કેરળ સરકાર પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. નાગરિકોને સાવચેત રહેવા અને આરોગ્ય વિભાગની સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.

તિરુવનંતપુરમ, મંગળવાર
કેરળ ફરી એકવાર નિપાહ વાયરસના પ્રકોપનો સામનો કરી રહ્યું છે. રાજ્યનું આરોગ્ય તંત્ર હાઈ એલર્ટ પર છે, કારણ કે આ જૂનોટિક વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને તેનો મૃત્યુદર પણ ઘણો ઊંચો છે. કોરોના મહામારી બાદ લોકો વાયરસ સંબંધિત સમાચારો પ્રત્યે વધુ સંવેદનશીલ બન્યા છે, ત્યારે નિપાહની ગંભીરતા ચિંતાનો વિષય બની છે.
વર્તમાન સ્થિતિ અને સરકારી પગલાં
આ વખતે મલપ્પુરમ, પલક્કડ અને કોઝિકોડ જિલ્લામાં નિપાહના સૌથી વધુ કેસ નોંધાયા છે. 425થી વધુ લોકોને મોનિટરિંગ હેઠળ રાખવામાં આવ્યા છે, અને સરકાર દ્વારા આઈસોલેશન, ટ્રેકિંગ અને ટેસ્ટિંગની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે.
કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું કે, “અત્યાર સુધીમાં 425 લોકોને દેખરેખમાં રાખવામાં આવ્યા છે. જેમાં મલપ્પુરમમાં 228, પલક્કડમાં 110 અને કોઝિકોડમાં 87 લોકોનો સમાવેશ થાય છે. તમામ શંકાસ્પદ દર્દીઓને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તેમના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારે હાઈ એલર્ટ જાહેર કરીને સંવેદનશીલ વિસ્તારોમાં મેડિકલ ટીમો તૈનાત કરી દીધી છે.”
શું છે નિપાહ વાયરસ?
નિપાહ વાયરસ (NiV) એક પ્રકારનો જૂનોટિક વાયરસ છે જે પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાય છે. તે મુખ્યત્વે ફળ ખાતા ચામાચીડિયા દ્વારા ફેલાય છે. મનુષ્યમાં આ વાયરસ શ્વસનતંત્રની ગંભીર સમસ્યાઓ, તીવ્ર તાવ અને મગજમાં સોજો (એન્સેફાલીટીસ) જેવી ગંભીર બિમારીઓ પેદા કરી શકે છે.
નિપાહ વાયરસના લક્ષણો
* તીવ્ર તાવ
* માથામાં દુખાવો
* થાક અને નબળાઈ
* શ્વાસ લેવામાં તકલીફ
* ઉલટીઓ થવી
* માનસિક ભ્રમ
* ચક્કર આવવા
નિપાહ વાયરસ કેવી રીતે ફેલાય છે?
નિપાહ વાયરસ મુખ્યત્વે નીચેની રીતે ફેલાઈ શકે છે:
* ચેપગ્રસ્ત ચામાચીડિયા દ્વારા ખાવામાં આવેલા ફળો અથવા તેમના લાળથી દૂષિત થયેલી વસ્તુઓના સંપર્કમાં આવવાથી.
* ચેપગ્રસ્ત મનુષ્યના સીધા સંપર્કમાં આવવાથી.
* ચેપગ્રસ્ત પ્રાણીઓ (જેમ કે ભૂંડ)ના સંપર્કમાં આવવાથી.
બચાવ કેવી રીતે કરવો?
નિપાહ વાયરસથી સુરક્ષિત રહેવા માટે નીચેના પગલાં લેવા અત્યંત જરૂરી છે:
* ઝાડ પરથી પડી ગયેલા ફળો અથવા ચામાચીડિયા દ્વારા ખાધેલા ફળોનું સેવન કરવાનું ટાળો.
* બીમાર લોકોથી યોગ્ય અંતર જાળવો અને માસ્ક પહેરો.
* વારંવાર સાબુ અને પાણીથી હાથ ધોવા અથવા હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરો.
* જો તમને ઉપરોક્ત કોઈ પણ લક્ષણો દેખાય, તો તરત જ તમારા ડોક્ટરનો સંપર્ક કરો.
* પ્રાણીઓ, ખાસ કરીને ખેતરોમાં રહેતા પ્રાણીઓથી અંતર રાખો.
* સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલ તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરો.











