વ્યારાના કટાસવાણ ગામે પિકઅપ ટેમ્પો પલટી જતાં 3 શ્રમિકોનાં મોત, અનેક ઘાયલ

વ્યારા તાલુકાના કટાસવાણ ગામની સીમમાં ખેતમજૂરોને લઈ જતો પિકઅપ ટેમ્પો બેકાબૂ બનીને પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.

વ્યારા તાલુકાના કટાસવાણ ગામની સીમમાં ખેતમજૂરોને લઈ જતો પિકઅપ ટેમ્પો બેકાબૂ બનીને પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં બે મહિલા સહિત ત્રણ શ્રમિકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય પાંચ શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વ્યારા તાલુકાના કાનપુરા ગામમાં રહેતા આશરે 10 શ્રમિકો પિકઅપ ટેમ્પામાં બેસીને ડાંગર કાપવાની મજૂરી માટે ખેતરમાં જઈ રહ્યા હતા. દરમિયાન તેમનો ટેમ્પો કટાસવાણ ગામની સીમમાંથી પસાર થતો હતો. તે સમયે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે ટેમ્પો રસ્તા પર પલટી ખાઈ ગયો હતો.

ટેમ્પો નીચે દબાયેલા શ્રમિકોને બહાર કાઢ્યા

અકસ્મત થતાં ટેમ્પામાં સવાર શ્રમિકોમાં ચીસાચીસ મચી ગઈ હતી. અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે ટેમ્પા નીચે દબાયેલા શ્રમિકોને બહાર કાઢ્યા હતા.

આ દુર્ઘટનામાં ગજરાબેન ગામીત (ઉં.વ. 60), સીતાબેન ગામીત (ઉં.વ. 58) અને અરવિંદભાઈ રાઠોડ (ઉં.વ. 51)નાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. અન્ય પાંચ શ્રમિકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોમાં ચાર મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

વ્યારા પોલીસે કાર્યવાહી હાથ ધરી

અકસ્મતની જાણ થતાં વ્યારા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. બીજી તરફ, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને અકસ્માત અંગે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!