કૈલાશ માનસરોવર યાત્રામાં સામાન્ય ભારતીયો માટે ‘નો એન્ટ્રી’: ચીનનો હિન્દુઓની આસ્થા પર મોટો ઘા, જાણો લેટેસ્ટ અપડેટ

કૈલાશ માનસરોવર યાત્રા 2025: ચીને હિન્દુઓની આસ્થા પર મોટો ઘા કરતા સામાન્ય ભારતીયો માટે ‘નો-એન્ટ્રી’ ફરમાવી છે. 3,000 થી વધુ વિઝા પેન્ડિંગ છે અને માત્ર NRI જ યાત્રા કરી શકશે. જાણો આજના લેટેસ્ટ સમાચાર.

નવી દિલ્હી, ગુરૂવાર
કૈલાશ માનસરોવરની પવિત્ર યાત્રા કરવા માંગતા હજારો ભારતીય શ્રદ્ધાળુઓ માટે એક અત્યંત નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. ડ્રેગને ફરી એકવાર પોતાની અવળચંડાઈ બતાવતા હિન્દુઓની આસ્થા પર મોટો ઘા કર્યો છે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, ચીન સરકારે આગામી જૂન-જુલાઈ મહિનામાં યોજાનારી કૈલાશ માનસરોવર યાત્રાની પરમિટ પર સામાન્ય ભારતીય નાગરિકો માટે સંપૂર્ણ પાબંધી લગાવી દીધી છે.

સામાન્ય નાગરિકો માટે નો-એન્ટ્રી, માત્ર NRIને જ મંજૂરી
ચીન પ્રશાસને યાત્રાને લઈને એક નવો અને તઘલઘી નિયમ ઘડ્યો છે. આ નવા નિયમ મુજબ, હવે માત્ર પોઇન્ટ પાસપોર્ટ ધરાવતા બિન-નિવાસી ભારતીયો (NRI) જ આ પવિત્ર કૈલાશ માનસરોવર યાત્રા કરી શકશે. ભારતમાં રહેતા સામાન્ય નાગરિકો માટે યાત્રાના દરવાજા હાલ પૂરતા બંધ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે શિવભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

તિબેટ સરહદે યાત્રાળુઓ અટવાયા, 3,000થી વધુ પરમિટ પેન્ડિંગ
ચીનની આડોડાઈ માત્ર યાત્રા પર પ્રતિબંધ મૂકવા પૂરતી સીમિત નથી રહી. ચાઈના પ્રશાસન દ્વારા વિઝા આપવામાં પણ જાણીજોઈને ભારે વિલંબ કરવામાં આવી રહ્યો છે. અત્યારની સ્થિતિ મુજબ ચીન સરકાર પાસે 3,000થી વધુ ભારતીયોની પરમિટ અને વિઝા પેન્ડિંગ પડ્યા છે. વિઝા અને પરમિટ ન મળવાના કારણે તિબેટ-ચાઈના બોર્ડર પર યાત્રાળુઓનો મોટો જમાવડો જોવા મળી રહ્યો છે. હજારો કિલોમીટર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને પવિત્ર યાત્રા કર્યા વિના જ ભારે હૈયે ઘરે પરત ફરી રહ્યા છે.

અગાઉ કોમન કિચનનો નિયમ થોપ્યો હતો
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ ચીન સરકારે ભારતીય યાત્રાળુઓને હેરાન કરવા માટે ‘કોમન કિચન’ (સામાન્ય રસોડું) નો નિયમ લાગુ કર્યો હતો. આ નિયમના કારણે યાત્રાળુઓને તેમની ધાર્મિક માન્યતા અને પ્રાદેશિક સ્વાદ જાળવવામાં ખૂબ મુશ્કેલી પડી રહી હતી. તેમ છતાં, આસ્થાને ખાતર ભારતીયોએ ચીનની આ મનમાની ચલાવી લીધી હતી. પરંતુ હવે તો ડ્રેગને સીધી ‘નો-એન્ટ્રી’ જ આપી દીધી છે.

વિદેશ મંત્રાલયનું મૌન અને ટુર ઓપરેટરોની રજૂઆત
એક તરફ ચીન ખુલ્લેઆમ શ્રદ્ધાળુઓની આસ્થા સાથે ખિલવાડ કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ ભારતીય વિદેશ મંત્રાલયે આ ગંભીર મુદ્દે હજુ સુધી સંપૂર્ણ ચૂપકીદી સાધી લીધી છે. ભારત સરકાર તરફથી આ બાબતે કોઈ જ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. જોકે, યાત્રાળુઓની વધતી પરેશાનીને જોતા ગુજરાતના ટુર ઓપરેટરોએ કેન્દ્ર સરકારને તાત્કાલિક દખલ કરવા માટે લેખિતમાં રજૂઆત કરી છે.

ચીનનો આ નિર્ણય ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં વધુ એક તિરાડ પાડી શકે છે. હાલ તો હજારો શિવભક્તોની આસ્થા પર પાણી ફરી વળ્યું છે અને તેઓ ભારત સરકાર તરફથી કોઈ હકારાત્મક પગલાં લેવાય તેની આશા રાખીને બેઠા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!