અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એરફોર્સ વનમાં પત્રકારો સાથેની વાતચીતમાં રશિયાના પ્રમુખ પુતિનને યુદ્ધ રોકવા કડક ચેતવણી આપી છે. જો યુદ્ધ નહીં અટકે તો યુક્રેનને ઘાતક ટૉમ-હૉક મિસાઇલ્સ આપવાની ધમકી આપી. રશિયાએ તાજેતરમાં યુક્રેનના વીજળી સંયંત્રો પર હુમલા કર્યા પછી આ નિવેદન આવ્યું છે. જાણો સમગ્ર મામલો વિગતવાર.

અમેરિકા, મંગળવાર
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધને લઈને એક ચોંકાવનારું અને સીધું નિવેદન આપ્યું છે, જેણે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. ઇઝરાયેલ જતી વખતે ખાસ વિમાનએરફોર્સ વનમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને કઠોર ચેતવણી આપતા કહ્યું કે, યુદ્ધ બંધ કરો નહીં તો અમે યુક્રેનને ‘ટૉમ-હૉક’ મિસાઇલ્સ આપીશું.
આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે રશિયાએ તાજેતરમાં રાતોરાત યુક્રેન ઉપર હુમલા કરીને તેના અનેક મહત્ત્વપૂર્ણ વિદ્યુત સંયંત્રોનો નાશ કર્યો છે. આ હુમલાને શિયાળાની શરૂઆત પહેલા યુક્રેનના અર્થતંત્રને તોડી પાડવાના એક વ્યૂહાત્મક પગલા તરીકે જોવામાં આવે છે.
‘ટૉમ-હૉક’ મિસાઇલ્સની ઘાતકતા
ટ્રમ્પે જે ‘ટૉમ-હૉક’ મિસાઇલ્સનો ઉલ્લેખ કર્યો છે તે દુનિયાના સૌથી પ્રબળ, સૌથી ઝડપી અને સૌથી ઘાતક મિસાઇલ્સ પૈકીના એક ગણાય છે. આ મિસાઇલ્સ 155 માઇલ સુધી અચૂક અને ચોકસાઈક પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે આ મિસાઇલ્સ “ખૂબ જ ઘાતક” છે. જોકે, ટ્રમ્પે આ સાથે તરત જ એ પણ સ્પષ્ટતા કરી કે, “હજી તેટલી હદે જવાનો સમય આવ્યો નથી.” એટલે કે, અમેરિકા યુક્રેનને આ મિસાઇલ્સ આપે પણ ખરા અને ન પણ આપે. તેમના નિવેદનનું મુખ્ય કેન્દ્રબિંદુ એ હતું કે રશિયાએ આ વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલવો જોઈએ, નહીં તો આ યુદ્ધ રશિયા માટે જ ખૂબ જ ઘાતક સાબિત થશે.
પુતિનની ચિંતા અને ઝેલેન્સ્કીની માંગ
યુક્રેનને લાંબા અંતરના મિસાઇલ્સ આપવાના અમેરિકાના સંભવિત નિર્ણય અંગે રશિયાએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. પ્રમુખ પુતિને અગાઉ જ સ્પષ્ટ કરી દીધું છે કે, જો અમેરિકા દ્વારા યુક્રેનને લાંબા અંતરના મિસાઇલ્સ આપવામાં આવશે તો તેનાથી મોસ્કો અને વોશિંગ્ટન વચ્ચેના સંબંધોને ગંભીર નુકસાન થશે.
બીજી તરફ, યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સ્કીએ સતત લાંબા અંતરના મિસાઇલ્સની માંગ કરી છે, જેની રેન્જ 1550 માઇલ સુધીની હોય. ટ્રમ્પના આ નિવેદન પહેલાં, ગયા રવિવારે પ્રમુખ ઝેલેન્સ્કી અને ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીત થઈ હોવાનું પણ સામે આવ્યું છે. આ વાતચીતમાં રશિયા સામે યુક્રેનની યુદ્ધ ક્ષમતા અને ઉર્જા ક્ષેત્રની સુરક્ષા વિશે ચર્ચા કરવામાં આવી હતી.











