સિંધુ જળ વિવાદ: ભારતનો ‘નહેરી પ્લાન’ પાકિસ્તાનને તરસાવશે?

ભારત 113 KM લાંબી નહેર બનાવી પશ્ચિમી નદીઓના પાણીનો કરશે ઉપયોગ, પાકિસ્તાન માટે સ્થિતિ બનશે કપરી

અમદાવાદ, મંગળવાર
ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960માં થયેલી સિંધુ જળ સંધિ ફરી એકવાર ચર્ચામાં છે. ભારત 113 કિલોમીટર લાંબી એક મહત્ત્વકાંક્ષી નહેર બનાવવાની સંભાવના પર વિચાર કરી રહ્યું છે, જે પંજાબ, હરિયાણા અને રાજસ્થાન જેવા રાજ્યોમાં સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીઓના વધારાના પાણીને ડાયવર્ટ કરશે. આ પગલું સિંધુ જળ સંધિ હેઠળ ભારતના ભાગના પાણીનો વધુ સારી રીતે ઉપયોગ કરવા માટે લેવામાં આવી રહ્યું છે. જો આ યોજના અમલમાં આવશે, તો પાકિસ્તાનને પાણીની તીવ્ર અછતનો સામનો કરવો પડી શકે છે.

સિંધુ જળ સંધિ અને ભારતનો નવો પ્લાન
1960ની સિંધુ જળ સંધિ વિશ્વ બેંકની મધ્યસ્થીથી થઈ હતી. આ સંધિ છ નદીઓ – સિંધુ, ઝેલમ, ચિનાબ (પશ્ચિમી નદીઓ), અને રાવી, બિયાસ, સતલજ (પૂર્વીય નદીઓ) – ના પાણીની વહેંચણીનું નિયમન કરે છે. સંધિ મુજબ, પૂર્વીય નદીઓના પાણી પર ભારતનો સંપૂર્ણ અધિકાર છે, જ્યારે પશ્ચિમી નદીઓના પાણીનો મોટો હિસ્સો પાકિસ્તાન તરફ વહે છે. હવે ભારત પશ્ચિમી નદીઓ ઝેલમ, ચિનાબ અને સિંધુના એડિશનલ વોટરને નહેરો દ્વારા પોતાના ઉપયોગી વિસ્તારોમાં લઈ જવા માંગે છે. આ પાણી હાલ પાકિસ્તાન તરફ વહી રહ્યું છે.

પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ અને અમિત શાહનું નિવેદન
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ પ્રોજેક્ટ હજુ પ્રારંભિક તબક્કામાં છે. તેની શક્યતાઓ અંગે રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ચિનાબને રાવી-બિયાસ-સતલજ સાથે જોડતી નવી નહેર બનાવવામાં આવશે. આ કાર્ય આગામી ત્રણ વર્ષમાં પૂરું થવાની અપેક્ષા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે મધ્ય પ્રદેશમાં ભાજપના એક ટ્રેનિંગ સેશનમાં મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, આગામી ત્રણ વર્ષમાં સિંધુ નદીનું પાણી નહેરો દ્વારા રાજસ્થાનના ગંગાનગર સુધી પહોંચાડવામાં આવશે, જેનાથી પાકિસ્તાન પાણીના દરેક ટીપા માટે તરસશે.

યમુનાથી ગંગાસાગર સુધી પાણી પહોંચાડવાનું વિઝન
રિપોર્ટ મુજબ, પ્રસ્તાવિત નહેરને યમુના નદી સાથે જોડવાની પણ યોજના છે. જો આ જોડાણ શક્ય બનશે, તો નહેરની લંબાઈ 200 કિલોમીટર સુધી પહોંચી શકે છે. ત્યારબાદ, યમુના દ્વારા આ પાણીને ગંગાસાગર સુધી પહોંચાડી શકાય છે. આનાથી દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન જેવા રાજ્યોને ઘણો ફાયદો થશે.

આતંકવાદ અને પાણીનો સંબંધ
22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપતા જણાવ્યું હતું કે, જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારથી થતા આતંકવાદને વિશ્વસનીય રીતે સમાપ્ત નહીં કરે, ત્યાં સુધી સિંધુ જળ સંધિને સસ્પેન્ડ રાખવામાં આવશે. ભારતે આ હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું હતું, જેને પાકિસ્તાન નકારે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અગાઉ કહી ચૂક્યા છે કે “પાણી અને લોહી એકસાથે વહી શકે નહીં” અને “આતંકવાદ અને વાતચીત એકસાથે શક્ય નથી.” આ નવો નહેરી પ્રોજેક્ટ ભારતના જળ સુરક્ષાના પ્રયાસોનો એક ભાગ છે અને તે ભવિષ્યમાં ભારત-પાકિસ્તાન સંબંધો પર મોટી અસર કરી શકે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!