સૂંઠના વૈજ્ઞાનિક અને આયુર્વેદિક લાભો વિશે જાણો, જે પાચન સુધારે છે, ઇમ્યુનિટી વધારે છે અને કેન્સર જેવી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. આ લેખમાં સૂંઠના ઉપયોગ અને ફાયદાઓ વિશેની સંપૂર્ણ માહિતી મેળવો.

અમદાવાદ, મંગળવાર
આપણા રસોડામાં વપરાતી અનેક ચીજોમાં સૂંઠ એક એવી વસ્તુ છે જેના સ્વાસ્થ્ય લાભો અગણિત છે. સામાન્ય રીતે સૂકા આદુના પાવડર તરીકે ઓળખાતી સૂંઠ, ભોજનનો સ્વાદ વધારવા ઉપરાંત એક કુદરતી ઔષધિ તરીકે પણ કામ કરે છે. ખાસ કરીને ચોમાસા અને શિયાળાની સીઝનમાં જ્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડતી હોય છે, ત્યારે સૂંઠનું સેવન શરીરને મજબૂત બનાવે છે.
આયુર્વેદમાં સૂંઠનું ખૂબ મહત્વ છે. આદુને સૂકવીને સૂંઠ બનાવવામાં આવે છે, પરંતુ આ પ્રક્રિયા તેના ગુણધર્મોને બદલી નાખે છે. આદુની તીખાશ અને તાજગીથી વિપરીત, સૂંઠમાં એક ખાસ પ્રકારની ગરમી અને ઔષધીય શક્તિ હોય છે. આ જ કારણ છે કે બંનેની અસર અલગ-અલગ જોવા મળે છે.
સૂંઠમાં રહેલા પોષક તત્વો અને તેના વૈજ્ઞાનિક ફાયદા
અમેરિકાની નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનના રિપોર્ટ અનુસાર, સૂંઠમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઇબર, ફોલિક એસિડ, વિટામિન C અને વિટામિન A જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત, તેમાં જિંજેરોલ્સ, શોગોલ્સ, જિંગિબેરીન, લિલાલૂલ, લિમોનીન અને ગેરાનિયોલ જેવા જૈવિક તત્વો પણ હોય છે.
આ તત્વોમાંથી, જિંજેરોલ્સ અને શોગોલ્સ ખાસ કરીને પાચનમાં મદદરૂપ થાય છે. તેઓ બળતરા ઘટાડવા, દુખાવો દૂર કરવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આના કારણે ગેસ, અપચો, શરદી-ઉધરસ, ગળામાં દુખાવો અને સાંધાના દુખાવા જેવી સમસ્યાઓથી રાહત મળે છે.
સૂંઠમાં રહેલા એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો શરીરના હાનિકારક તત્વોને ઘટાડીને કેન્સર જેવા ગંભીર રોગોને રોકવામાં મદદ કરી શકે છે.
આયુર્વેદિક ઉપચારમાં સૂંઠનો ઉપયોગ
* આયુર્વેદમાં સૂંઠનો ઉપયોગ વિવિધ રોગોના ઉપચાર માટે કરવામાં આવે છે.
* કફ અને શરદી: સૂંઠ શરીરને ગરમી આપે છે અને કફને સંતુલિત કરે છે. શિયાળામાં સૂંઠની ચા કે ઉકાળો પીવાથી શરીરને હૂંફ મળે છે અને ઉર્જા જળવાઈ રહે છે.
* પાચન અને પેટના રોગ: જે લોકોને ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમની સમસ્યા હોય તેમના માટે સૂંઠ એક રામબાણ ઈલાજ છે. જો સૂંઠને ઘી સાથે મિક્સ કરીને ખાવામાં આવે તો તે પેટની બીમારીઓ દૂર કરે છે.
* ઇમ્યુનિટી બૂસ્ટર: સૂંઠનું પાણી નિયમિત પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે અને વારંવાર બીમાર પડવાની શક્યતા ઓછી થાય છે.
આમ, સૂંઠ માત્ર એક મસાલો નથી, પરંતુ સ્વાસ્થ્યનો ખજાનો છે. તેના નિયમિત ઉપયોગથી તમે અનેક બીમારીઓથી બચી શકો છો અને શરીરને હેલ્ધી રાખી શકો છો.










