સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં તમામ પ્રકારના ગુનાઓમાં આરોપીની ધરપકડ (Arrest) કરતી વખતે ધરપકડના કારણો (Grounds of Arrest) ની લેખિતમાં જાણ કરવી ફરજિયાત ગણાવી છે.

સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં તમામ પ્રકારના ગુનાઓમાં આરોપીની ધરપકડ (Arrest) કરતી વખતે ધરપકડના કારણો (Grounds of Arrest) ની લેખિતમાં જાણ કરવી ફરજિયાત ગણાવી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ નિયમ ફક્ત IPCની કલમ ૪૧-એ (જ્યાં ૭ વર્ષથી ઓછી સજા હોય) માટે જ નહીં, પરંતુ તમામ ગુનાઓ માટે લાગુ પડશે.
જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની ડિવિઝન બેન્ચે જણાવ્યું કે, આરોપીને ધરપકડના કારણોની લેખિતમાં જાણ કરવી, બંધારણના અનુચ્છેદ ૨૨(૧) દ્વારા મળેલા મૂળભૂત અધિકાર (Fundamental Right) નો એક ભાગ છે. આ નિર્ણય સુપ્રીમ કોર્ટના અગાઉના ‘અર્નેશ કુમાર’ કેસના ચુકાદાના વિસ્તરણ તરીકે જોવામાં આવે છે.
કોર્ટે સ્પષ્ટતા કરી કે, જો કોઈ પોલીસ અધિકારી ધરપકડનું કારણ લેખિતમાં નહીં આપે, તો તે ધરપકડને ગેરકાયદેસર (Illegal) ગણવામાં આવી શકે છે અને ધરપકડ કરનાર અધિકારી સામે પણ કાર્યવાહી થઈ શકે છે.
સુપ્રીમ કોર્ટે હવે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ વડાઓને આ આદેશનું કડકપણે પાલન કરવા અને તમામ પોલીસ સ્ટેશનોને આ દિશામાં સૂચનાઓ આપવા નિર્દેશ આપ્યો છે. આ નિર્ણય સામાન્ય નાગરિકોના વ્યક્તિગત સ્વાતંત્ર્ય (Personal Liberty) ને મજબૂત બનાવશે.











