ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર! હિંમતનગરમાં નવી વેટરનરી કોલેજ શરૂ થઈ રહી છે, જે આગામી મહિનાથી 80 સીટ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરશે. આ કોલેજથી પશુપાલન અને પશુ ચિકિત્સા ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે નવી તકો ખુલશે.

હિંમતનગર, ગુરૂવાર
ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક ખુશખબર છે. રાજ્ય સરકારની પહેલથી ગુજરાતમાં વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કોલેજ શરૂ થવા જઈ રહી છે. આ કોલેજ હિંમતનગરમાં સ્થાપિત થશે અને કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત કાર્ય કરશે. કેન્દ્ર સરકારે આ કોલેજને મંજૂરી આપી દીધી છે, જેથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે વધુ એક તક મળી રહેશે.
આ નવી કોલેજમાં વર્ષ 2025-26થી કુલ 80 સીટ પર એડમિશન પ્રક્રિયા શરૂ થશે. વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (VCI) દ્વારા નિરીક્ષણ અને મંજૂરી મળ્યા બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.
એડમિશન અને કોર્સની વિગતો
આ કોલેજમાં એડમિશન ધોરણ 12 પાસ કર્યા બાદ NEET પરીક્ષાના સ્કોરના આધારે મળશે. અહીં વિદ્યાર્થીઓ બેચલર ઓફ વેટરનરી સાયન્સ (BVSc) અને એનિમલ હસ્બન્ડરી ડિગ્રી કોર્સનો અભ્યાસ કરી શકશે. ગુજરાતમાં આણંદ, નવસારી, જૂનાગઢ અને દાંતીવાડા પછી આ પાંચમી વેટરનરી કોલેજ છે. કોલેજમાં શિક્ષણ કાર્ય શરૂ કરવા માટે જરૂરી સ્ટાફની નિમણૂક પણ પૂરી થઈ ચૂકી છે. જેમાં 1 પ્રિન્સિપાલ, 4 પ્રોફેસર, 7 એસોસિએટ પ્રોફેસર, 34 આસિસ્ટન્ટ પ્રોફેસર અને 23 નોન-ટીચિંગ સ્ટાફનો સમાવેશ થાય છે.
અત્યાધુનિક સુવિધાઓ અને રાજ્યના પશુધન માટે ફાયદો
આ નવી કોલેજ અત્યાધુનિક સુવિધાઓ સાથેનું એક કેમ્પસ હશે. અહીં વિદ્યાર્થીઓને સરકારી ધોરણો અનુસાર ઓછી ફીમાં ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ અને રહેવાની સુવિધા પણ મળશે. આ કોલેજ શરૂ થવાથી રાજ્યના પશુધન માટે પણ ફાયદો થશે. ગુજરાતમાં પહેલેથી જ પશુઓ માટે હેલ્થ કાર્ડ, આરોગ્ય મેળા અને મોતીયાના ઓપરેશન જેવી સુવિધાઓ છે. આ નવી કોલેજ આ તમામ પ્રયાસોને વધુ વેગ આપશે અને પશુ આરોગ્ય ક્ષેત્રે નિષ્ણાતોની સંખ્યામાં વધારો કરશે.
આ નિર્ણયથી ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પશુ ચિકિત્સા સેવાઓ વધુ મજબૂત બનશે અને વિદ્યાર્થીઓને પોતાના જ રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનો સારો વિકલ્પ મળશે.











