ધનતેરસ 2025 પર સોનાના ભાવમાં 60%થી વધુનો ઉછાળો! 24 કેરેટ સોનાનો ભાવ 1,34,000ની સપાટી પર. જાણો છેલ્લા પાંચ વર્ષમાં ગોલ્ડનું ઐતિહાસિક રિટર્ન અને તે શેરબજાર કરતાં શા માટે સારો વિકલ્પ સાબિત થયું છે.

અમદાવાદ, શનિવાર
દિવાળીના પાવન તહેવારોની શરૂઆત થઈ ચૂકી છે અને આજે એટલે કે ઓક્ટોબર 18ના રોજ ધનતેરસનો શુભ દિવસ છે. આ દિવસને સોના અને અન્ય કિંમતી ધાતુઓની ખરીદી માટે સૌથી શુભ માનવામાં આવે છે. જોકે, આ વર્ષની ધનતેરસે સોનાના ભાવે રોકાણકારોને મોટો આંચકો આપ્યો છે, કારણ કે કિંમતમાં ઐતિહાસિક વધારો નોંધાયો છે.
ગયા વર્ષની ધનતેરસની સરખામણીએ આ વર્ષે સોનાની કિંમતમાં 60%થી વધુનો જંગી વધારો જોવા મળ્યો છે, જેણે ગોલ્ડને ફરી એકવાર સૌથી સફળ રોકાણ વિકલ્પ સાબિત કરી દીધો છે.
સોનાનો ભાવ 1,34,000 પર પહોંચ્યો
આંકડાઓ પર નજર કરીએ તો, વર્ષ 2024ની ધનતેરસના દિવસે 24 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 80,510 હતી. તેની સરખામણીમાં, આ વર્ષે સોનાનો ભાવ આસમાને પહોંચીને 1,34,000ની આસપાસ છે. આ સીધો સંકેત છે કે માત્ર એક વર્ષના ગાળામાં સોનાના ભાવમાં 60%થી વધુનો ઉછાળો આવ્યો છે.
જો કોઈ વ્યક્તિએ ગયા વર્ષે ધનતેરસ પર 1 લાખનું સોનું ખરીદ્યું હશે, તો આ ધનતેરસ સુધીમાં તેને 55,000થી વધુનો નફો થયો છે.
ગોલ્ડનું ઐતિહાસિક વળતર: શેરબજારને પણ પાછળ છોડ્યું
સોનાએ છેલ્લા પાંચ વર્ષમાં રોકાણકારોને સતત સકારાત્મક વળતર આપ્યું છે. માત્ર 2020-21ના નાણાકીય વર્ષમાં જ 5% જેટલું નકારાત્મક વળતર નોંધાયું હતું, પરંતુ અન્ય વર્ષોમાં તેનો દેખાવ દમદાર રહ્યો છે:
* 2022-23: સોનાનું વળતર 20%
* 2023-24: સોનાનું વળતર 30%થી વધુ
વર્તમાન વર્ષ 2024-25: સોનાનું વળતર 55%ની સપાટી પર પહોંચ્યું છે.
જ્યારે સોનાનું વળતર 55%થી વધુ રહ્યું છે, ત્યારે દેશના મુખ્ય બેન્ચમાર્ક નિફ્ટી 50નું વળતર માત્ર 3.5% જેટલું જ રહ્યું છે. આ દર્શાવે છે કે રોકાણકારોની સંખ્યા શેરબજારમાં વધી હોવા છતાં, ગોલ્ડનું રિટર્ન હાલમાં અનેક ગણું વધારે સાબિત થયું છે.
કિંમત વધી, પણ મૂલ્ય જળવાઈ રહ્યું
ભાવમાં આટલો મોટો વધારો હોવા છતાં, મૂલ્યની દ્રષ્ટિએ સોનાની માંગ મજબૂત રહી છે. વર્ષ 2025માં જથ્થાની દ્રષ્ટિએ ગત વર્ષની સરખામણીમાં 20% ઓછું વેચાણ થયું હોવા છતાં, તેના કુલ મૂલ્યમાં 15%થી 20%નો ઉછાળો દેખાઈ રહ્યો છે. આ સ્પષ્ટ કરે છે કે સોનું આજે પણ ભારતીયો માટે સૌથી પસંદીદા અને ભરોસાપાત્ર રોકાણ વિકલ્પ છે.
સોનાના ભાવમાં સતત ઉછાળા પાછળ વૈશ્વિક બજારમાં પ્રવર્તતી અનિશ્ચિતતા અને વિશ્વભરની કેન્દ્રીય બેન્કો દ્વારા સોનાની સતત ખરીદી મુખ્ય કારણો છે. રિઝર્વ બેન્કે ગત વર્ષે 1,180 ટન સોનાની ખરીદી કરી હતી અને આ વર્ષે પણ 1,000 ટનનો ખરીદીનો અંદાજ છે, જે બજારમાં સોનાની માંગ અને ભાવને સતત ટેકો આપી રહ્યું છે.











