આધુનિક સમયમાં લોકો ભલે ગમે તેટલી વેસ્ટર્ન પરંપરાઓ અપનાવતા થયા હોય, તેમ છતાં ઉપવાસ અને ભક્તિની આપણી પરંપરા આજે પણ જીવંત છે.

ગાંધીનગર, શુક્રવાર
આજથી પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થઈ ગયો છે. ગાંધીનગર શહેર અને જિલ્લાના તમામ શિવમંદિરોમાં સવારથી જ શિવભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. શ્રાવણ મહિનો શિવ ઉપાસના અને ભક્તિ માટે વિશેષ મહત્વ ધરાવે છે. આજથી શરૂ થયેલો આ પવિત્ર માસ આગામી ૨૩ ઓગસ્ટ સુધી ચાલશે. આ સમગ્ર માસ દરમિયાન ભક્તો શિવમય બની જશે અને ભગવાન શિવની ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરશે.
શિવ આરાધનામાં રુદ્રાભિષેક, બિલ્વપત્ર અર્પણ કરવું અને ભસ્મ ચઢાવવા જેવી પરંપરાઓ આજે પણ અકબંધ છે. ઉલ્લેખનીય છે કે શિવભક્તિનો આ શ્રાવણ માસ હંમેશા ચોમાસાની ઋતુ દરમિયાન જ આવે છે. પુરાણો અનુસાર, ભગવાન શિવને પુષ્પ અને પાન ચઢાવવાનો મહિમા છે. આ વનસ્પતિઓ મુખ્યત્વે વરસાદની ઋતુમાં જ ઉપલબ્ધ હોય છે. આ જ કારણોસર, શ્રાવણમાં શિવપૂજાની પરંપરાનું વિશેષ મહત્વ છે.
આધુનિક સમયમાં લોકો ભલે ગમે તેટલી વેસ્ટર્ન પરંપરાઓ અપનાવતા થયા હોય, તેમ છતાં ઉપવાસ અને ભક્તિની આપણી પરંપરા આજે પણ જીવંત છે. લોકોમાં હજુ પણ શ્રાવણના ઉપવાસ રાખવાનું અને શિવજીની ઉપાસના કરવાનું ચલણ જોવા મળે છે. આજથી શિવાલયોમાં શિવભક્તો ઉમટી પડશે અને શિવલિંગ પર જળાભિષેક તથા દૂધનો અભિષેક કરશે. આખો મહિનો ભક્તો શિવજીને રિઝવવા માટે તેમની પૂજા-અર્ચના કરશે.











