મહારાષ્ટ્રના સોલાપુર સ્થિત તુલશી ગામમાં પીવાના પાણીની તંગી અને સરકારી ઉદાસીનતાથી કંટાળીને ગ્રામજનોએ ગામમાં ‘ગામ વેચવાનું છે’ના પોસ્ટરો લગાવી વિરોધ વ્યક્ત કર્યો છે.

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારી અને હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. ૭ હજારની વસ્તી ધરાવતા તુલશી ગામમાં પાણીની વિકટ સમસ્યાથી કંટાળીને ગ્રામજનોએ નાછૂટકે અનોખો વિરોધ નોંધાવ્યો છે. ખેતરોમાં ધૂળ ઊડી રહી છે, કૂવાઓ કોરા કટાક છે અને પાણીના એક-એક ટીપા માટે લોકો તડપી રહ્યા છે. આ સ્થિતિથી પરેશાન થઈને ગામના લોકોએ ગામની હદ પર ‘ગામ વેચવાનું છે’ તેવા બોર્ડ અને પોસ્ટરો લગાવી દીધા છે.
પાણીની સમસ્યા અને તંત્રની ઉદાસીનતાની મુખ્ય વિગતો
-
ટેન્કરના સહારે જીવન: ગામમાં પીવાના પાણીની એટલી બધી બુમરાળ છે કે દાયકાઓથી લોકો માત્ર ટેન્કરના ભરોસે જ જીવન વિતાવી રહ્યા છે. ગામમાં ટેન્કર પહોંચતા જ પાણી ભરવા માટે લોકોની લાંબી લાખો લાઇનો લાગી જાય છે.
-
અધૂરી સિંચાઈ યોજનાઓ: સરકાર અને પ્રશાસન દ્વારા વર્ષોથી વાયદાઓ કરવામાં આવ્યા છે, પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. ગામની નજીકથી પસાર થતી સીના-માઢા સિંચાઈ યોજના માટે ખોદકામ કરવામાં આવ્યું હતું, પરંતુ કામ અધૂરું રહેવાથી ગામલોકોને તેનો કોઈ જ લાભ મળ્યો નથી.
-
સરકારનું ધ્યાન ખેંચવાનો હેતુ: ગામના સરપંચ શરદ મોરેએ જણાવ્યું હતું કે, “ગામમાં દર વર્ષે પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે. સરકારનું ધ્યાન અમારી વર્ષો જૂની સમસ્યા તરફ આકર્ષવા માટે જ આ બોર્ડ લગાવવામાં આવ્યા છે.”











