દહેગામ અને આજુબાજુના વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણની સુવિધાઓનો અભાવ છે. સરકારી કોલેજની સ્થાપનાથી આ વિસ્તારના વિદ્યાર્થીઓને સ્થાનિક સ્તરે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી શકશે, જેનાથી તેમનું ભવિષ્ય સુરક્ષિત થશે.

દહેગામ, સોમવાર
વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા અને દહેગામમાં સરકારી કોલેજની સ્થાપનાની માંગણીને લઈને વિદ્યાર્થી હિત રક્ષક સમિતિ, દહેગામ દ્વારા આજે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં સમિતિએ જાહેર કર્યું કે, આ લડાઈ કોઈની સામે નથી, પરંતુ અમારા બાળકોના ભવિષ્યને બચાવવાની લડાઈ છે. આ માંગણીને વેગ આપવા માટે સમિતિ દ્વારા ગ્રામ્ય સ્તરેથી શરૂ થતું એક વિશાળ આંદોલનની જાહેરાત કરવામાં આવી છે.
સમર્થન યાત્રાનું આયોજન
વિદ્યાર્થી હિત રક્ષક સમિતિ દ્વારા દહેગામ તાલુકામાં ગ્રામ્ય સ્તરે સમર્થન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાનો હેતુ દરેક ગામમાં જાગૃતિ લાવવાનો અને સરકારી કોલેજની માંગણીને વધુ મજબૂત બનાવવાનો છે. નીચે મુજબના પગલાં આ યાત્રામાં લેવામાં આવશે.

ગ્રામ્ય સ્તરે મિટિંગ: દહેગામ તાલુકાના દરેક ગામમાં જાહેર જગ્યાએ મિટિંગનું આયોજન કરવામાં આવશે. આ મિટિંગમાં ગામના સરપંચ, સામાજિક આગેવાનો, ચૂંટાયેલા નેતાઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ અને સમિતિના સભ્યો હાજર રહેશે. આ મિટિંગમાં સરકારી કોલેજની જરૂરિયાત અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
સમર્થન લેટર અને ફોર્મ: ગામના સરપંચ, ચૂંટાયેલા નેતાઓ અને સામાજિક સંગઠનો પાસેથી તેમના લેટરપેડ પર સરકારી કોલેજની માંગણીને સમર્થન આપતું લેટર મેળવવામાં આવશે. સાથે જ, વાલીઓ અને વિદ્યાર્થીઓ પાસેથી સમર્થન ફોર્મ ભરાવવામાં આવશે.
સરકાર સુધી પહોંચ: આ યાત્રા દરમિયાન એકત્ર કરાયેલા તમામ સમર્થન ફોર્મ અને લેટરપેડ સરકાર સુધી પહોંચાડવામાં આવશે.
આજુબાજુના જિલ્લાઓને આમંત્રણ
સમિતિએ જણાવ્યું કે દહેગામમાં સરકારી કોલેજની સ્થાપનાથી માત્ર દહેગામ જ નહીં, પરંતુ આજુબાજુના ખેડા, અરવલ્લી અને સાબરકાંઠા જેવા જિલ્લાઓના વિદ્યાર્થીઓને પણ ફાયદો થશે. આથી, આ જિલ્લાઓના વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ આ આંદોલનમાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
આંદોલનનો આખરી તબક્કો: પદયાત્રા
સમર્થન યાત્રા પૂર્ણ થયા બાદ, એકત્ર કરાયેલી વિગતો સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે. જો 15 દિવસમાં સરકાર દ્વારા આ માંગણી સ્વીકારવામાં નહીં આવે, તો ગાંધી ચિંધ્યા માર્ગે દહેગામની જનતા, વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા દહેગામથી ગાંધીનગર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવશે. આ પદયાત્રા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે.

શા માટે આ આંદોલન?
દહેગામ અને આજુબાજુના વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણની સુવિધાઓનો અભાવ છે. સરકારી કોલેજની સ્થાપનાથી આ વિસ્તારના વિદ્યાર્થીઓને સ્થાનિક સ્તરે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી શકશે, જેનાથી તેમનું ભવિષ્ય સુરક્ષિત થશે. સમિતિનો ઉદ્દેશ્ય આ માંગણીને શાંતિપૂર્ણ અને ગાંધીવાદી રીતે સરકાર સુધી પહોંચાડવાનો છે.











