કંપનીઓ આ પ્રોજેક્ટ માટે એકલા બિડ કરી શકે છે, અથવા જોઈન્ટ વેન્ચર કે કન્સોર્ટિયમ બનાવીને પણ બિડ કરી શકે છે. સરકારનો મુખ્ય હેતુ 2030 સુધીમાં આ ફાઇટર જેટ્સને ભારતીય સેનામાં સામેલ કરવાનો છે.

નવી દિલ્હી, ગુરૂવાર
ભારતીય વાયુસેનાની ક્ષમતા વધારવા અને દેશને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે સરકારે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. 5th જનરેશન ફાઇટર જેટના નિર્માણ માટે સરકારે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ એટલે EoI જાહેર કર્યું છે. આ પગલું ભારતમાં સ્થાનિક કંપનીઓ દ્વારા અદ્યતન ફાઇટર જેટના ઉત્પાદનને વેગ આપવા માટે લેવામાં આવ્યું છે.
શું છે આ EoI?
નિણાંતો પ્રમાણે આ EoI એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA) દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ EoI મુખ્યત્વે 5th જનરેશન ફાઇટર જેટના પ્રોટોટાઇપ, સર્ટિફિકેશન અને ફ્લાઇટ ટેસ્ટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ પ્રારંભિક તબક્કામાં જે કંપનીઓ પસંદ કરવામાં આવશે, તેમને ભવિષ્યમાં આ જેટના મેન્યુફેક્ચરિંગ માટે આગળ વધારવામાં આવશે. રસ ધરાવતી કંપનીઓ 16 ઓગસ્ટ સુધીમાં પોતાની બિડ (Bid) સબમિટ કરી શકશે.
બિડિંગ માટેના વિકલ્પો
કંપનીઓ આ પ્રોજેક્ટ માટે એકલા બિડ કરી શકે છે, અથવા જોઈન્ટ વેન્ચર કે કન્સોર્ટિયમ બનાવીને પણ બિડ કરી શકે છે. સરકારનો મુખ્ય હેતુ 2030 સુધીમાં આ ફાઇટર જેટ્સને ભારતીય સેનામાં સામેલ કરવાનો છે, જેના માટે સ્થાનિક કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સરકારે આ પ્રોજેક્ટ માટે બજેટમાં 15,000 કરોડનું ફંડ પણ ફાળવ્યું છે.
આત્મનિર્ભર ભારત તરફ એક મોટું પગલું
આ પહેલ ભારતીય વાયુસેના માટે એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ AMCAને સ્વદેશી રીતે ડિઝાઇન અને વિકસાવવાની દિશામાં એક મોટું પગલું છે. અગાઉ મે મહિનામાં, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે AMCA પ્રોગ્રામના ‘કાર્યક્રમ મોડેલ’ને મંજૂરી આપી હતી.
હાલમાં વિશ્વમાં ફક્ત બે દેશો – અમેરિકા (F-22 અને F-35) અને ચીન (J-20 અને J-35) પાસે 5th જનરેશનના સ્ટેલ્થ ફાઇટર જેટ્સ છે. ભારત આ પ્રકારના જેટ વિકસાવનાર ત્રીજો દેશ બનવાની તૈયારીમાં છે, જે દેશની સંરક્ષણ ક્ષમતામાં એક મોટી ક્રાંતિ લાવશે અને વૈશ્વિક સ્તરે ભારતનું કદ વધારશે.











