નવા વર્ષે ધાર્મિક સ્થળોએ ભીડનું ઘોડાપૂર: ઉજ્જૈનમાં VIP એન્ટ્રી બંધ, વૃંદાવને કરી ખાસ અપીલ; જાણો ઘરેથી નીકળતા પહેલાના નવા નિયમો

વર્ષ 2026ના સ્વાગત માટે દેશના મોટા મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી છે. ઉજ્જૈનમાં VIP દર્શન બંધ કરાયા છે તો વૃંદાવને ભક્તોને ન આવવા વિનંતી કરી છે. જાણો તમામ વિગતો.

ઉત્તર પ્રદેશ, મંગળવાર
વર્ષ 2025 હવે વિદાય લઈ રહ્યું છે અને 2026ના નવા વર્ષને આવકારવા માટે દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. આ ખાસ અવસરે લાખો લોકો ભગવાનના આશીર્વાદ લેવા માટે વિવિધ યાત્રાધામોમાં પહોંચી રહ્યા છે. જોકે, ભક્તોની ભારે ભીડને જોતા દેશના પ્રખ્યાત મંદિરો દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જો તમે પણ આગામી દિવસોમાં દર્શનનો પ્લાન કરી રહ્યા છો, તો આ નવી ગાઈડલાઈન વાંચવી તમારા માટે ખૂબ જરૂરી છે.

મહાકાલેશ્વર મંદિર (ઉજ્જૈન): VIP દર્શન પર પ્રતિબંધ
મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ મહાકાલ મંદિરમાં આજથી જ ભક્તોનું મહેરામણ ઉમટ્યું છે. ભીડને નિયંત્રિત કરવા માટે મંદિર પ્રશાસને 27 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી VIP દર્શન પર સંપૂર્ણ રોક લગાવી દીધી છે. આ દિવસો દરમિયાન ગર્ભગૃહમાં માત્ર પૂજારીઓને જ પ્રવેશ મળશે, જેથી સામાન્ય ભક્તો સરળતાથી દર્શન કરી શકે.

વૃંદાવન- મથુરા: ભક્તોને ન આવવા અપીલ
મથુરાના પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરે એક ચોંકાવનારી એડવાઈઝરી જાહેર કરી છે. મંદિરે ભક્તોને વિનંતી કરી છે કે શક્ય હોય તો 5 જાન્યુઆરી સુધી વૃંદાવન આવવાનું ટાળવું. ભારે ભીડમાં કોઈ દુર્ઘટના ના સર્જાય તે માટે પ્રશાસન દ્વારા આ સાવચેતીભર્યું પગલું ભરવામાં આવ્યું છે.

તિરુપતિ બાલાજી અને અયોધ્યા: બુકિંગ ફૂલ
તિરુપતિ બાલાજી: આંધ્ર પ્રદેશમાં 30 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી માત્ર એડવાન્સ બુકિંગ કરાવનારા ભક્તોને જ પ્રવેશ મળશે. ટોકન કાઉન્ટર્સ અત્યારથી જ બંધ કરી દેવામાં આવ્યા છે.

અયોધ્યા: રામ લલ્લાના દર્શન માટે અયોધ્યામાં ભારે ધસારો છે. અહીંની મોટાભાગની હોટલો અને ધર્મશાળાઓ 1 જાન્યુઆરી સુધી હાઉસફુલ છે અને તમામ પાસ વેચાઈ ગયા છે.

વૈષ્ણોદેવી: RFID કાર્ડ અને સમય મર્યાદા
વૈષ્ણોદેવી જનારા શ્રદ્ધાળુઓ માટે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ RFID કાર્ડ ફરજિયાત છે. નિયમ મુજબ, કાર્ડ મળ્યાના 10 કલાકમાં યાત્રા શરૂ કરવી પડશે અને 24 કલાકની અંદર દર્શન કરીને પરત ફરવું પડશે.

શિરડીમાં આખી રાત દર્શનની છૂટ
મહારાષ્ટ્રના શિરડી સાંઈ બાબા મંદિરમાં ભક્તો માટે ખુશીના સમાચાર છે. 31 ડિસેમ્બરની આખી રાત મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે. ભક્તો બાબાના મુખ દર્શન કરી શકે તે માટે ખાસ ‘સોનાની બારી’ ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

જો તમે પણ નવા વર્ષે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હોવ, તો જે-તે મંદિરની સત્તાવાર વેબસાઈટ ચેક કરીને જ નીકળવું હિતાવહ છે. ભીડને કારણે સર્જાતી હાલાકીથી બચવા માટે સ્થાનિક પ્રશાસનના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!