બંગાળમાં એક્શન મોડમાં શુભેન્દુ સરકાર: મહિલાઓને 3000, મફત બસ અને 7મું પગાર પંચ; જાણો કેબિનેટના મોટા નિર્ણયો

પશ્ચિમ બંગાળની નવી શુભેન્દુ અધિકારી સરકારે બીજી કેબિનેટમાં મહિલાઓને 3000, મફત બસ મુસાફરી, 7મું પગાર પંચ અને મદરેસા સહાય બંધ કરવા જેવા મોટા નિર્ણયો લીધા છે.

પશ્ચિમ બંગાળ, સોમવાર
પશ્ચિમ બંગાળમાં નવી ચૂંટાયેલી શુભેન્દુ અધિકારીની સરકાર હવે પૂરેપૂરા એક્શન મોડમાં જોવા મળી રહી છે. મુખ્યમંત્રી પદે બેસતા જ તેમણે જનતા માટે કલ્યાણકારી નિર્ણયો લેવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં મળેલી બીજી કેબિનેટ બેઠકમાં સરકારે મહિલાઓ અને સરકારી કર્મચારીઓ માટે તિજોરી ખોલી દીધી છે, તો બીજી તરફ ધાર્મિક સહાય બાબતે કડક વલણ અપનાવ્યું છે.

કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી અગ્નિમિત્રા પૉલે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને આ તમામ મોટા નિર્ણયોની સત્તાવાર માહિતી જનતાને આપી હતી. ચાલો જાણીએ નવી સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયો વિશે વિગતે.

મહિલાઓ માટે મોટી ભેટ: 3000 ની સહાય અને મફત બસ સેવા
નવી સરકારે અગાઉની લક્ષ્મી ભંડાર યોજનાનું નામ બદલીને હવે તેને અન્નપૂર્ણા ભંડાર યોજના તરીકે મંજૂરી આપી દીધી છે. આ નવી યોજના હેઠળ રાજ્યની મહિલાઓને દર મહિને 3000 ની સીધી આર્થિક સહાય આપવામાં આવશે. આ ઉપરાંત, આગામી 1 જૂનથી આખા રાજ્યમાં મહિલાઓ સરકારી બસોમાં બિલકુલ મફત મુસાફરી કરી શકશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે જે મહિલાઓને પહેલાથી લાભ મળી રહ્યો છે તેમનો લાભ ચાલુ જ રહેશે. જ્યારે બાકી રહી ગયેલી મહિલાઓ માટે ટૂંક સમયમાં નવું ઓનલાઈન પોર્ટલ શરૂ કરીને અરજીઓ મંગાવવામાં આવશે.

સરકારી કર્મચારીઓને જલસા: 7મું પગાર પંચ મંજૂર
બંગાળના સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આપતા મંત્રીએ જણાવ્યું કે, સરકારે રાજ્યમાં 7માં પગાર પંચની રચનાને લીલી ઝંડી આપી દીધી છે. આ નિર્ણયથી લાંબા સમયથી રાહ જોઈ રહેલા કર્મચારીઓના પગાર અને ભથ્થા વધારવાની પ્રક્રિયા ખૂબ ઝડપી બની જશે.

મદરેસાઓ અને ધાર્મિક પ્રોજેક્ટ્સ પર બ્રેક
સરકારે પોતાની નીતિ સ્પષ્ટ કરતા એક મોટો નિર્ણય લીધો છે. મદ્રેસા વિભાગ તેમજ માહિતી અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ચલાવવામાં આવતી તમામ ધર્મ આધારિત આર્થિક સહાય યોજનાઓ આવતા મહિનાથી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. હાલમાં જે ધાર્મિક પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, તેને પણ માત્ર આ મહિનાના અંત સુધી જ ચાલુ રાખવાની કડક સૂચના આપવામાં આવી છે.

CAA અરજદારોને પણ મળશે અન્નપૂર્ણા નો લાભ
એક મોટો અને મહત્વનો રાજકીય નિર્ણય લેતા સરકારે જાહેરાત કરી છે કે, જે લોકોએ સીએએ (CAA – નાગરિકતા સંશોધન કાયદો) હેઠળ અરજી કરી છે અને જેમનો કેસ હજુ ટ્રિબ્યુનલમાં પેન્ડિંગ છે, તેવા પરિવારોને પણ અન્નપૂર્ણા ભંડાર યોજના માં સમાવીને સીધો લાભ આપવામાં આવશે.

પહેલી કેબિનેટ બેઠકના 5 મોટા નિર્ણયો પર એક નજર:
આ અગાઉ, સરકારે પોતાની પ્રથમ કેબિનેટમાં પણ કેટલાક મોટા અને ઐતિહાસિક ફેરફારો કર્યા હતા, જે નીચે મુજબ છે:

આયુષ્માન ભારત યોજના: કેન્દ્ર સરકારની ગરીબો માટેની આયુષ્માન ભારત યોજના ને બંગાળમાં સંપૂર્ણપણે લાગુ કરવામાં આવશે.
IAS-IPS ટ્રેનિંગ: રાજ્યના IAS અને IPS અધિકારીઓને હવે કેન્દ્રીય તાલીમ (Central Training) માં જવાની મંજૂરી આપી દેવાઈ છે.
નવા કાયદાનો અમલ: રાજ્યમાં અપરાધ અને ન્યાય માટે નવી ભારતીય ન્યાય સંહિતા (BNS) સત્તાવાર રીતે લાગુ કરી દેવામાં આવી છે.
BSF ને જમીન: સરહદી વિસ્તારોની અને દેશની સુરક્ષા મજબૂત કરવા માત્ર 45 દિવસની અંદર જ BSF ને જમીન ટ્રાન્સફર કરવાનું કામ શરૂ કરી દેવાયું છે.
શહીદ પરિવારોને મદદ: અગાઉ થયેલી રાજકીય હિંસામાં પોતાનો જીવ ગુમાવનાર ભાજપના 321 કાર્યકરોના પરિવારોની સંપૂર્ણ આર્થિક જવાબદારી હવેથી નવી સરકાર ઉઠાવશે.

શુભેન્દુ અધિકારી સરકારના આ ધડાધડ નિર્ણયો સ્પષ્ટપણે દર્શાવે છે કે નવી સરકાર રાજ્યમાં મહિલા સશક્તિકરણ, કર્મચારીઓના હિતો, રાષ્ટ્રીય સુરક્ષા અને પારદર્શક વહીવટની દિશામાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!