવાસીઓનો વર્ષો જૂનો પરંપરાગત વિસ્તાર છે.
મરપન (મર્નાફે): આ એવો વિસ્તાર છે જ્યાં ચીની સૈનિકોની સતત અવરજવર જોવા મળી રહી છે.

ચીને ભારતીય હદમાં બનાવ્યા પાકા રસ્તા અને કેમ્પ
નાહ વેલ્ફેર સોસાયટીના અધ્યક્ષ કેરુ ચાદરે પોતાની વ્યથા ઠાલવતા કહ્યું હતું કે, “અમને અમારી ભારતીય સેના પર પૂરો વિશ્વાસ છે અને તેઓ વર્ષોથી અમારી જમીનનું રક્ષણ કરી રહ્યા છે. પરંતુ ચીનની સેના જે વીજળીની ઝડપે આગળ વધી રહી છે, તે જોતાં આ પ્રયાસો પૂરતા લાગી રહ્યા નથી. અમે રોજ ઈંચ-દર-ઈંચ અમારી માતૃભૂમિ ગુમાવી રહ્યા છીએ.” તેમણે વધુમાં દાવો કર્યો કે ચીની સેનાએ ભારતીય સરહદની અંદર પોતાના મિલિટ્રી કેમ્પ અને પાકા રસ્તાઓ પણ બનાવી લીધા છે.

સ્થાનિક ધારાસભ્યએ પણ વ્યક્ત કરી ચિંતા
આ મુદ્દો માત્ર સ્થાનિક લોકો પૂરતો સીમિત નથી રહ્યો. નાચો વિધાનસભા બેઠકના ધારાસભ્ય નાકાપ નાલોએ પણ આ મામલે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આ દેશની સુરક્ષા અને અખંડિતતાનો મુદ્દો છે, તેથી સેના અને જિલ્લા પ્રશાસને આ દાવાઓની સત્તાવાર તપાસ કરીને પુષ્ટિ કરવી જોઈએ. જોકે, હજુ સુધી આ મામલે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

ચીનની જૂની માનસિકતા અને ભારતનો મક્કમ જવાબ
આપણે જાણીએ છીએ કે ચીન ક્યારેય અરુણાચલ પ્રદેશને ભારતનો હિસ્સો માનતું નથી. તે વારંવાર અરુણાચલને ‘ઝાગનાન’ (દક્ષિણ તિબેટ) કહીને બોલાવે છે અને નકશા બદલવા કે સ્ટેપલ વિઝા આપવા જેવી હલકી હરકતો કરતું રહે છે. જોકે, ભારતે હંમેશા આંતરરાષ્ટ્રીય મંચ પર છાતી ઠોકીને સ્પષ્ટ કર્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય અંગ હતો, છે અને રહેશે. હવે જોવાનું એ રહે છે કે આદિવાસીઓના આ ચોંકાવનારા દાવા બાદ સરકાર અને સેના શું પગલાં લે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!