T20 World Cup 2026: ICCની બાંગ્લાદેશને ખુલ્લી ચેતવણી! ‘ભારતમાં રમો, નહીં તો હકાલપટ્ટી થશે’, આ ટીમને મળશે સ્થાન

T20 World Cup 2026: ICCએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને કડક અલ્ટીમેટમ આપ્યું છે. જો બાંગ્લાદેશ ભારતમાં મેચ રમવાની ના પાડશે તો તેને બહાર કરી સ્કોટલેન્ડને તક આપવામાં આવશે. જાણો વિગતવાર અહેવાલ.

નવી દિલ્હી, ગુરૂવાર
T20 World Cup 2026: ક્રિકેટ જગતમાં અત્યારે T20 વર્લ્ડકપ 2026ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતમાં આગામી 7 ફેબ્રુઆરીથી T20 વર્લ્ડકપનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, પરંતુ તે પહેલાં જ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) અને ICC વચ્ચે મોટો વિવાદ ઊભો થયો છે. બાંગ્લાદેશે ભારતમાં રમવા સામે વાંધો ઉઠાવતા ICCએ હવે કડક વલણ અપનાવ્યું છે અને બાંગ્લાદેશને ‘રમો અથવા બહાર થાઓ’નું અલ્ટીમેટમ આપી દીધું છે.

ICCનો સ્પષ્ટ સંદેશ: જિદ છોડો નહીં તો પત્તું કપાશે
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે T20 વર્લ્ડકપની પોતાની મેચો ભારતના બદલે અન્ય દેશમાં યોજવાની માંગ કરી હતી. આ મુદ્દે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ICCએ બાંગ્લાદેશને મોટો ઝટકો આપતા સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, જો તેઓ પોતાની જિદ નહીં છોડે, તો તેમને વર્લ્ડકપમાંથી બહાર કરી દેવામાં આવશે. ICCએ કહ્યું છે કે મેચો ભારતમાં જ રમાશે અને તેમાં કોઈ ફેરફાર થશે નહીં.

‘તમારી સરકારને કહી દો કે નિયમ માનવો પડશે’
બેઠક દરમિયાન જ્યારે બાંગ્લાદેશના પ્રતિનિધિઓએ દલીલ કરી કે આ અંગેનો નિર્ણય તેમની સરકાર લેશે, ત્યારે ICCએ રોકડું પરખાવતા કહ્યું હતું કે, “તમે તમારી સરકારને પણ ICCનો નિર્ણય જણાવી દો. તમારી ટીમે ભારતમાં જ રમવું પડશે, અને જો તેમ નહીં થાય તો ટીમે વર્લ્ડકપમાંથી બહાર થવા માટે તૈયાર રહેવું પડશે.”

સભ્યોનો બાંગ્લાદેશ વિરુદ્ધ મત
ICCની આ બેઠકમાં મતદાન પણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટાભાગના સભ્યોએ બાંગ્લાદેશની માંગને ફગાવી દીધી હતી. તમામ સભ્યોએ એકસૂરે કહ્યું છે કે બાંગ્લાદેશે ભારતમાં જ રમવું પડશે. જો બાંગ્લાદેશ આનાકાની કરશે તો તેના સ્થાને બીજી ટીમને તક આપવામાં આવશે. ICCએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને આખરી નિર્ણય લેવા માટે માત્ર એક દિવસનો સમય આપ્યો છે. અગાઉ ઢાકામાં મળેલી બેઠકમાં પણ તેમને 21 જાન્યુઆરી સુધીનું અલ્ટીમેટમ અપાયું હતું.

બાંગ્લાદેશે શું બહાનું કાઢ્યું હતું?
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુરક્ષાના કારણો આગળ ધરીને ભારતમાં T20 વર્લ્ડકપ રમવાની ના પાડી હતી. તેમણે ICC સમક્ષ માંગ મૂકી હતી કે તેમની મેચો ભારતને બદલે શ્રીલંકા અથવા પાકિસ્તાનમાં શિફ્ટ કરવામાં આવે. જોકે, ICCએ આ માંગને સંપૂર્ણપણે નકારી કાઢી છે અને મેચો શિફ્ટ કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે.

બાંગ્લાદેશ બહાર થશે તો સ્કોટલેન્ડને લોટરી લાગશે!
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો બાંગ્લાદેશ ICCની વાત નહીં માને અને ટુર્નામેન્ટમાંથી બહાર થશે, તો તેમના સ્થાને સ્કોટલેન્ડને વર્લ્ડકપમાં સામેલ કરવામાં આવી શકે છે. હાલમાં ICC T20 રેન્કિંગમાં સ્કોટલેન્ડ 14માં નંબર પર છે. જો આમ થશે તો સ્કોટલેન્ડ માટે આ એક મોટી તક હશે કારણ કે તેમણે હજુ સુધી વર્લ્ડકપમાં ભાગ લીધો નથી. બાંગ્લાદેશના સ્થાને સ્કોટલેન્ડને ગ્રુપ-Cમાં સ્થાન મળી શકે છે.

બાંગ્લાદેશનું શિડ્યુલ શું છે?
નિર્ધારિત કાર્યક્રમ મુજબ, T20 વર્લ્ડકપમાં બાંગ્લાદેશની મેચો નીચે મુજબ છે:
7 ફેબ્રુઆરી: વેસ્ટ ઈન્ડિઝ સામે
9 ફેબ્રુઆરી: ઈટાલી સામે
14 ફેબ્રુઆરી: ઈંગ્લેન્ડ સામે
17 ફેબ્રુઆરી: નેપાળ સામે

ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશની મોટાભાગની મેચો કોલકાતામાં રમાવાની છે, જે ભૌગોલિક રીતે બાંગ્લાદેશથી ખૂબ નજીક છે. હવે જોવાનું એ રહેશે કે બાંગ્લાદેશ નમતું જોખે છે કે પછી વર્લ્ડકપ ગુમાવવાનું પસંદ કરે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!