હેપ્પી બર્થ-ડે ગાંધીનગર: 61 વર્ષની વિકાસયાત્રા, ગુજરાતના કેપિટલ સિટીથી એજ્યુકેશન અને ગ્રીન સિટી સુધીની સફર

ગાંધીનગરને “Clean and Green city” તરીકે પણ ઓળખવામાં આવે છે. 17 જુલાઈ, 2025 ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા સમારોહમાં, સ્વચ્છ સર્વેક્ષણ 2024 માં ગાંધીનગર શહેરને 3 લાખથી 10 લાખની વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં “સુપર સ્વચ્છ લીગ” માટે પસંદ કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર, શનિવાર
ગુજરાતનું પાટનગર ગાંધીનગર તેની 61મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. 2 ઓગસ્ટ 1965ના રોજ સ્થાપિત થયેલું આ શહેર, આજે ફક્ત કેપિટલ સિટી જ નહીં, પરંતુ ગ્રીન સિટી, ક્લીન સિટી, ટ્વીન સિટી, પોલિટિકલ સિટી અને એજ્યુકેશન સિટી તરીકે પણ દેશભરમાં જાણીતું છે. સુંદર રસ્તાઓ, લીલાછમ બગીચાઓ, સરકારી ઓફિસો, અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ અને વાંચનાલયો સાથે, ગાંધીનગરે છેલ્લા 60 વર્ષમાં એક આદર્શ શહેર તરીકે પોતાની ઓળખ બનાવી છે. ગાંધીનગર જિલ્લો પણ વિકાસની આ રેસમાં અગ્રેસર છે અને વિવિધ ક્ષેત્રોમાં સીમાચિન્હો સ્થાપિત કરીને રાજ્યને લીડ કરી રહ્યો છે.

ગાંધીનગરનો વધતો વ્યાપ: સેક્ટર્સ અને ગામડાઓનો સમાવેશ
શરૂઆતમાં ગાંધીનગર ફક્ત સેક્ટર 28 અને 29 પૂરતું સીમિત હતું. જોકે, આજે આ શહેર 1થી 30 સેક્ટરો, ‘ક’ થી ‘જ’ માર્ગો કે 1 થી 7 સર્કલોની સીમામાં બંધાયેલું નથી. ગાંધીનગરમાં આસપાસના અનેક ગામડાઓનો સમાવેશ થયો છે, જેમાં ખાસ કરીને 18 જૂન, 2020 ના રોજ 18 ગ્રામ પંચાયતો અને એક નગરપાલિકાનો ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવેશ થતાં શહેરનો વિસ્તાર અનેકગણો વધ્યો છે.

આયોજનબદ્ધ શહેર: ચંડીગઢ પછી બીજા ક્રમે
વર્ષ 1965માં અમદાવાદ અને મહેસાણા જિલ્લામાંથી ગાંધીનગરની રચના કરવામાં આવી હતી. આ શહેરનું નિર્માણ ફ્રેન્ચ આર્કિટેક્ટ લા-કાર્બુઝિયર દ્વારા પંજાબના ચંડીગઢના મોડેલ મુજબ 30 સેક્ટર્સમાં કરવામાં આવ્યું હતું. સમગ્ર ભારતમાં ચંડીગઢ પછી, ગાંધીનગર બીજા સ્થાને સૌથી આયોજનબદ્ધ શહેર તરીકે પ્રખ્યાત છે.

1971માં પાટનગરનું સ્થળાંતર અને સર્વાંગી વિકાસ
ઈ.સ. 1971માં હિતેન્દ્રભાઈ દેસાઈના મુખ્યમંત્રી પદ હેઠળ ગુજરાતનું પાટનગર અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવ્યું. ત્યારથી જ સરકારનો હેતુ ગાંધીનગરને શ્રેષ્ઠ, સુરક્ષિત અને સગવડતાસભર બનાવવાનો હતો. વર્તમાન સમયમાં, રાજ્ય અને કેન્દ્ર સરકારના નેતૃત્વ હેઠળ, જિલ્લાએ શાંતિ, સ્થિરતા, એકતા સાથે સર્વાંગી વિકાસનો સંગમ રચ્યો છે. જનભાગીદારી સાથે જિલ્લાએ ઉચ્ચ શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગો, ઊર્જા, કૃષિ, માર્ગ વિકાસ, પાણી પુરવઠો, રોજગારી, મહિલા-બાળ વિકાસ અને વંચિતોના વિકાસમાં સુવર્ણ સિદ્ધિઓ હાંસલ કરી છે.

