રેત ખનન મુદ્દે ગ્રામજનોએ વિરોધ વ્યક્ત કરી ચૂંટણીનો બહિષ્કાર કરવા અંગે આવેદન પત્ર પણ આપ્યું છતાં તંત્ર ના જાગ્યુ : નાગજીના મુવાડા ઉપરાંત પરા વિસ્તાર મોટાના મુવાડા તેમજ વેજાણાના ગ્રામજનો તંત્ર સામે ખફા : તંત્ર હજુ નહીં જાગે તો આગામી દિવસોમાં પણ લડત ચાલુ રાખવા ગ્રામ જનો મક્કમ

દહેગામ, શુક્રવાર : આજે અમે રાજ્યના એક એવા ગામની વાત કરવાનાં છીએ કે આ સાંભળી તમને સરકારી સિસ્ટમ પરથી ભરોસો ઉઠી જશે. જી… હા….. અમે વાત કરી રહ્યા છીએ રાજ્યના પાટનગરને અડીને આવેલા દહેગામ તાલુકાના નાગજીના મુવાડા ગામની… નાગજીના મુવાડા અને પેટપરાના મળી કૂલ ત્રણ ગામના લોકો છેલ્લા ૨૦૧૭ થી મેશ્વો નદીમાં રેત ખનનનો વિરોધ કરી રહ્યા છે, છતાં તંત્ર ઘ્વારા આ વિરોધની પરવા કર્યા સિવાય રેતીના બ્લોક અને લીઝની ફાળવણી કરી દીધી છે. જેના પગલે આ ગામના લોકોએ ના છૂટકે ચૂંટણી બહિષ્કાર કરવાનું નક્કી કરી આવેદનપત્ર આપ્યું હતું. છતાં તંત્ર ના પેટનું પાણી હલતુ નથી. આખરે આ ત્રણ ગામના લોકોએ સામુહિકરીતે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.
બનાવની વિગતે વાત કરીએ તો દહેગામ તાલુકામાં આવેલી મેશ્વો નદીમાં ગેરકાયદેસર રીતે રેતીચોરીની પ્રવૃતિ બેફામ બની છે સરકાર દ્વારા નાગજીના મુવાડામાં ફાળવેલી લીઝનો ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે. નાગજીના મુવાડા મોટાના મુવાડા તેમજ વેજાણા ગામના લોકો ભેગા થઈ મેશ્વો નદીમાં ગેરકાયદેસર થઈ રહેલી રેતીખનન બંધ કરાવી તેમજ લીઝ પણ રદ કરી રેવન્યુ વિલેજનો દરજજો આપી ગ્રામ પંચાયતમાં સ્થાયી તલાટી કમ મંત્રીની નિમણૂક આપવા સહિતની માંગ સાથે ગત તા.5 ના રોજ દહેગામના મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. આ ચારેય ગામના પ્રશ્ન અંગે સરકાર દ્વારા તાત્કાલિક અસરથી નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી ગ્રામ પંચાયતની યોજાનાર ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી હતી તેમ છતાં સરકારી તંત્ર કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્ય સહિત રાજકીય લોકોના પેટનું પાણી હલ્યું ન હતું. છેવટે નાગજીના મુવાડાના ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એક પણ ઉમેદવારી નોંધાવવામાં આવી ન હતી તેમ છતાં સરકારી તંત્ર અને સત્તાધારી રાજકીય પક્ષોના લોકો કોઈ કારણસર મૌન રહ્યા છે જેના કારણે ગ્રામજનોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.
દહેગામ તાલુકાના નાગજીના મુવાડા ખાતે મેશ્વો નદીમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલી લીઝનો નાગજીના મુવાડા ઉપરાંત પરા વિસ્તાર મોટાના મુવાડા તેમજ વેજાણાના ગ્રામજનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. રેતી ખનન કરી રહેલા તત્વો બેફામ બની આડેધડ રેતી ખનન કરતા આ વિસ્તારની ખેતીની જમીનોમાં ધોવાણ થઈ રહ્યું છે જેની રજૂઆત ગ્રામજનો દ્વારા ખાણ ખનીજ વિભાગ તેમજ સરકારના સ્વાગત કાર્યક્રમમાં કરવામાં આવી હોવા છતાં સરકારી તંત્ર દ્વારા આવા તત્વો સામે લગામ નહીં કસવામાં આવતા ગ્રામજનો આક્રમક બન્યા છે. બીજી તરફ આ ગામો ને વર્ષ 2002માં અલગ અલગ પંચાયતોનો દરજ્જો મળ્યો હોવા છતાં ગ્રામ પંચાયતોના સ્થાનિક પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવતો નથી ઉપરાંત આ ગામોને રેવન્યુ વિલેજનો અલગથી દરજ્જો મળે તેમ જ ગ્રામ પંચાયતમાં સ્થાયી તલાટી કમ મંત્રીની નિમણૂક થાય તેવી માંગ પણ પ્રબળ બની હતી તેમ છતાં આજદિન સુધી આ ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા ગ્રામજનોએ ભેગા મળી દહેગામના મામલતદારને પોતાના પ્રશ્ન અંગે આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે મેશ્વો નદીમાં ફાળવવામાં આવેલી લીઝ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેમજ આ ગામોને રેવન્યુ વિલેજનો અલગથી દરજ્જો આપવામાં આવે ઉપરાંત ગ્રામ પંચાયતમાં સ્થાયી તલાટી કમ મંત્રીની નિમણૂક કરવામાં આવે જો તાત્કાલિક અસરથી સરકાર દ્વારા આ અંગે યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીનો નાગજીના મુવાડા અને તેમજ તેના પરા વિસ્તાર મોટાના મુવાડા તેમજ વેજાણાના રહીશો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરશે જે આવેદન આપ્યા બાદ પણ સરકારી તંત્ર કે સત્તાધારી રાજકીય પક્ષના લોકો નાગજીના મુવાડાના ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે નીરસતા દાખવી રહ્યા હતા છેવટે નાગજીના મુવાડા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે એક પણ વ્યક્તિએ ઉમેદવારી નોંધાવી ન હતી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર મેશ્વો નદીમાં ગેરકાયદેસર રીત ખનન થતા ઊંડા ખાડા પડી ગયા છે જેના કારણે ચોમાસા દરમિયાન નદીમાં પાણી આવતા લોકોના ડૂબી જવાથી મોત નીપજવાના બનાવો બની રહ્યા છે ઉપરાંત નિયમો વિરુદ્ધ 20 થી 25 ફૂટ ઊંડા ખાડાખોદી રેત ખનન કરવામાં આવતા આ વિસ્તારના પાણીના તળ પણ ઊંડે જતા ખેતીના પાકને પણ નુકસાન પહોંચી રહ્યું છે આ અંગે વર્ષ 2017 થી સરકારી તંત્ર અને સત્તાધારી રાજકીય પક્ષના લોકોનું ધ્યાન દોરવા છતાં કોઈપણ પ્રકારના પગલા લેવાયા ન હતા. છેવટે કંટાળીને ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું હતું. નાગજીના મુવાડાના ગ્રામજનોએ ઉમેદવારી ન નોંધાવી ચૂંટણીનો બહિષ્કાર કર્યો હોવા છતાં સરકારી તંત્રના લોકો અને સત્તાધારી રાજકીય પક્ષના લોકો પણ ગ્રામજનોને મળી પ્રશ્નના નિકાલ અંગે ઠોસ કાર્યવાહી ન કરી કે યોગ્ય હૈયાધારણ પણ ન આપતા ગ્રામજનોમાં ભારોભાર રોષની લાગણી ફેલાઈ છે.











