ઓડિશા સરકારે સાયક્લોન મોન્થાને કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી વચ્ચે સાવચેતીના ભાગરૂપે સાત જિલ્લામાં સરકારી રજાઓ રદ્દ કરી દીધી છે.

ઓડિશા સરકારે સાયક્લોન મોન્થાને કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી વચ્ચે સાવચેતીના ભાગરૂપે સાત જિલ્લામાં સરકારી રજાઓ રદ્દ કરી દીધી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જોકે આ ચક્રવાતનો ઓડિશાને સીધો ખતરો નથી, છતાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ અને તેજ પવનો ફૂંકાવાની સંભાવના છે.
તમામ સરકારી અધિકારીઓને તાત્કાલિક તેમના મુખ્ય મથક (હેડક્વાર્ટર) પર પાછા ફરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. બાલાસોરથી લઈને ગંજમ સુધીના, તેમજ કોરાપુટ અને રાયગડા જિલ્લાના કલેક્ટરોએ સરકારી કર્મચારીઓની રજાઓ રદ્દ કરી દીધી છે, જેથી સતત દેખરેખ અને કટોકટીમાં તત્પરતા સુનિશ્ચિત કરી શકાય.
હવામાન વિભાગ મુજબ, ભારે વરસાદ અને તેજ પવનોને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવી શકે છે અને પહાડી જિલ્લાઓમાં ભૂસ્ખલન થવાની સંભાવના છે. સરકારે પહેલેથી જ બચાવ અને રાહતનાં પગલાં શરૂ કરી દીધા છે. તેમાં સંભવિત સ્થળાંતરની તૈયારી, ચક્રવાત આશ્રયસ્થાનોને સક્રિય કરવા અને સંવેદનશીલ વિસ્તારોમાં રાહત કેન્દ્રોની સ્થાપનાનો સમાવેશ થાય છે.
ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ (ODRAF) ની ટીમો એલર્ટ પર છે, જ્યારે કટોકટી વિભાગે સામાન્ય જનતા માટે સમર્પિત હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. મહેસૂલ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી સુરેશ પૂજારીએ વરિષ્ઠ અધિકારીઓ અને જિલ્લા કલેક્ટરો સાથે વિશેષ રાહત કમિશનર (SRC) કાર્યાલયમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને તૈયારીઓની સમીક્ષા કરી હતી











