ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર હાઈવોલ્ટેજ ડ્રામા: ઘૂસણખોરને લઈને બંને દેશની સેના સામસામે, જાણો કેમ થયો પથ્થરમારો?

ભારત અને બાંગ્લાદેશની મેઘાલય બોર્ડર પર 1 ઘૂસણખોરને પરત મોકલવા મુદ્દે ભારે હોબાળો થયો છે. BSF અને BGB વચ્ચે તણાવ બાદ સ્થાનિકોએ પથ્થરમારો કર્યો. જાણો આખા વિવાદની લેટેસ્ટ અપડેટ.

નવી દિલ્હી, ગુરૂવાર
ભારત અને બાંગ્લાદેશની બોર્ડર પર ફરી એકવાર તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. પૂર્વોત્તર રાજ્ય મેઘાલયની આંતરરાષ્ટ્રીય સરહદ પર 1 બાંગ્લાદેશી ઘૂસણખોરને પરત મોકલવા મુદ્દે મોટો હોબાળો થયો છે. વાત એટલી હદે વણસી ગઈ કે બોર્ડર પર બંને તરફથી પથ્થરમારો શરૂ થઈ ગયો હતો, જેના કારણે સુરક્ષા એજન્સીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે.

આ ઘટના મેઘાલયના દક્ષિણ પશ્ચિમ ગારો હિલ્સ જિલ્લાના મહેન્દ્રગંજ પાસે આવેલા નંદિર ચાર સરહદી વિસ્તારની હોવાનું સામે આવ્યું છે.

બબાલની શરૂઆત ક્યાંથી થઈ?
1 વ્યક્તિએ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરી હતી. ભારતીય સીમા સુરક્ષા દળ (BSF) એ તેને પકડી લીધો અને કસ્ટડીમાં લીધા બાદ તેને પાછો બાંગ્લાદેશ મોકલવાની પ્રક્રિયા શરૂ કરી. પરંતુ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડ્સ અને ત્યાંના સ્થાનિક લોકોએ આ વ્યક્તિને સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી. પકડાયેલા વ્યક્તિએ પોતે બાંગ્લાદેશી નાગરિક હોવાની કબૂલાત કરી હોવા છતાં, બાંગ્લાદેશ તરફથી તેને સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો. નો મેન્સ લેન્ડમાં ફસાયો ઘૂસણખોર અને શરૂ થયો પથ્થરમારો બાંગ્લાદેશના ઇનકાર બાદ પેલો ઘૂસણખોર બંને દેશોની સરહદ વચ્ચે આવેલી તારની વાડ પાસે જ ફસાઈ ગયો. આ કારણે ત્યાં ભારે ભ્રમ અને તણાવ ઉભો થયો. આ ઘટનાના સમાચાર મળતા જ બોર્ડરની બંને બાજુએ મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા.

જોતજોતામાં લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને બંને તરફથી પથ્થરમારો શરૂ થઈ ગયો. ફેન્સિંગની આરપાર પથ્થરો ફેંકાતા સ્થિતિ વધુ સંવેદનશીલ બની ગઈ હતી. સદનસીબે, આ પથ્થરમારામાં કોઈના ગંભીર રીતે ઘાયલ થવાના સમાચાર હજુ સુધી મળ્યા નથી.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
આ હોબાળાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જેમાં બોર્ડર પર ઉમટેલી ભીડ અને ગરમાયેલો માહોલ સ્પષ્ટ જોઈ શકાય છે. જોકે, વહીવટીતંત્ર દ્વારા હજુ સુધી આ વીડિયોની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. અધિકારીઓ આ વીડિયોની ખરાઈ કરી રહ્યા છે અને તેમણે સ્થાનિક લોકોને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે.

હાલ શું છે સરહદની પરિસ્થિતિ?
આ ઘટના બાદ નંદિર ચાર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા એકદમ સઘન કરી દેવામાં આવી છે. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વધારાના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે અને પેટ્રોલિંગ વધારી દેવાયું છે.

હાલમાં BSF અને BGB ના અધિકારીઓ વચ્ચે સતત સંપર્ક ચાલુ છે. બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ પ્રોટોકોલ મુજબ આ વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યારે સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે, પરંતુ બંને દેશોની એજન્સીઓ બોર્ડર પર બાજ નજર રાખી રહી છે. આશા છે કે વાતચીત દ્વારા આ વિવાદનો ટૂંક સમયમાં જ સુખદ અંત આવશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!