ગુજરાતમાં મેઘરાજાની ફરી એન્ટ્રી: 16થી 22 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં 16 થી 22 ઓગસ્ટ દરમિયાન ફરીથી મેઘરાજા ધમરોળશે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અન્ય ભાગોમાં ભારે વરસાદની આગાહી. જાણો હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ્સ.

અમદાવાદ, ગુરૂવાર
જૂન અને જુલાઈ મહિનામાં ગુજરાતમાં સારા વરસાદ બાદ ઓગસ્ટની શરૂઆતમાં વરસાદનું જોર ઘટી ગયું હતું. છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં છૂટાછવાયા ઝાપટાં પડી રહ્યા હતા, પરંતુ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લોકો ગરમી અને બફારાથી પરેશાન હતા. આ દરમિયાન, જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ એક રાહતભરી આગાહી કરી છે કે ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે.

બંગાળની ખાડીની સિસ્ટમ બનશે કારણ
પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, હાલમાં બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ સિસ્ટમ આવનારા દિવસોમાં વધુ મજબૂત બનશે અને ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધશે. આ સિસ્ટમ મહારાષ્ટ્ર સુધી પહોંચીને વધુ શક્તિશાળી બનશે અને લો પ્રેશરમાં પરિવર્તિત થવાની સંભાવના છે. આ લો પ્રેશર સિસ્ટમનો સિયર ઝોન અરબ સાગર સુધી લંબાશે, જ્યાં તેને પુષ્કળ ભેજ મળશે. આ ભેજ મળવાથી સિસ્ટમ વધુ મજબૂત બનીને ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ લાવશે.

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી
આ લો પ્રેશર સિસ્ટમના કારણે આગામી 16થી 22 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે. આ સમયગાળામાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 5થી 10 ઇંચ જેટલો અત્યંત ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 3થી 6 ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા છે. આ રાઉન્ડમાં કચ્છ જિલ્લામાં પણ સારો વરસાદ થવાની અપેક્ષા છે, જે ત્યાંના ખેડૂતો માટે ખુશીની વાત છે.

આ સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધી રહી છે અને હાલમાં તે આંધ્ર પ્રદેશના વિજયવાડા અને વિશાખાપટ્ટનમની વચ્ચે છે. જ્યારે તે ગુજરાત પરથી પસાર થશે, ત્યારે ગાજવીજ સાથે થંડર સ્ટ્રોમ્સ પણ થવાની શક્યતા છે.

આ સિઝનમાં 64.62 ટકા વરસાદ નોંધાયો
આ વર્ષે અત્યાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો સરેરાશ 64.62 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 69.10 મિ.મી. વરસાદ દક્ષિણ ગુજરાતમાં થયો છે, જ્યારે સૌથી ઓછો 56.70 ટકા વરસાદ સૌરાષ્ટ્ર ઝોનમાં નોંધાયો છે. આ નવા વરસાદી રાઉન્ડથી આ આંકડાઓમાં વધારો થવાની સંભાવના છે, જે રાજ્યના જળાશયો અને ખેતી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!