ગુજરાતમાં મેઘતાંડવ: CM ભૂપેન્દ્ર પટેલ મેદાને, કલેક્ટરોને એલર્ટ રહેવાના આદેશ

વહીવટી તંત્રને સતર્ક રહીને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે સતત સંપર્કમાં રહેવા અને જિલ્લાની તમામ માહિતીથી વાકેફ રાખવાનો પણ નિર્દેશ અપાયો હતો, જેથી કોઈ પણ અણધારી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ત્વરિત પગલાં લઈ શકાય.

ગાંધીનગર, રવિવાર
છેલ્લા બે દિવસથી ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, જનજીવન પ્રભાવિત થયું છે.

આ ગંભીર પરિસ્થિતિને પગલે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક ગાંધીનગર સ્થિત ઈમરજન્સી કંટ્રોલરૂમ પહોંચીને રાજ્યમાં વ્યાપક વરસાદની સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

જિલ્લા કલેક્ટરોને એલર્ટ મોડ પર રહેવાની સૂચના
મુખ્યમંત્રીએ પરિસ્થિતિની ગંભીરતા પારખીને સુરેન્દ્રનગર, પાટણ, અરવલ્લી, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને ખેડાના જિલ્લા કલેક્ટરો સાથે ટેલિફોનિક વાતચીત કરી. તેમણે દરેક જિલ્લામાં વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવી અને તમામ કલેક્ટરોને એલર્ટ મોડ પર રહીને વરસાદી સ્થિતિ પર સતત નજર રાખવા સૂચના આપી.

વહીવટી તંત્રને સતર્ક રહીને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે સતત સંપર્કમાં રહેવા અને જિલ્લાની તમામ માહિતીથી વાકેફ રાખવાનો પણ નિર્દેશ અપાયો હતો, જેથી કોઈ પણ અણધારી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ત્વરિત પગલાં લઈ શકાય.

વરસાદથી વીજ પુરવઠા અને રસ્તાઓ પ્રભાવિત
ભારે વરસાદને કારણે રાજ્યમાં વીજ પુરવઠાને પણ અસર પહોંચી છે. હાલમાં 22 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. આ ઉપરાંત, પાણી ભરાઈ જવાને કારણે રાજ્યભરમાં કુલ 51 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જેમાં 1 સ્ટેટ હાઈવે અને 47 પંચાયત હસ્તકના રસ્તાઓનો સમાવેશ થાય છે.

રાજ્યના જળાશયો પર પણ તંત્રની ચાંપતી નજર છે. કુલ 49 જળાશયોને હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જ્યારે 21 જળાશયો એલર્ટ પર અને અન્ય 21 જળાશયોને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે, જેથી પાણીની સપાટી પર સતત નજર રાખી શકાય અને જરૂર પડ્યે યોગ્ય કાર્યવાહી કરી શકાય. સમગ્ર રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે અને નાગરિકોને પણ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!