UPI MDR ચાર્જના વિરોધમાં ગુજરાતના વેપારીઓનો લાલઘૂમ: 600 સંગઠનોએ મનાવ્યો ‘નો UPI ડે’

આગામી ૧૫ ઓક્ટોબરથી UPI પેમેન્ટ પર MDR ચાર્જ લાગુ થવાના વિરોધમાં ગુજરાતના ૬૦૦ વેપારી સંગઠનોએ આજે QR કોડ પર કાળું કપડું ઢાંકી ‘નો UPI ડે’ મનાવ્યો અને ચાર્જ નાબૂદ કરવાની માંગ કરી.

UPI ટ્રાન્ઝેક્શન પર લાગનારા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)ના નવા નિયમોના વિરોધમાં ગુજરાત સહિત દેશભરના વેપારીઓએ આજે ‘No UPI Day’ મનાવ્યો હતો. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને જૂનાગઢ સહિતના શહેરોમાં વેપારીઓએ UPI પેમેન્ટ સ્વીકારવાનો વિરોધ નોંધાવ્યો હતો.

વેપારીઓના જણાવ્યા અનુસાર, 2 હજાર રૂપિયાથી વધુના પસંદગીના મર્ચન્ટ પેમેન્ટ પર 0.4 ટકા MDR અને કેપિટલ માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ તથા શેરબજાર સંબંધિત કેટલાક ટ્રાન્ઝેક્શન પર 0.02 ટકા MDR નક્કી કરવામાં આવ્યો છે. આ નિયમોના વિરોધમાં વેપારી સંગઠનોએ સરકાર સમક્ષ MDR ચાર્જમાંથી મુક્તિની માગ કરી છે.

600થી વધુ ટ્રેડર્સ યુનિયનનો વિરોધ

ગુજરાતમાં આશરે 600 ટ્રેડર્સ યુનિયનો દ્વારા એક દિવસ માટે UPI ટ્રાન્ઝેક્શન નહીં સ્વીકારવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનો વેપારીઓનો દાવો છે. વિરોધના ભાગરૂપે અનેક વેપારીઓએ પોતાની દુકાનોમાં લગાવેલા QR કોડ મશીન અને બોર્ડ પર કાળું કપડું ઢાંકી દીધું હતું.

આ ઉપરાંત દુકાનો અને વેપારી પ્રતિષ્ઠાનો પર ‘Sorry for Today, No UPI’ જેવા પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતા. વેપારીઓએ આ રીતે નવા MDR નિયમ સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

વેપારીઓએ શું કહ્યું?

વિરોધ કરી રહેલા વેપારીઓનું કહેવું છે કે UPI દ્વારા થતા રૂ. 2,000થી વધુના ચોક્કસ ટ્રાન્ઝેક્શન પર MDR ચાર્જ લાગશે તો તેમના વ્યવસાય પર વધારાનો ખર્ચ આવશે. વેપારીઓએ દાવો કર્યો છે કે જો MDR ચાર્જ દૂર કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં તેનો બોજ ગ્રાહકો પર પણ પડી શકે છે.

વેપારી સંગઠનોએ સરકારને અપીલ કરી છે કે 15 ઓક્ટોબરથી નવા નિયમો લાગુ થાય તે પહેલાં વેપારીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે અને UPI પેમેન્ટ પર MDR ચાર્જમાંથી રાહત આપવામાં આવે.

UPI પર MDRને લઈને વેપારીઓનો વિરોધ

વેપારીઓનો આ વિરોધ ડિજિટલ પેમેન્ટના વધતા ઉપયોગ વચ્ચે MDRના ખર્ચને લઈને છે. હવે સરકાર અને સંબંધિત સત્તાવાળાઓ આ મુદ્દે શું નિર્ણય લે છે તેના પર વેપારીઓની નજર છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!