અમદાવાદીઓ માટે ખુશખબર: પ્રોપર્ટી ટેક્સમાં મળશે 15% સુધીનું ડિસ્કાઉન્ટ, જાણો કોને અને ક્યારથી મળશે લાભ?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરદાતાઓ માટે મોટી જાહેરાત કરી છે. જો તમે એડવાન્સ ટેક્સ ભરશો તો 15% સુધીનું વળતર મળશે. જાણો સ્કીમની તારીખો અને ઓનલાઇન પેમેન્ટના ફાયદા વિશે વિગતવાર.

અમદાવાદ, ગુરૂવાર
શહેરીજનો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. જો તમે તમારો પ્રોપર્ટી ટેક્સ સમયસર અથવા એડવાન્સમાં ભરી દેતા હોવ, તો તમને મોટો આર્થિક ફાયદો થવાનો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વર્ષ 2026-27 માટે એડવાન્સ ટેક્સ ભરનારા નાગરિકો માટે આકર્ષક વળતર યોજના (Rebate Scheme) જાહેર કરવામાં આવી છે.

રેવન્યુ કમિટીની તાજેતરમાં મળેલી બેઠકમાં નાગરિકોને ટેક્સ ભરવા માટે પ્રોત્સાહિત કરવા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ, કરદાતાઓને 12% થી લઈને 15% સુધીનું રિબેટ આપવામાં આવશે.

કોને અને કેટલું ડિસ્કાઉન્ટ મળશે?
રેવન્યુ કમિટીના ચેરમેન અનિરૂદ્ધસિંહ ઝાલાએ આ યોજનાની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ રીબેટ યોજના આગામી 9 એપ્રિલથી શરૂ થશે અને 31 મે સુધી ચાલશે. એટલે કે નાગરિકો પાસે લાભ લેવા માટે દોઢ મહિના જેટલો સમય રહેશે.

યોજનાના સ્લેબ નીચે મુજબ રહેશે:
12% વળતર: જે નાગરિકો નિયત સમયગાળામાં (9 એપ્રિલથી 31 મે સુધીમાં) એડવાન્સ ટેક્સ ભરશે, તેમને સીધું 12% વળતર મળશે.

13% વળતર: જો તમે ઓફિસ પર ધક્કો ખાવાને બદલે ઓનલાઇન માધ્યમથી ટેક્સ ભરશો, તો તમને વધારાનું 1% એટલે કે કુલ 13% વળતર આપવામાં આવશે. આ નિર્ણય ડિજિટલ પેમેન્ટને વેગ આપવા માટે લેવાયો છે.

15% વળતર: સૌથી વધુ ફાયદો એવા જાગૃત નાગરિકોને થશે જેઓ છેલ્લા 3 વર્ષથી સતત ઓનલાઇન ટેક્સ ભરી રહ્યા છે. આવા કરદાતાઓને કોર્પોરેશન તરફથી 15% નું માતબર વળતર આપવામાં આવશે.
વ્યાજમાફી સ્કીમથી તંત્રને તડાકો

બીજી તરફ, હાલમાં ચાલી રહેલી વ્યાજમાફી સ્કીમને પણ અમદાવાદીઓએ બહોળો પ્રતિસાદ આપ્યો છે. જાન્યુઆરીથી શરૂ થયેલી આ સ્કીમમાં 25 ફેબ્રુઆરી સુધીમાં AMC ની તિજોરીમાં 282.81 કરોડ રૂપિયાની આવક થઈ છે. તંત્ર દ્વારા આશરે 22.99 કરોડ રૂપિયાનું વ્યાજ માફ કરવામાં આવ્યું છે, જેના કારણે ચોખ્ખી આવક 259.82 કરોડ રૂપિયા જેટલી થઈ છે. જો કોઈનો જૂનો ટેક્સ ભરવાનો બાકી હોય, તો તેઓ 31 માર્ચ સુધી આ વ્યાજમાફી સ્કીમનો લાભ લઈ શકે છે.

પશુ પ્રેમી સંસ્થાઓ માટે રાહતના સમાચાર
AMCની રેવન્યુ કમિટીએ માત્ર ટેક્સ કલેક્શન જ નહીં, પરંતુ સામાજિક જવાબદારી નિભાવતા એક ઉમદા નિર્ણય પણ લીધો છે. શહેરમાં મૂંગા પશુઓની સેવા કરતી પાંજરાપોળ અને ગૌશાળાઓ જેવી સંસ્થાઓ, જે ચેરિટી કમિશનર કચેરીમાં નોંધાયેલી હોય, તેમને હવે મિલકત વેરામાંથી મુક્તિ આપવામાં આવશે. આ નિર્ણયથી આવી સેવાભાવી સંસ્થાઓ પરનું આર્થિક ભારણ ઘટશે અને તેઓ પશુઓની સેવા વધુ સારી રીતે કરી શકશે.

આમ, જો તમે પણ ટેક્સમાં રાહત મેળવવા માંગતા હોવ, તો એપ્રિલ મહિનાની શરૂઆતથી જ એડવાન્સ ટેક્સ ભરીને આ યોજનાનો લાભ ઉઠાવી શકો છો.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!