પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં રેલવે ફાટક ખુલ્લું હોવાથી સ્કૂલ વાહન ટ્રેનની અડફેટે આવતા ૩ લોકોના મોત થયા છે અને ૫ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે, જેને લઈને ગેટમેનની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે.

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં આજે શુક્રવારે સવારે એક હૃદયદ્રાવક રેલ દુર્ઘટના સર્જાઈ છે. પૂર્વ રેલવેના સિયાલદહ ડિવિઝન હેઠળના બહરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ણસુબર્ણ અને ગોવિંદપુર રેલવે સ્ટેશન વચ્ચે આવેલા લેવલ ક્રોસિંગ પર એક સ્કૂલ વાહન ટ્રેનની અડફેટે આવી ગયું હતું.
દુર્ઘટનાની વિગતો:
મૃત્યુઆંક: આ ગંભીર અકસ્માતમાં બે વિદ્યાર્થીઓ અને એક સાયકલ સવાર મળી કુલ ૩ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે.
ઈજાગ્રસ્તો: વાહનમાં સવાર અન્ય ૫ વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
મળતી માહિતી મુજબ, સ્કૂલ વાહન વિદ્યાર્થીઓને લઈને જઈ રહ્યું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, રેલવે ફાટક (ગેટ) ખુલ્લું હોવાને કારણે વાહન લેવલ ક્રોસિંગ પાર કરી રહ્યું હતું, તે સમયે સામેથી આવી રહેલી ‘નિમેટિટા-કાટોયા પેસેન્જર ટ્રેન’ સાથે વાહન જોરદાર રીતે અથડાયું હતું. ટક્કર એટલી ભયાનક હતી કે વાહનના ફુરચે-ફુરચા ઉડી ગયા હતા.
ગેટમેનની ભૂમિકા શંકાના દાયરામાં
સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે રેલવે ફાટક પર ફરજ બજાવતા ગેટમેનની બેદરકારીને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. લોકોના મતે, એક ટ્રેન પસાર થયા બાદ ગેટ ખોલી નાખવામાં આવ્યો હતો, પરંતુ બીજી લાઈન પરથી અન્ય ટ્રેન આવી રહી હોવા છતાં ગેટ બંધ કરવામાં આવ્યો ન હતો. આ ઘટના બાદ હવે રેલવે તંત્ર અને ગેટમેનની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. તંત્ર દ્વારા આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.