ગાંધીનગરની આગવી ઓળખ: GIFT સિટી અને શૈક્ષણિક હબ
આજે ગાંધીનગર જિલ્લો વિકાસનું શ્રેષ્ઠ મોડેલ બન્યો છે. જિલ્લો વૈશ્વિક કક્ષાની શિક્ષણ સુવિધાઓ અને યુનિવર્સિટીઓ થકી વિદ્યાધામ બનીને દેશ-વિદેશના વિદ્યાર્થીઓને આકર્ષી રહ્યો છે. મહાત્મા મંદિરનું નિર્માણ થઈ ચૂક્યું છે અને ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી (GIFT સિટી) ગાંધીનગરની નવી ઓળખ સમાન બની છે, જે વિશ્વના શ્રેષ્ઠ શહેરોની સમકક્ષ છે.

ગાંધીનગરની મુખ્ય શૈક્ષણિક સંસ્થાઓમાં PDPU, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, DICT, NID, ચિલ્ડ્રન યુનિવર્સિટી, સ્પોર્ટ્સ યુનિવર્સિટી, IIT, ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે, જેમણે ગાંધીનગરને શૈક્ષણિક નગરી તરીકે નવી ઓળખ આપી છે.

કૃષિ, મેડિકલ અને સુવિધાઓથી સજ્જ ગાંધીનગર
ગાંધીનગર જિલ્લો ખેતી અને પશુપાલનમાં પણ મોખરે છે, કૃષિ વિકાસની સાથે પશુપાલનમાં શ્વેતક્રાંતિનો વાહક બન્યો છે. આરોગ્યની દ્રષ્ટિએ પણ જિલ્લામાં ભરપૂર સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમાં 1 સિવિલ હોસ્પિટલ, 9 સામુહિક આરોગ્ય કેન્દ્ર, 32 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 170 પેટા આરોગ્ય કેન્દ્ર, 14 સરકારી દવાખાના, 2 પી.પી. યુનિટ, 17 આયુર્વેદિક આરોગ્ય કેન્દ્ર અને 9 હોમિયોપેથિક દવાખાના સામેલ છે.

ગાંધીનગર: ભવ્ય વારસો અને આધુનિક આકર્ષણો
વર્ષ 1969માં રચાયેલું ગાંધીનગર આજે દરેક ક્ષેત્રમાં ઝડપી પ્રગતિ કરી રહ્યું છે. ગાંધીનગરનો પૌરાણિક અને ઐતિહાસિક વારસો પણ ભવ્ય છે. કુલ 2139.62 ચો. કિ.મી. વિસ્તારમાં ફેલાયેલા ગાંધીનગરમાં 288 ગામો, 4 તાલુકા અને 4 નદીઓનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ સાથે જોડાયેલું આ શહેર અને જિલ્લો સમગ્ર વિશ્વમાં એક હરિયાળા અને રળિયામણા પાટનગર તરીકે ઓળખાય છે. શહેરની પ્રથમ ઇમારતની પ્રથમ ઈંટ 2 ઓગસ્ટ, 1965 ના રોજ હાલના ગુજરાત વિદ્યુત બોર્ડ સ્થિત થર્મલ પાવર સ્ટેશનના સર્કિટ હાઉસના મકાનની જગ્યાએ મૂકવામાં આવી હતી.

ગાંધીનગરના મુખ્ય આકર્ષણો અને સ્વચ્છતા
ગાંધીનગર તેની શહેરી ડિઝાઇન, લીલી જગ્યાઓ અને સાંસ્કૃતિક આકર્ષણો માટે જાણીતું છે. ઇન્દ્રોડા ડાયનાસોર અને ફોસિલ પાર્ક, અક્ષરધામ મંદિર, અને તેના વ્યાપક લીલા આવરણને કારણે તે “ભારતની વૃક્ષ રાજધાની” તરીકે પ્રખ્યાત છે. અન્ય મુખ્ય આકર્ષણોમાં મહાત્મા મંદિર, સરિતા ઉદ્યાન, પુનીત વન, અડાલજ ઐતિહાસિક વાવ, અંબાપુરની વાવ, વાસણ ગામે વૈજનાથ મહાદેવનું મંદિર, મહુડીનું જૈન મંદિર, જૈન તીર્થ – કોબા, રૂપાલ ગામે વરદાયિની મંદિર, વિધાનસભા, ત્રિમંદિર, અમરનાથ ધામ, અને GIFT સિટી નો સમાવેશ થાય છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!