ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. ટિકિટ ન મળતા કાર્યકરો નારાજ છે અને વિકાસના કામો ન થતા મતદારો નેતાઓને ભગાડી રહ્યા છે. જાણો વિગતે.

અમદાવાદ, શનિવાર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, પરંતુ આ વખતે સત્તાધારી પક્ષ ભાજપ માટે રસ્તો એટલો સરળ દેખાઈ રહ્યો નથી. એક તરફ ઉમેદવારોની પસંદગીને લઈને પક્ષમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ છે, તો બીજી તરફ પાયાની સુવિધાઓના અભાવે સામાન્ય જનતામાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થિતિ એવી છે કે અમદાવાદથી લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભાજપના ઉમેદવારોને પ્રચાર માટે જવું પણ ભારે પડી રહ્યું છે.
કાર્યકરોમાં અસંતોષની આગ
ચૂંટણી પહેલા ભાજપે ભલે પોલીસ અને વહીવટી તંત્રના જોરે 700 જેટલી બેઠકો બિનહરીફ જીતી હોવાનો દાવો કર્યો હોય, પરંતુ અસલી પરીક્ષા હવે છે. આ વખતે ટિકિટ વહેંચણીમાં સગાવાદ અને જૂથવાદ હાવી રહ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. પક્ષ માટે વર્ષોથી પરસેવો પાડનારા પાયાના કાર્યકરોની અવગણના કરીને માનીતાઓને ટિકિટ આપવામાં આવતા કાર્યકરો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે. અમરાઈવાડી વિસ્તારમાં તો એવી પણ ચર્ચા છે કે ધારાસભ્યએ ટિકિટોનો વહીવટ કરીને પોતાના માનીતાઓને ગોઠવી દીધા છે.
વિકાસના નામે શૂન્ય: જનતાએ દેખાડ્યો પરચો
ભાજપના શાસકો વર્ષોથી સત્તા પર હોવા છતાં રોડ, રસ્તા, પાણી અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહ્યા હોવાનો મતદારોનો સુર છે. સોસાયટીઓની બહાર “ભાજપવાળાએ મત માંગવા આવવું નહીં” તેવા બેનરો લાગવા માંડ્યા છે. લોકોનું કહેવું છે કે કામના સમયે નેતાઓ દેખાતા નથી અને હવે વોટ લેવા માટે ફરી વાયદા કરવા આવી પહોંચ્યા છે.
મંત્રીઓ અને ધારાસભ્યોને ભગાડ્યા
ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના દિગ્ગજ નેતાઓને કડવા અનુભવો થઈ રહ્યા છે:
છોટા ઉદેપુર: બોડેલીના પાણેજ ગામમાં પ્રભારી મંત્રી મનીષા વકીલને ગ્રામજનોએ ઘેરી લીધા હતા અને વર્ષોથી વણઉકેલાયેલા પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો.
દહેગામ: મધુર ડેરીના મુદ્દે નારાજ લોકોએ ભાજપના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણની ગાડી રોકીને સૂત્રોચ્ચાર કર્યા હતા.
અમદાવાદ: મુખ્યમંત્રીના મત વિસ્તાર ઘાટલોડિયા અને શહેરી વિકાસ મંત્રીના વિસ્તાર અસારવામાં પણ ઉમેદવારોને લોકોએ ખખડાવ્યા હતા. લોકોએ રોકડું પરખાવ્યું કે, “કામ કરવા નથી ને શરમ વગર મત માંગવા નીકળી પડ્યા છો?”
સુરત: સુરતના ઉધના વિસ્તારમાં વોર્ડ નંબર 28 માં પ્રચાર કરવા ગયેલા ઉમેદવારોને “ચોર લોકો વોટની ભીખ માંગવા આવ્યા છે” તેમ કહીને હુરિયો બોલાવ્યો હતો.
કમલમમાં હજુ પણ જીતનો વિશ્વાસ
આટલી ગંભીર સ્થિતિ અને ઠેર-ઠેર વિરોધ છતાં ભાજપ પ્રદેશ નેતાગીરી એટલે કે કમલમમાં ભારે આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે. નેતાઓનું માનવું છે કે ચૂંટણી વખતે થોડી નારાજગી રહેવી સ્વાભાવિક છે. ભાજપ પાસે એવી ચૂંટણીલક્ષી રણનીતિ છે કે અંતે વિરોધ વચ્ચે પણ EVMમાં કમળ જ ખીલશે તેવો તેમને દ્રઢ વિશ્વાસ છે.
ગુજરાતની આ સ્થાનિક ચૂંટણીમાં આ વખતે જનતાના પાયાના પ્રશ્નો મુખ્ય એજન્ડા બની રહ્યા છે. ભાજપ માટે આંતરિક કલહ અને જનતાનો રોષ બંનેને શાંત કરવા તે એક મોટો પડકાર છે. હવે જોવાનું એ રહેશે કે શું ભાજપ પોતાની રાજકીય કુનેહથી આ વિરોધને મતમાં બદલી શકશે કે પછી મતદારો આ વખતે કોઈ નવો વળાંક લાવશે.











