દહેગામ તાલુકામાં સાંસદ હસમુખ પટેલના નેતૃત્વમાં યુનિટી માર્ચ યોજાઈ. નાંદોલથી ધારીસણા સુધીની 8 કિમીની પદયાત્રામાં દેશભક્તિનો માહોલ છવાયો. રખિયાલ પંચાયતને 1.90 કરોડની ગ્રાન્ટ અપાઈ. વાંચો વિગતવાર અહેવાલ.

દહેગામ, ગુરૂવાર
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં એક ભવ્ય અને યાદગાર કાર્યક્રમ યોજાયો હતો. સાંસદ હસમુખ પટેલના નેતૃત્વમાં યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને સમગ્ર વિસ્તાર દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો.
નાંદોલથી ધારીસણા 8 કિમીના રૂટ પર ભવ્ય સ્વાગત આ પદયાત્રાનો પ્રારંભ નાંદોલ ગામથી થયો હતો. અહીં સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કરીને અને પુષ્પાંજલિ અર્પણ કરીને યાત્રાને લીલી ઝંડી આપવામાં આવી હતી. નાંદોલથી શરૂ થયેલી આ યાત્રા સલકી, વર્ધાના મુવાડા અને અંગૂથલા થઈને ધારીસણા ગામે પૂર્ણ થઈ હતી. લગભગ 8 કિલોમીટરના આ રૂટ પર એક અનોખો નજારો જોવા મળ્યો હતો. રસ્તામાં આવતા દરેક ગામમાં વિવિધ સમાજ અને સંસ્થાઓ દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ પુષ્પવર્ષા કરીને અને પરંપરાગત સામૈયા સાથે યાત્રાને વધાવી લીધી હતી. ડીજેના તાલે દેશભક્તિના ગીતો અને ઢોલ-નગારાના અવાજે વાતાવરણમાં જોશ ભરી દીધો હતો.
“સ્વદેશી અપનાવો, આત્મનિર્ભર ભારત બનાવો”
આ પ્રસંગે સાંસદ હસમુખ પટેલે હાજર જનમેદનીને સંબોધતા એક મહત્વનો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “વિકસિત રાષ્ટ્રનો રસ્તો આત્મનિર્ભર ભારતમાંથી પસાર થાય છે. આપણે જાહેરાતોની દુનિયામાંથી બહાર નીકળીને સ્વદેશી અપનાવવું પડશે. જો ભારતની 145 કરોડ જનતા સ્વદેશી વસ્તુઓનો આગ્રહ રાખશે, તો જ સાચા અર્થમાં ભારત આત્મનિર્ભર અને વિકસિત બનશે.” તેમણે કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવા અને નર્મદા ડેમ જેવા કાર્યોને સરદાર સાહેબના સપના પૂરા થયા સમાન ગણાવ્યા હતા.

બાળકો બન્યા આકર્ષણનું કેન્દ્ર યાત્રા દરમિયાન સૌથી વધુ ધ્યાન શાળાના નાના બાળકોએ ખેંચ્યું હતું. વિદ્યાર્થીઓ સરદાર પટેલ, ભગતસિંહ, રાણી લક્ષ્મીબાઈ, ગાંધીજી અને મંગલ પાંડે જેવા વીર ક્રાંતિકારીઓની વેશભૂષામાં સજ્જ થઈને આવ્યા હતા. હાથમાં તિરંગો અને ચહેરા પર દેશભક્તિના તેજ સાથે આ બાળકોએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ઉપરાંત, સરદાર પટેલની વિશાળ પ્રતિમા સાથેનો ફ્લોટ અને સેલ્ફી પોઈન્ટ યુવાનોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

વિકાસની ભેટ અને એકતાના શપથ કાર્યક્રમ દરમિયાન માત્ર ભાષણો જ નહીં, પણ વિકાસના કામો પણ થયા હતા. ગુજરાત સરકાર દ્વારા રખિયાલ ગ્રામ પંચાયતને ગામના વિકાસ માટે 1 કરોડ 90 લાખ રૂપિયાની ગ્રાન્ટનો ચેક મહાનુભાવોના હસ્તે એર્પણ કરવામાં આવ્યો હતો. અંતમાં ઉપસ્થિત સૌ નાગરિકોએ રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતા.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.











