ભારતે અમેરિકાથી આવતી દાળ પર 30% ‘ટેરિફ’ લગાવતા અમેરિકન વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. અમેરિકન સેનેટરોએ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખીને આ ટેક્સ હટાવવા દબાણ કર્યું છે. જાણો આ મુદ્દો ભારત-અમેરિકાના સંબંધો પર શું અસર કરશે.

નવી દિલ્હી, શનિવાર
ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધો હાલ એક મહત્વપૂર્ણ તબક્કે આવીને ઉભા છે. બંને દેશો વચ્ચે બહુચર્ચિત ‘ટ્રેડ ડીલ’ (Trade Deal) ના પહેલા રાઉન્ડની વાતચીત લગભગ પૂરી થવા જઈ રહી છે અને ટૂંક સમયમાં કોઈ મોટી જાહેરાત થઈ શકે છે. પરંતુ આ ખુશખબર વચ્ચે એક મુદ્દો એવો છે જેના કારણે અમેરિકાના વેપારીઓ અને રાજકારણીઓ ચિંતામાં મુકાયા છે. આ મુદ્દો છે ભારત દ્વારા આયાતી દાળ અને કઠોળ પર ઝીંકવામાં આવેલો 30% ટેક્સ.
આ સ્થિતિને જોતા અમેરિકન સેનેટરોના એક સમૂહે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એક પત્ર લખીને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.
ટ્રમ્પને લખેલા પત્રમાં શું છે માંગ?
અમેરિકન સેનેટરોએ ડોનાલ્ડ ટ્રમ્પને સ્પષ્ટ શબ્દોમાં અપીલ કરી છે કે ભારત સાથેની વેપાર સમજૂતીમાં અમેરિકન ખેડૂતોનું હિત જળવાય તે જોવું જોઈએ. તેમની મુખ્ય માંગ એ છે કે ભારતે અમેરિકાથી આવતા પીળા વટાણા અને અન્ય દાળ પર જે 30% ટેરિફ લગાવ્યો છે, તેને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે. સેનેટરો ઈચ્છે છે કે ટ્રેડ ડીલમાં કઠોળના પાક માટે વિશેષ છૂટછાટો સામેલ કરવામાં આવે.
ભારત સૌથી મોટું ગ્રાહક, અમેરિકા મોટું ઉત્પાદક
આ વિવાદનું મુખ્ય કારણ એ છે કે ભારત કઠોળનું સૌથી મોટું માર્કેટ છે. વિશ્વમાં કુલ કઠોળના વપરાશમાંથી લગભગ 27% હિસ્સો એકલા ભારતનો છે. બીજી તરફ, અમેરિકાના નોર્થ ડકોટા અને મોન્ટાના જેવા રાજ્યોમાં વટાણા અને દાળનું જંગી ઉત્પાદન થાય છે. અમેરિકન સેનેટરોનું કહેવું છે કે જો વેપારના રસ્તા ખુલ્લા થાય, તો અમેરિકન ખેડૂતો ભારતની આ માંગને પૂરી કરવા માટે સક્ષમ છે. પરંતુ ઊંચા ટેક્સને કારણે તેઓ ભારતીય બજારમાં ટકી શકતા નથી.
30% ટેરિફથી અમેરિકન ખેડૂતોને ફટકો
પત્રમાં ટાંકવામાં આવેલી વિગતો મુજબ, ભારતે 30 ઓક્ટોબર, 2025ના રોજ પીળા વટાણા પર 30% જેટલો જંગી ટેરિફ લગાવ્યો હતો, જેનો અમલ 1 નવેમ્બર, 2025થી શરૂ થઈ ગયો છે. આ નિર્ણયને કારણે અમેરિકાના કઠોળ ઉત્પાદકોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. ટેક્સ વધુ હોવાને કારણે તેમની ઉચ્ચ ગુણવત્તાવાળી દાળ ભારતમાં મોંઘી પડે છે અને તેઓ સ્થાનિક હરીફાઈમાં પાછળ રહી જાય છે.
ભૂતકાળમાં પણ ટ્રમ્પે કરી હતી મધ્યસ્થી
આ પહેલીવાર નથી જ્યારે કઠોળના વેપારનો મુદ્દો ઉછળ્યો હોય. સેનેટરોએ ટ્રમ્પને તેમના પહેલા કાર્યકાળની યાદ અપાવી હતી. વર્ષ 2020માં પણ ટ્રમ્પે ભારત સાથેની વાતચીત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ મળીને આવો જ એક પત્ર સોંપ્યો હતો. તે સમયે આ મધ્યસ્થીને કારણે અમેરિકન ઉત્પાદકોને વાટાઘાટોમાં સ્થાન મળ્યું હતું.
હવે ફરી એકવાર સેનેટરો ઈચ્છે છે કે ટ્રમ્પ વડાપ્રધાન મોદી સાથે આ મુદ્દે ગંભીરતાથી ચર્ચા કરે. તેમનું માનવું છે કે જો આ 30% ટેરિફ હટી જાય, તો તેનાથી અમેરિકન ખેડૂતોને તો ફાયદો થશે જ, પણ સાથે સાથે ભારતીય ગ્રાહકોને પણ વ્યાજબી ભાવે સારી ગુણવત્તાનું અનાજ મળી રહેશે.











