અમદાવાદમાં 41 વર્ષીય વિધવા મહિલા સાથે તાંત્રિક વિધિના નામે લાખો રૂપિયાની છેતરપિંડી. પતિ અને પુત્રના મોતના ડરનો લાભ લઈ 14.18 લાખથી વધુ પડાવ્યા. પોલીસે 2 આરોપીઓ – રામ પ્રતાપ ભાર્ગવ અને ગુરુ માતા વિજેન્દ્રા દેવી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી.

અમદાવાદ, મંગળવાર
ટેક્નોલોજીના આ સમયમાં પણ અંધશ્રદ્ધાના નામે લોકો છેતરાય તેવા કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં બન્યો છે, જ્યાં એક વિધવા મહિલાને તાંત્રિક વિધિના નામે ડરાવીને તેની પાસેથી લાખો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે.
ઘટનાની વિગતો
જુહાપુરામાં રહેતા 41 વર્ષીય મહિલા પતિ અને પુત્રનું નિધન થયા બાદ એકલવાયું જીવન જીવી રહ્યા હતા. ફેબ્રુઆરી 2025માં તેમને સોશિયલ મીડિયા પરથી ‘મુસ્લિમ તાંત્રિક શીફલી’ નામે એક બાબા ગુરૂ પ્રતાપ શાહની ચેનલ પરથી એક મોબાઈલ નંબર મળ્યો.
રૂક્સાનાએ જ્યારે આ અધોરીના નંબર પર ફોન કરીને પતિ અને પુત્રના મોતના કારણ વિશે વાત કરી, ત્યારે ઠગબાજે તેમને ડરાવતા કહ્યું કે, “તમારા ઘરમાં કોઈએ તાંત્રિક વિદ્યા કરાવી છે.” આ વિધિ દૂર કરવાના નામે શરૂઆતમાં 10,000 રૂપિયા માંગવામાં આવ્યા. રૂક્સાનાએ આ રકમ ઓનલાઈન મોકલી, જેનું નામ ‘રામ પ્રતાપ ભાર્ગવ સન ઓફ ધનરાજ’ આવ્યું હતું.
ડર બતાવીને રૂપિયા કઢાવવાનો સિલસિલો
પૈસા મળ્યા બાદ આ અધોરીએ ટુકડે-ટુકડે રૂપિયા લેવાનું ચાલુ રાખ્યું. થોડા સમય પછી, તેણે રૂક્સાનાને જણાવ્યું કે તેમના પર અઘોરી વિદ્યા થઈ છે અને હવે એક મહિલા તાંત્રિક ગુરુ માતાની જરૂર પડશે. આ અધોરીએ રૂક્સાનાને બીજા નંબર પર વાત કરાવી. તે મહિલા તાંત્રિકે પોતાનું નામ વિજેન્દ્રા દેવી જણાવ્યું. વિજેન્દ્રા દેવીએ રૂક્સાનાને ધમકી આપી કે તેમના પર મેલી વિદ્યા કરવામાં આવી છે અને જો તાંત્રિક વિધિ નહીં કરાવે તો થોડા સમયમાં તેમનું પણ મૃત્યુ થઈ જશે. આ વિધિનો ખર્ચ 1.73 લાખ કહીને તેમને વધુ ડરાવ્યા.
માનવ બલિ અને કરોડોની માગણી
રૂક્સાનાએ ડરીને આંગડિયા દ્વારા મહિલા તાંત્રિકને પૈસા મોકલ્યા. આ પછી પણ, વધુ મેલી વિદ્યાના નામે વિધિઓ અને તાંત્રિક સામાન મંગાવવામાં આવ્યા. જ્યારે કોઈ પરિણામ ન મળ્યું અને રૂક્સાનાએ ફોન કર્યો, ત્યારે અધોરીએ કહ્યું કે તેમના કામમાં મોટી તકલીફ છે અને મહારાષ્ટ્રના નાસિક ખાતે માનવ બલિ સાથે વિધિ કરવી પડશે.
જ્યારે રૂક્સાનાએ બલિ માટે માણસ ન હોવાનું જણાવ્યું, ત્યારે અધોરીએ 4 અન્ય તાંત્રિક વિધિઓ માટે 9.20 લાખ રૂપિયાની માગણી કરી. રૂક્સાનાએ વ્યાજે અને પતિના બચતના પૈસા ભેગા કરીને આ રકમ આંગડિયા દ્વારા મોકલી. ત્યારબાદ અધોરીએ વધુમાં કહ્યું કે, તેની બહેન ગુરુ માતા વિજેન્દ્રા કબ્રસ્તાનમાં કાળા નાગ સાથે વિધિ કરી રહી છે અને પતિ-પુત્રના આત્માને બોલાવવા માટે વધુ 3.15 લાખ જોઈશે, નહીંતર વિનાશ થશે. ડરેલી મહિલાએ આ વધારાના પૈસા પણ મોકલી આપ્યા.
પોલીસ ફરિયાદ
આ રીતે, આ ઠગબાજોએ રૂક્સાના પાસેથી ટુકડે-ટુકડે કુલ 14 લાખ 18 હજારથી વધુની રકમ પડાવી લીધી. અંતે, રૂક્સાનાએ પોતાના ભાઈને આ અંગે વાત કરતા આ સમગ્ર છેતરપિંડીનો પર્દાફાશ થયો. પીડિતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં રામ પ્રતાપ ભાર્ગવ અને ગુરુ માતા ઉર્ફે વિજેન્દ્રા દેવી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને બંને આરોપીઓની ધરપકડ કરવા માટે ટીમોને કામે લગાડી છે. આ કિસ્સો ફરી એકવાર બતાવે છે કે લોકોએ અંધશ્રદ્ધાના નામે થતી છેતરપિંડીથી જાગૃત રહેવું કેટલું જરૂરી છે.











