રાહુલ ગાંધીના આરોપોની અસર: ચૂંટણી પંચે લોન્ચ કરી ‘e-Sign’ સિસ્ટમ, હવે OTP વગર મતદાર યાદીમાં ફેરફાર શક્ય નથી!

રાહુલ ગાંધી દ્વારા મતદાર યાદીમાંથી નામ હટાવવાના આરોપો બાદ ચૂંટણી પંચ એક્શનમાં આવ્યું છે. નવી ‘e-Sign’ સિસ્ટમ લોન્ચ કરી, જેનાથી આધાર OTP વગર કોઈ પણ અરજી સબમિટ નહીં થાય. જાણો શું છે આ નવી સિસ્ટમ અને તેના ફાયદા.

નવી દિલ્હી, બુધવાર
ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને મતદારોના ડેટાને વધુ સુરક્ષિત બનાવવા માટે ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કર્ણાટકમાં મતદાર યાદીમાંથી મોટા પાયે નામો હટાવવામાં ગેરરીતિના આરોપો લગાવ્યા બાદ, ચૂંટણી પંચે તેની સિસ્ટમને અપગ્રેડ કરતાં ‘ઈ-સાઈન’ (e-Sign) નામનું એક નવું સિક્યોરિટી ફીચર લોન્ચ કર્યું છે.

આ નવા ફીચરનો મુખ્ય હેતુ ઓનલાઈન અરજીઓ દ્વારા થતી છેતરપિંડી અને કોઈ અન્ય વ્યક્તિના ઓળખપત્રનો દુરુપયોગ અટકાવવાનો છે.

શું છે આ નવી ‘e-Sign’ સિસ્ટમ અને કેવી રીતે કામ કરશે?
જ્યારે પણ કોઈ નાગરિક ચૂંટણી પંચના ECINet પોર્ટલ અથવા એપ પર જઈને મતદાર યાદી સંબંધિત કોઈ પણ ફેરફાર માટે અરજી કરે છે, ત્યારે તેને આ નવી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

ફોર્મ ભરવાની શરૂઆત: યુઝર જ્યારે નવા રજિસ્ટ્રેશન માટે ફોર્મ 6 (Form 6), નામ હટાવવા માટે ફોર્મ 7 (Form 7) અથવા વિગતોમાં સુધારા માટે ફોર્મ 8 (Form 8) ભરે છે, ત્યારે છેલ્લે તેને ‘ઈ-સાઈન’ કરવું પડશે.

આધાર વેરિફિકેશન: પોર્ટલ એ સુનિશ્ચિત કરશે કે અરજદારનું નામ મતદાર કાર્ડ અને આધાર કાર્ડ પર સરખું છે તથા તેમનો આધાર કાર્ડ મોબાઇલ નંબર સાથે લિન્ક થયેલો છે.

OTP ઓથેન્ટિકેશન: અરજદારને એક એક્સટર્નલ ઈ-સાઈન પોર્ટલ પર રીડાયરેક્ટ કરવામાં આવશે, જ્યાં તેમણે પોતાનો આધાર નંબર દાખલ કરવાનો રહેશે. આધાર નંબર દાખલ કર્યા બાદ, તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક ‘આધાર OTP’ આવશે.

ફાઇનલ સબમિશન: આ OTP દાખલ કર્યા પછી જ તેમની ઓળખની વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ થશે અને અરજી ECINet પોર્ટલ પર સબમિટ કરવા માટે આગળ વધશે.

આ સમગ્ર પ્રક્રિયાને કારણે, હવે કોઈ પણ અજાણી વ્યક્તિ બીજા કોઈના નામે મતદાર યાદીમાં ફેરફાર કરવાની અરજી કરી શકશે નહીં.

ચૂંટણી પંચને આ ફેરફારની જરૂર કેમ પડી?
તાજેતરમાં, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે કર્ણાટકના આલંદ વિધાનસભા ક્ષેત્રમાં ઓનલાઈન એપ્લિકેશન દ્વારા લગભગ 6,000 મતદારોના નામ યાદીમાંથી હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે મોટાભાગના કેસમાં, અરજી કરવા માટે અસલી મતદારોની ઓળખનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો અને જે ફોન નંબરનો ઉપયોગ થયો હતો, તે પણ તે મતદારોના નહોતા.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!