ગુજરાતમાં વધતા આત્મહત્યાના કેસોને રોકવા સરકારે કડક મેન્ટલ હેલ્થ પોલિસી જાહેર કરી છે. હવે શાળાઓ અને કોલેજોમાં કાઉન્સેલરની નિમણૂક અને ગુપ્ત ફરિયાદ વ્યવસ્થા ફરજિયાત રહેશે.

ગાંધીનગર, મંગળવાર
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ભણતરનું દબાણ હોય કે અન્ય અંગત કારણો, નબળી માનસિક સ્થિતિને કારણે અનેક વિદ્યાર્થીઓ પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લેતા ગુજરાત સરકારે રાજ્યની તમામ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને ખાનગી કોચિંગ ક્લાસ માટે નવી ‘મેન્ટલ હેલ્થ પોલિસી’ જાહેર કરી છે. આ પોલિસીનો અમલ કરવો હવે દરેક શૈક્ષણિક સંસ્થા માટે ફરજિયાત રહેશે.
શૈક્ષણિક સંસ્થાઓ માટે મહત્વની ગાઈડલાઇન્સ
નવી પોલિસી મુજબ, શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓને માનસિક ટેકો આપવા માટે નીચે મુજબના ફેરફારો કરવામાં આવશે:
કાઉન્સેલરની નિમણૂક: દરેક કોલેજ અને યુનિવર્સિટીમાં દર 100 વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછા 1 લાયક કાઉન્સેલર રાખવા પડશે. જો વિદ્યાર્થીઓની સંખ્યા 100 થી ઓછી હોય, તો સંસ્થાએ માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો સાથે જોડાણ (રેફરલ વ્યવસ્થા) કરવું પડશે.
દબાણના સમયે ખાસ માર્ગદર્શન: પરીક્ષા કે અભ્યાસક્રમમાં ફેરફાર જેવા તણાવપૂર્ણ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓને ગુપ્ત અને સંવેદનશીલ રીતે ગાઈડન્સ આપવું પડશે.
સ્ટાફ ટ્રેનિંગ: માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પણ શિક્ષકો અને બિન-શૈક્ષણિક સ્ટાફને વર્ષમાં 2 વખત ટ્રેનિંગ અપાશે, જેથી તેઓ માનસિક તણાવના લક્ષણોને વહેલી તકે ઓળખી શકે.
ખાનગી કોચિંગ સંસ્થાઓ પર કડક લગામ
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતા કોચિંગ સેન્ટરોમાં વધતા તણાવને રોકવા માટે પણ નિયમો બનાવાયા છે, કોઈપણ વિદ્યાર્થીને તેના નબળા શૈક્ષણિક દેખાવના આધારે અલગ પાડી શકાશે નહીં. જાહેરમાં વિદ્યાર્થીને અપમાનિત કરવા કે તેમના પર અવાસ્તવિક અપેક્ષાઓ લાદવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

સુરક્ષા અને ફરિયાદ નિવારણ
નવી ગાઈડલાઈનમાં વિદ્યાર્થીઓની સુરક્ષા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે:
રેફરલ પ્રોટોકોલ: દરેક સંસ્થાએ નજીકની હોસ્પિટલ, હેલ્પલાઈન નંબર અને માનસિક સ્વાસ્થ્ય સેવાઓની વિગતો કેમ્પસ, વેબસાઈટ અને નોટિસ બોર્ડ પર ફરજિયાત દર્શાવવી પડશે.
ગુપ્ત ફરિયાદ: રેગિંગ, જાતીય સતામણી કે ભેદભાવની ફરિયાદ કરવા માટે એક સુરક્ષિત અને ગુપ્ત વ્યવસ્થા ઉભી કરવી પડશે, જેના પર તાત્કાલિક એક્શન લેવાના રહેશે.
હોસ્ટેલમાં ફેરફાર: છાત્રાલયોમાં પંખા, બાલ્કની અને અન્ય જોખમી સ્થાનો પર આત્મહત્યા નિવારક સાધનો કે ફેરફાર કરવાના રહેશે.
કેમ પડી આ પોલિસીની જરૂર?
NCRB (નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો)ના આંકડા અનુસાર, વર્ષ 2017 થી 2021 દરમિયાન ગુજરાતમાં 3,002 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. જ્યારે વિધાનસભામાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ, એપ્રિલ 2020 થી માર્ચ 2023 ના માત્ર 3 વર્ષમાં 495 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો છે. આ ભયાનક આંકડાઓને જોતા સરકાર હવે શિક્ષણની સાથે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી રહી છે.
ગુજરાત સરકારની આ નવી પોલિસી વિદ્યાર્થીઓમાં વધતા માનસિક તણાવને ઘટાડવા માટેનું એક પ્રશંસનીય પગલું છે. હવે દરેક સંસ્થાએ આ કામગીરીનો વાર્ષિક અહેવાલ પણ શિક્ષણ વિભાગને સોંપવો પડશે, જે પારદર્શિતા અને કડક અમલીકરણની ખાતરી આપશે.











