ગુજરાત પોલીસે પેરોલ અને જામીન પરથી ફરાર ગંભીર ગુનેગારોને પકડવા માટે ઓપરેશન કારાવાસ શરૂ કર્યું છે. છેલ્લા 15 દિવસમાં 41 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જાણો આ ખાસ ઓપરેશનની સંપૂર્ણ વિગતો.

ગાંધીનગર, રવિવાર
ગુજરાતમાં હવે કાયદાથી ભાગી રહેલા ગુનેગારો માટે બચવાનો કોઈ રસ્તો નથી. રાજ્ય પોલીસે પેરોલ, વચગાળાના જામીન કે સજા માફી પર છૂટ્યા બાદ જેલમાં પાછા ન ફરનારા આરોપીઓને પકડવા માટે એક ખાસ મુહિમ શરૂ કરી છે, જેનું નામ છે ઓપરેશન કારાવાસ. 26 નવેમ્બરથી શરૂ થયેલા આ ઓપરેશને માત્ર 15 દિવસમાં જ ચોંકાવનારા પરિણામો આપ્યા છે.
15 દિવસમાં 41 આરોપીઓ જેલના સળિયા પાછળ
રાજ્યના પોલીસ વડા (DGP) વિકાસ સહાયે માહિતી આપતા જણાવ્યું કે, ઓપરેશન કારાવાસ હેઠળ પોલીસે અત્યાર સુધીમાં 41 જેટલા ફરાર આરોપીઓને શોધી કાઢી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ચિંતાની વાત એ છે કે આમાંથી 15 આરોપીઓ તો છેલ્લા 5 વર્ષ કરતાં પણ વધુ સમયથી પોલીસને ચકમો આપી રહ્યા હતા. આ આરોપીઓ હત્યા, દુષ્કર્મ અને અન્ય ગંભીર ગુનાઓમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા અને કાયદાકીય રાહતનો દુરુપયોગ કરી સમાજ માટે ભય બનીને ફરી રહ્યા હતા.
તપાસમાં 25 આરોપીઓના મૃત્યુનો ખુલાસો
આ ઓપરેશન દરમિયાન પોલીસને એક અન્ય મહત્વની માહિતી પણ મળી. તપાસમાં સામે આવ્યું કે ફરાર જાહેર કરાયેલા 25 જેટલા કેદીઓનું અલગ-અલગ કારણોસર મૃત્યુ થઈ ચૂક્યું છે. આ માહિતીથી પોલીસ રેકોર્ડને પણ અપડેટ કરવામાં મદદ મળી છે.
કેવી રીતે પાર પાડવામાં આવ્યું ઓપરેશન?
ગુજરાત પોલીસે આ ફરાર ગુનેગારોને પકડવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ (બાતમીદારો) અને ટેક્નિકલ સર્વેલન્સ (મોબાઇલ ટ્રેકિંગ વગેરે)નો ભરપૂર ઉપયોગ કર્યો. આ ઉપરાંત, આરોપીઓ અન્ય જિલ્લા કે રાજ્યોમાં છુપાયા હોવાથી આંતર-જિલ્લા અને આંતર-રાજ્ય પોલીસ ટીમો વચ્ચે મજબૂત સંકલન સ્થાપિત કરવામાં આવ્યું હતું, જેના કારણે આ સફળતા મળી.











