Stamp Duty Rule Gujarat: મિલકત ખરીદનારાઓનું બજેટ ખોરવાશે, સ્ટેમ્પ ડ્યુટીના નવા નિયમથી દસ્તાવેજ ખર્ચમાં 30થી 40%નો તોતિંગ વધારો

Stamp Duty Rule Gujarat: રાજ્ય સરકારે સ્ટેમ્પ ડ્યુટી વસૂલાત અંગે નવો પરિપત્ર જાહેર કર્યો છે. હવે કાર્પેટ અને બિલ્ટઅપ બાદ સુપર બિલ્ટઅપ એરિયા પર પણ ડ્યુટી લાગશે, જેના કારણે દસ્તાવેજની કિંમતમાં સીધો 30 થી 40%નો વધારો થશે. જાણો નવા નિયમ વિશે.

અમદાવાદ, બુધવાર
Stamp Duty Rule Gujarat: રાજ્યમાં ઘર કે મિલકત ખરીદવાનું સપનું જોતા સામાન્ય નાગરિકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા મિલકત વેચાણ અને દસ્તાવેજ નોંધણી અંગે બહાર પાડવામાં આવેલા એક નવા પરિપત્રને કારણે મિલકત ખરીદનારાઓ પર મોટો આર્થિક બોજ પડવાની શક્યતા છે. અત્યાર સુધી મિલકતની સ્ટેમ્પ ડ્યુટીની ગણતરી કાર્પેટ એરિયા કે બિલ્ટઅપ એરિયાના આધારે થતી હતી, પરંતુ હવે સરકારે ‘સુપર બિલ્ટઅપ એરિયા’ને પણ આ ગણતરીમાં આવરી લેવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયના સીધા પરિણામ સ્વરૂપે હવે દસ્તાવેજની કિંમતમાં અંદાજે 30થી 40% જેટલો વધારો જોવા મળશે.

સરકારના નવા નિયમ મુજબ, હવે માત્ર ફ્લેટ કે મકાનના ચાર દિવાલના બાંધકામનું ક્ષેત્રફળ જ નહીં, પરંતુ સોસાયટી કે એપાર્ટમેન્ટમાં વપરાતા કોમન રોડ-રસ્તા અને કોમન પ્લોટની જમીનનો પણ સ્ટેમ્પ ડ્યુટી વસૂલાતમાં સમાવેશ કરવામાં આવશે. સરકારનો તર્ક એવો છે કે મિલકત ધારક જે ફ્લેટમાં રહે છે, તે સોસાયટીના રસ્તા અને કોમન પ્લોટનો પણ વપરાશ કરે છે, તેથી આ એરિયાની પણ ગણતરી થવી જોઈએ. અગાઉ માત્ર કાર્પેટ એરિયા અને ત્યારબાદ બિલ્ટઅપ એરિયા પર જંત્રીના દરો મુજબ ડ્યુટી લેવાતી હતી, જે પદ્ધતિ હવે બદલાઈ ગઈ છે.

આ પરિપત્રનો અમલ સુરત શહેર સહિત રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં શરૂ કરી દેવામાં આવ્યો છે. આ નવા ફેરફારને કારણે મિલકત ખરીદનાર વર્ગને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. દસ્તાવેજની કિંમતમાં સીધો 30થી 40%નો વધારો થતાં બજેટ ખોરવાઈ જવાના ભયે સુરત શહેરના વકીલોમાં પણ નારાજગી જોવા મળી છે. આ નિર્ણયના વિરોધમાં મંગળવારે (23 ડિસેમ્બર) ના રોજ વકીલો દ્વારા સુરત કલેક્ટર ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી હતી.

વકીલોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું હતું કે, સબ રજિસ્ટ્રાર કચેરીમાં આ પરિપત્રનો તાત્કાલિક અમલ શરૂ થતા અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે. સુપર બિલ્ટઅપ એરિયા પર ડ્યુટી વસૂલવાથી દસ્તાવેજ બનાવવો ખૂબ મોંઘો બની ગયો છે. મિલકત ખરીદનારાઓના હિતને ધ્યાનમાં રાખીને, વકીલ મંડળે માંગ કરી છે કે આ પરિપત્રની અમલવારી તાત્કાલિક અસરથી રદ કરવી જોઈએ અથવા તેને મોકૂફ રાખવી જોઈએ. તંત્ર દ્વારા આ રજૂઆતને ધ્યાને લઈ યોગ્ય સૂચના આપવાની ખાતરી આપવામાં આવી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!