વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં સચવાયેલા ભગવાન બુદ્ધના પવિત્ર અસ્થિને આજે સીએમની હાજરીમાં શ્રીલંકા રવાના કરવામાં આવ્યા છે. 1960માં મળેલા આ અસ્થિ પ્રથમવાર કેમ્પસ બહાર નીકળ્યા છે. જાણો આ ઐતિહાસિક કાર્યક્રમની સંપૂર્ણ વિગત.

વડોદરા, બુધવાર
ભારત અને શ્રીલંકા વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે આજે વડોદરામાં એક ઐતિહાસિક ઘટના બની છે. વડોદરાની વિશ્વવિખ્યાત એમ.એસ. યુનિવર્સિટી (MSU)ના આર્કિયોલોજી વિભાગમાં વર્ષોથી જતનપૂર્વક સાચવવામાં આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અસ્થિને આજે શ્રીલંકા મોકલવા માટે રવાના કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ હાજર રહ્યા હતા.
મંત્રોચ્ચાર અને ગાર્ડ ઓફ ઓનર સાથે ભવ્ય વિદાય
આજે યુનિવર્સિટી કેમ્પસમાં એક અલગ જ માહોલ જોવા મળ્યો હતો. ભગવાન બુદ્ધના અસ્થિને શ્રીલંકા મોકલતા પહેલા બૌદ્ધ સાધુઓ દ્વારા ખાસ પૂજા અને મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ફૂલોથી શણગારેલી વિશેષ ગાડીમાં અસ્થિ કળશને મૂકવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદેશી વિદ્યાર્થીઓએ પણ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, 1960માં દેવનીમોરી ખાતે થયેલા ઉત્ખનન દરમિયાન આ અસ્થિ મળી આવ્યા હતા. ત્યારથી અત્યાર સુધી આ અસ્થિ યુનિવર્સિટીના મ્યુઝિયમમાં જ હતા. આજનો દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે ઇતિહાસમાં પહેલીવાર આ પવિત્ર અસ્થિ યુનિવર્સિટી કેમ્પસની બહાર નીકળ્યા છે.
શ્રીલંકામાં ભવ્ય પ્રદર્શન યોજાશે
આ અસ્થિને લઈને 3 બૌદ્ધ સાધુઓ અને આર્કિયોલોજી વિભાગના 4 પ્રોફેસરોની ટીમ વડોદરાથી ફ્લાઈટ દ્વારા દિલ્હી જશે. ત્યાંથી વિશેષ ફ્લાઈટ મારફતે તારીખ 4 ફેબ્રુઆરીએ તેઓ કોલંબો (શ્રીલંકા) પહોંચશે.
ફેકલ્ટી ડીન પ્રો. કલ્પના ગવલીના જણાવ્યા અનુસાર, શ્રીલંકામાં યોજાનારા એક ખાસ બુદ્ધિસ્ટ એક્ઝિબિશનમાં આ અસ્થિને દર્શનાર્થે મૂકવામાં આવશે. ત્યાં શ્રીલંકાના વડાપ્રધાનની હાજરીમાં ભવ્ય સમારોહનું આયોજન પણ કરાયું છે. ભાવિકોના દર્શન બાદ, તારીખ 11 ફેબ્રુઆરીએ અધિકારીઓ અસ્થિ લઈને પરત વડોદરા આવશે.
અસ્થિ કળશ પરનું ખાસ લખાણ
ભગવાન બુદ્ધના અસ્થિ જે પાત્રમાં સાચવવામાં આવ્યા છે તે પથ્થરમાંથી બનેલું છે અને એક ખડિયા જેવું દેખાય છે. તેની સાથે સિલ્કનું વસ્ત્ર પણ છે. આ પાત્ર પર બ્રાહ્મી લિપિ અને સંસ્કૃતમાં “દશબલ શરીર નિલય…” લખેલું છે. જેનો અર્થ થાય છે કે આ પાત્ર ભગવાન બુદ્ધના અવશેષોનું નિવાસ સ્થાન છે. સંશોધન મુજબ, દેવનીમોરી સાઈટ પર 8મી સદી સુધી બૌદ્ધ વિહાર અસ્તિત્વમાં હોવાના પુરાવા મળ્યા હતા.
સીએમના આગમને કેમ્પસનું ચિત્ર બદલાયું
મુખ્યમંત્રીના આગમનને પગલે આખું યુનિવર્સિટી કેમ્પસ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. સામાન્ય દિવસોમાં સફાઈના અભાવે ગંદકી જોવા મળતી હોય છે, પરંતુ સીએમ આવવાના હોવાથી આજે કેમ્પસ એકદમ ચોખ્ખુંચણાક કરી દેવામાં આવ્યું હતું. ઘણા વર્ષો પછી કોઈ મુખ્યમંત્રીએ યુનિવર્સિટીમાં પગ મુક્યો હોવાથી તંત્ર દોડતું થયું હતું.
જોકે, આ કાર્યક્રમને કારણે વિદ્યાર્થીઓને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સાયન્સ, આર્ટસ અને કોમર્સ ફેકલ્ટીમાં શિક્ષણ કાર્ય પર અસર પડી હતી. બપોર પછીના લેક્ચર્સ રદ કરાયા હતા, અને સાયન્સ ફેકલ્ટીમાં તો આજની તમામ ઇન્ટરનલ પરીક્ષાઓ પણ કેન્સલ કરવામાં આવી હતી.










