UNમાં ભારતનો પાવર પેક નિર્ણય: ઈરાનના સમર્થનમાં NO વોટ આપીને દુનિયાને ચોંકાવી, અમેરિકા-યુરોપના પ્રસ્તાવનો કર્યો વિરોધ

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માં ભારતે ઈરાન વિરુદ્ધના પ્રસ્તાવ પર NO વોટ આપીને પશ્ચિમી દેશોને ચોંકાવી દીધા છે. જાણો ભારતે કેમ લીધો આ નિર્ણય અને ઈરાન સાથેના સંબંધોનું શું છે મહત્વ.

નવી દિલ્હી, શનિવાર
વૈશ્વિક રાજકારણના મંચ પર ભારતે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેની વિદેશ નીતિ હવે કોઈના દબાણમાં કામ નથી કરતી. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ના 39મા વિશેષ સત્રમાં એક મોટી ભૌગોલિક અને રાજકીય ઉથલપાથલ જોવા મળી છે. ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો મુદ્દે પશ્ચિમી દેશો દ્વારા લાવવામાં આવેલા નિંદા પ્રસ્તાવ સામે ભારતે લાલ આંખ કરી છે. ભારતે માત્ર આ પ્રસ્તાવથી દૂરી નથી બનાવી, પરંતુ તેની વિરુદ્ધમાં એટલે કે ઈરાનના સમર્થનમાં મતદાન કરીને અમેરિકા અને યુરોપિયન યુનિયનને વિચારતા કરી દીધા છે.

શું હતો સમગ્ર વિવાદ?
આ વોટિંગ પ્રસ્તાવ ક્રમાંક A/HRC/S-39/L.1 પર હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસ્તાવનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનમાં ડિસેમ્બર 2025થી શરૂ થયેલા દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો અને તેના પર ઈરાન સરકારની કાર્યવાહીની આકરી નિંદા કરવાનો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાન સરકારની તપાસ કરવાની માંગ પણ આ પ્રસ્તાવમાં સામેલ હતી. UN હાઈ કમિશનર વોલ્કર તુર્કે ઈરાનની કાર્યવાહીને ક્રૂર દમન ગણાવી હતી, જેના પગલે આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.

દુનિયા બે ભાગમાં વહેંચાઈ: કોણે કોને આપ્યો સાથ?
UNHRCમાં થયેલા આ મતદાનના પરિણામોએ દુનિયાને સ્પષ્ટ રીતે બે ધ્રુવોમાં વહેંચી દીધી છે.

પ્રસ્તાવના પક્ષમાં (YES): ફ્રાન્સ, જર્મની, જાપાન, યુકે, મેક્સિકો અને દક્ષિણ કોરિયા જેવા 25 દેશોએ અમેરિકા અને યુરોપિયન દેશોના સમર્થનમાં વોટ આપ્યો હતો.
પ્રસ્તાવના વિરોધમાં (NO): અહીં ભારતનું વલણ સૌથી ચોંકાવનારું હતું. ભારત ઉપરાંત ચીન, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, ઇરાક, વિયેતનામ અને ક્યુબા એમ કુલ 7 દેશોએ આ પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો હતો.
તટસ્થ (ABSTAIN): બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ જેવા 14 દેશોએ વોટિંગ પ્રક્રિયાથી અલિપ્ત રહેવાનું પસંદ કર્યું હતું.

ભારતના NO વોટ પાછળના 4 મોટા કારણો
સામાન્ય રીતે ભારત આવા સંવેદનશીલ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર તટસ્થ રહેવાનું વલણ દાખવતું હોય છે. પરંતુ આ વખતે ઈરાનના પડખે ખુલ્લેઆમ ઊભા રહેવા પાછળ ભારતની મજબૂત રણનીતિ છે:
સ્વતંત્ર વિદેશ નીતિ: ભારતે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તે પોતાના નિર્ણયો રાષ્ટ્રીય હિતોના આધારે લેશે, પશ્ચિમી દેશોની મરજી મુજબ નહીં.
વ્યૂહાત્મક સંબંધો: ઈરાન સાથેના ભારતના સંબંધો ઐતિહાસિક છે. ખાસ કરીને ચાબહાર પોર્ટ જેવી પરિયોજનાઓ ભારત માટે ખૂબ જ મહત્વની છે, જે મધ્ય એશિયા સાથેના વેપારનો મુખ્ય માર્ગ છે.
આંતરિક બાબતોમાં દખલગીરીનો વિરોધ: ભારત અને ચીન જેવા દેશોનું સ્પષ્ટ માનવું છે કે માનવાધિકારના બહાને કોઈ પણ દેશની આંતરિક બાબતોમાં આંતરરાષ્ટ્રીય તપાસ કે હસ્તક્ષેપ ચલાવી લેવાય નહીં.
દુર્લભ એકતા: આ વોટિંગ દરમિયાન એક દુર્લભ દ્રશ્ય જોવા મળ્યું, જ્યાં ભારત, ચીન અને પાકિસ્તાન એક જ લાઈનમાં ઊભેલા જોવા મળ્યા હતા.

મોતનો આંકડો: કોણ શું કહે છે?
ઈરાનમાં થયેલી હિંસા અને જાનહાનિના આંકડાઓને લઈને પણ વિરોધાભાસ છે. ઈરાન સરકારે સત્તાવાર રીતે આશરે 3,000 લોકોના મોત સ્વીકાર્યા છે, પણ આ પ્રસ્તાવને રાજકીય ષડયંત્ર ગણાવ્યો છે. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ મુજબ મૃત્યુઆંક 5,000થી વધુ હોઈ શકે છે. માનવાધિકાર સંગઠન HRANAના દાવા મુજબ, અત્યાર સુધીમાં 4,519 મોત થયા છે અને અન્ય 9,000થી વધુ શંકાસ્પદ કેસોની તપાસ ચાલી રહી છે.

ભલે વધુ વોટ મળવાને કારણે પશ્ચિમી દેશોનો પ્રસ્તાવ પસાર થઈ ગયો હોય, પરંતુ ભારત અને ચીન જેવા મોટા દેશોના ખુલ્લા વિરોધને કારણે પશ્ચિમી દેશોની નૈતિક જીત ફીકી પડી ગઈ છે. વિશ્વ હવે ભારતને ગ્લોબલ સાઉથના નેતા તરીકે જોઈ રહ્યું છે, જે પોતાના મિત્ર દેશોની પડખે મુશ્કેલ સમયમાં પણ મક્કમતાથી ઊભું રહેવાની હિંમત ધરાવે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!