દિલ્હીના રામલીલા મેદાનમાં 1 નવેમ્બરે યોજાયેલી કોંગ્રેસની રેલીમાં ગેરહાજર રહેલા ગુજરાતના 49 હોદ્દેદારો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

ગુજરાત યુથ કોંગ્રેસમાં દિવાળી પહેલાં સંગઠનાત્મક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દિલ્હીના રામલીલા મેદાનમાં 1 નવેમ્બરે યોજાયેલી કોંગ્રેસની રેલીમાં ગેરહાજર રહેલા ગુજરાતના 49 હોદ્દેદારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. સંગઠન દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ યાદીમાં સ્ટેટ સેક્રેટરી સહિત 24 જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખોનો પણ સમાવેશ થાય છે.
વોટ ચોરીના મુદ્દે દિલ્હીમાં યોજાઈ હતી રેલી
1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસ દ્વારા વોટ ચોરીના મુદ્દે વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી કરવામાં આવી હતી.
કોંગ્રેસે ચૂંટણી પ્રક્રિયામાં કથિત ગેરરીતિઓ અને મતદાર યાદીમાં અનિયમિતતાઓના મુદ્દે આ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. ગુજરાત યુથ કોંગ્રેસના હોદ્દેદારોને પણ આ કાર્યક્રમમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
24 જિલ્લા પ્રમુખો સહિત 49 હોદ્દેદારો સામે કાર્યવાહી
રેલી દરમિયાન ગુજરાતના અનેક હોદ્દેદારો ગેરહાજર રહેતાં સંગઠને તેમની સામે કાર્યવાહી કરી છે. કુલ 49 હોદ્દેદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ કાર્યવાહી હેઠળ સ્ટેટ સેક્રેટરી સહિત વિવિધ સંગઠનાત્મક જવાબદારીઓ સંભાળતા હોદ્દેદારોનો સમાવેશ થાય છે. ખાસ કરીને 24 જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખોને સસ્પેન્ડ કરવામાં આવતાં સંગઠનમાં મોટા ફેરફારોની શક્યતા ઊભી થઈ છે.આ કાર્યવાહીથી ગુજરાત યુથ કોંગ્રેસમાં સંગઠનાત્મક સ્તરે નવા સમીકરણો રચાઈ શકે છે. હવે આગામી સમયમાં નવા હોદ્દેદારોની નિમણૂક અંગે સંગઠન શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે.










