આસામના લોકપ્રિય ગાયક ઝુબીન ગર્ગના શંકાસ્પદ મૃત્યુ કેસમાં ગુરુવારે રાજ્ય પોલીસની વિશેષ તપાસ ટીમ (SIT) એ મોટી કાર્યવાહી કરી છે.

આસામના લોકપ્રિય ગાયક ઝુબીન ગર્ગના શંકાસ્પદ મૃત્યુ કેસમાં ગુરુવારે રાજ્ય પોલીસની વિશેષ તપાસ ટીમ (SIT) એ મોટી કાર્યવાહી કરી છે. SIT એ પૂછપરછ માટે સંગીતકાર શેખર જ્યોતિ ગોસ્વામીની અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ, ગોસ્વામી સિંગાપોર પ્રવાસ દરમિયાન ગર્ગ સાથે હાજર હતા.
આ કાર્યવાહી પહેલાં, SIT એ ગર્ગના મેનેજર સિદ્ધાર્થ શર્મા અને નોર્થ-ઈસ્ટ ઈન્ડિયા ફેસ્ટિવલ (NEIF)ના આયોજક શ્યામકાનુ મહંતના નિવાસસ્થાનો પર પણ દરોડા પાડ્યા હતા. જોકે, બંને આરોપીઓ તેમના ઘરેથી ગેરહાજર મળ્યા હતા.
દરોડા દરમિયાન સિદ્ધાર્થ શર્માના નિવાસસ્થાન બહાર સેંકડો લોકોનું ટોળું એકઠું થયું હતું અને પોલીસના વાહનો પર પથ્થરમારો શરૂ કર્યો હતો. પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને તોફાન ફેલાવવા બદલ બે લોકોની અટકાયત કરવામાં આવી હતી.
અન્ય બાજુ, આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સ્પષ્ટતા કરી છે કે જો SIT ની તપાસ અસંતોષકારક જણાશે, તો રાજ્ય સરકાર આ મામલાની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) ને સોંપવાની ભલામણ કરશે. તેમણે જનતાને વિનંતી કરી કે તપાસમાં વિશ્વાસ રાખે અને અફવાઓ ન ફેલાવે.ઝુબીન ગર્ગનું ૧૯ સપ્ટેમ્બરના રોજ સિંગાપોરમાં સ્વિમિંગ દરમિયાન દુઃખદ અવસાન થયું હતું.











