ગિફ્ટ સિટી પાસે શિલ્પ સેન્ટ્રીકા સાઇટ પર મોટી દુર્ઘટના: સેફ્ટીના અભાવે 32 વર્ષીય મેનેજરનું 5મા માળેથી પટકાતા કરૂણ મોત, સેફ્ટી ઓફિસર સામે નોંધાઈ ફરિયાદ

ગાંધીનગરના ફિરોજપુર પાસે શિલ્પ સેન્ટ્રીકાની નિર્માણાધીન સાઇટ પર 32 વર્ષીય મેનેજરનું 5મા માળેથી પટકાતા મોત. સેફ્ટીના નિયમોના ભંગ બદલ સેફ્ટી ઓફિસર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. સંપૂર્ણ અહેવાલ વાંચો.

ગાંધીનગર, શનિવાર
ગાંધીનગર નજીક ગિફ્ટ સિટી પાસે આવેલા ફિરોજપુર ગામની સીમમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર સુરક્ષાના નિયમોના ધજાગરા ઉડાવતી એક ગંભીર ઘટના સામે આવી છે. અહીં નિર્માણાધીન ‘શિલ્પ સેન્ટ્રીકા’ બિલ્ડિંગની સાઇટ પર સેફ્ટી બેરિકેડિંગના અભાવે 5મા માળેથી નીચે પટકાતા એક 32 વર્ષીય યુવાન મેનેજરનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ મામલામાં મૃતકના પિતાએ ડભોડા પોલીસ મથકમાં સેફ્ટી ઓફિસરની બેદરકારી સામે ફરિયાદ નોંધાવી છે.

5મા માળેથી પટકાતા મેનેજરનું કમકમાટીભર્યું મોત
મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના વતની અને હાલ ગાંધીનગરમાં રહેતા 32 વર્ષીય દેવપ્રકાશ શર્મા શિલ્પ સેન્ટ્રીકા સાઇટ પર ક્લિમાસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં પેસિફિકેશન મેનેજર તરીકે છેલ્લા 10 મહિનાથી નોકરી કરતા હતા. ગત 30 જાન્યુઆરીના રોજ બપોરના સમયે તેઓ બિલ્ડિંગના 5મા માળે કાચ લગાવવા માટેના એન્કર ફાસનર ચેક કરવા ગયા હતા.

સેફ્ટીના અભાવે સર્જાયો જીવલેણ અકસ્માત
આ 5મા માળે કચરો નીચે નાખવા માટે એક ખુલ્લી જગ્યા રાખવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે, આટલી ઊંચાઈ પર આ ખુલ્લી જગ્યા પાસે કોઈ જ પ્રકારનું સેફ્ટી કવર કે બેરિકેટિંગ લગાવવામાં આવ્યું ન હતું. અંધારું હોવાને કારણે દેવપ્રકાશ શર્માએ પોતાનું સંતુલન ગુમાવ્યું અને તેઓ 5મા માળેથી સીધા 2જા માળે પટકાયા હતા. માથા અને કમરના ભાગે ગંભીર ઈજાઓ થવાથી તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું.

ઘટના પછી બેરિકેટિંગ કરી ભૂલ છુપાવવાનો પ્રયાસ
આ દુર્ઘટનાની જાણ થતાં મૃતકના પિતા શિવદુલાર શર્મા (જેઓ વ્યવસાયે વકીલ છે) અને અન્ય પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે જોયું કે જે જગ્યાએથી દેવપ્રકાશ નીચે પડ્યો હતો, ત્યાં અકસ્માત બાદ લાકડાના પાટિયા અને પાઇપો મૂકીને તાત્કાલિક બેરિકેટિંગ કરી દેવામાં આવ્યું હતું. સાઇટ પર હાજર કંપનીના કર્મચારીઓએ પણ સ્વીકાર્યું હતું કે અકસ્માત સમયે ત્યાં સુરક્ષાના કોઈ સાધનો ન હતા.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ કાર્યવાહી
પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે ઊંચાઈ પરથી પડવાને કારણે યુવાનને મલ્ટીપલ ઇન્જરી (શરીર પર અનેક ઈજાઓ) અને હેમરેજ થયું હતું, જે તેમના મોતનું કારણ બન્યું. જો સમયસર ગાર્બેજ નિકાલની જગ્યાને કોર્ડન કરાઈ હોત તો આ જીવ બચાવી શકાયો હોત.

કોની સામે નોંધાઈ ફરિયાદ?
આ સમગ્ર મામલે ડભોડા પોલીસે એસએચસી પ્રોજેક્ટ પ્રા.લી.ના સેફ્ટી ઓફિસર દિનેશ શ્રી સ્વામીનાથ વર્માની ગંભીર બેદરકારી સામે ગુનો નોંધ્યો છે. હાલમાં પોલીસે એ દિશામાં તપાસ તેજ કરી છે કે આટલી મોટી કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા મજૂરો અને એન્જિનિયરોની સુરક્ષાના પાયાના નિયમોનું પાલન કેમ કરવામાં આવતું ન હતું. આ ઘટનાએ ફરી એકવાર મોટી કન્સ્ટ્રક્શન સાઇટો પર કર્મચારીઓની સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ ઊભો કર્યો છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!