મહિલાઓને સ્વાવલંબી તથા સ્વમાનભેર જીવન આપતી ‘મહિલા સ્વાવલંબન યોજના’ના લાભાર્થી મહિલાઓની સફળતાની અનેરી ગાથા

ગાંધીનગર, શુક્રવાર : રાજ્ય મહિલા અને બાળ વિભાગ તરફથી ઘણી બધી એવી યોજનાઓ અમલી બનાવાય છે, જેના દ્વારા મહિલાઓના જીવનમાં મોટો બદલાવ જોવા મળે છે. આવી જ એક યોજના એટલે મહિલાઓ માટેની ‘સ્વાવલંબન યોજના.’આ યોજના અંતર્ગત ગૃહિણીયોને પોતાનો ધંધો રોજગાર શરૂ કરવા માટે સરકાર દ્વારા 1,55,000 જેટલી રકમ સહાય રૂપિયા આપવામાં આવે છે. જેના દ્વારા મહિલાઓ પોતાનો નાનકડો વ્યાપાર ધંધો શરૂ કરી પગભર બની શકે છે.આજ યોજનાથી પગભર બની, ઘર અને સમાજમાં હજારો મહિલાઓ સ્વમાનભેર જીવી રહી છે, એટલું જ નહીં કાલ સુધી જેમની ઓળખ માત્ર એક ગૃહિણી હતી તેઓ આજે સરકારની સહાયતા થકી ‘બિઝનેસ વુમન’ તરીકે પોતાની એક નવી ઓળખ બનાવવામાં સફળ થઈ છે.સશક્ત મહિલા પરિસંવાદ કાર્યક્રમ અંતર્ગત આવી જ બે મહિલાઓની સફળતાની કહાની, એટલે વાવોલ ગામના જયાબેન મનીષકુમાર ચૌહાણ અને ગાંધીનગર સેક્ટર 25 ખાતે રહેતા હંસાબેન રાઠોડ છે.
આ બંને બહેનો સહર્ષ જણાવે છે કે, ‘આજથી દોઢ બે મહિના પહેલા અમે માત્ર ગૃહિણી હતા. નાના-નાના ઘર ખર્ચ માટે કે, પછી પોતાના નાના-મોટા ખર્ચા ઉપાડવા પોતાના પતિ કે પરિવાર પર નિર્ભર રહેતા હતા. કંઈક કરવાની આશા હતી પરંતુ પરિવારને છોડી બહાર નીકળી શકતા ન હતા. બાળકો નાના એટલે તેમના માટે આ બધું સંભાળવું મુશ્કેલ હતું.’ આવા સમયે સરકારની મહિલાઓ માટેની સ્વાવલંબન યોજના ની માહિતી મળતા તેમણે એક આસાનું કિરણ જોયું. અને તેમના જીવનમાં એક નવા અધ્યાયની શરૂઆત થઈ.જયાબેન મનીષકુમાર ચૌહાણ જણાવે છે કે, નાનકડો ગારમેન્ટનો બિઝનેસ શરૂ કર્યો, અને બે મહિનામાં આજે ગૃહિણીમાંથી તેઓ સફળ વ્યાપારી તરીકે ઓળખ બનાવી ચૂક્યા છે. હવે નાની નાની વાતોમાં કોઈ પાસે હાથ લંબાવવો પડતો નથી, અને પોતાની નવી ઓળખ સાથે તેઓ સમાજ અને ઘરમાં સ્વમાનભેર ઊંચા મસ્તક સાથે સોનેરી ભવિષ્યના સપના પૂર્ણ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે.આવાજ લાભાર્થી સેક્ટર 25 ના હંસાબેન રાઠોડ પણ સરકારની યોજનાના લાભ થકી સાડી વેચાણનાં બીઝનેસનો વ્યાપ વધારી શક્યા છે. તેઓ જણાવે છે કે, ‘સરકારની આ નાનકડી સહાયથી અમારા મોટા મોટા સપનાને સીડી મળી છે, આજે હું પગભર બની માત્ર મારા ઘર પરિવારને આર્થિક મદદ જ નથી કરી રહી પરંતુ સાથે સાથે મારી દીકરીને ભવિષ્યમાં ભણાવી ગણાવી સશક્ત નારી બનાવવા તરફ પગલા પણ માંડી રહી છું.’











