સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન મહત્ત્વની ટિપ્પણી કરતા કહ્યું કે, દરેક અસફળ સંબંધને ‘દુષ્કર્મ’ ગણાવવો ગંભીર ગુનાની ગરિમા ઘટાડે છે. કાયદાનો દુરુપયોગ ન થાય તે માટે કોર્ટે બોમ્બે હાઈકોર્ટનો આદેશ રદ કર્યો. જાણો શું છે આખો મામલો અને કોર્ટની સચોટ ટિપ્પણીઓ.

નવી દિલ્હી, બુધવાર
દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપીને કાયદાના દુરુપયોગ અંગે ગહન ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે, દરેક અસફળ અથવા ખરાબ સંબંધને દુષ્કર્મનું નામ આપવું ન જોઈએ, કારણ કે આવું કરવાથી આ ગંભીર ગુનાની ગંભીરતા ઓછી થાય છે.
જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની ખંડપીઠે સોમવારેના રોજ મહારાષ્ટ્રના એક વકીલ વિરુદ્ધ દુષ્કર્મ અને ગુનાઈત ધમકીના આરોપો સાથેની FIR અને ચાર્જશીટને રદ કરી દીધી હતી.
શું હતો સમગ્ર મામલો?
આ કેસમાં, ફરિયાદી મહિલાએ શરૂઆતમાં ભરણપોષણના કેસમાં કાયદાકીય મદદ લેવા માટે વકીલનો સંપર્ક કર્યો હતો. સમય જતાં, બંને કથિત રીતે લાંબા સમય સુધી સંમતિથી સંબંધોમાં રહ્યા હતા. જોકે, સંબંધમાં કડવાશ આવતા મહિલાએ બાદમાં વકીલ પર દુષ્કર્મનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આ પૂર્વે બોમ્બે હાઈકોર્ટે કાર્યવાહી રદ કરવાનો ઇનકાર કર્યો હતો, જે આદેશને સુપ્રીમ કોર્ટે રદ કર્યો છે.
સુપ્રીમ કોર્ટની મહત્ત્વની ટિપ્પણીઓ
ખંડપીઠે આ કેસની સુનાવણી દરમિયાન કાયદાની ગરિમા અને તેના ઉપયોગ અંગે ઘણી મહત્ત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી:
ગંભીર ગુનાની ગરિમા: કોર્ટે કહ્યું કે દુષ્કર્મનો ગુનો એ સૌથી ગંભીર પ્રકારનો ગુનો છે અને તે ફક્ત એવા જ મામલામાં લગાવવો જોઈએ જ્યાં ખરેખર યૌન હિંસા, બળજબરી અથવા સ્વતંત્ર સંમતિની ગેરહાજરી હોય.
કલંક અને અન્યાય: “દરેક ખરાબ સંબંધને દુષ્કર્મના ગુનામાં બદલવાથી ન માત્ર ગુનાની ગંભીરતા ઓછી થાય છે, પરંતુ આરોપી પર ક્યારેય દૂર ન થાય તેવું કલંક અને ગંભીર અન્યાય પણ થાય છે.”
કાયદાના દુરુપયોગ પર ચિંતા: ન્યાયતંત્ર કાયદાના આવા દુરુપયોગ પર ગંભીર ચિંતા વ્યક્ત કરે છે.
સંમતિથી બનેલો સંબંધ: કોર્ટે અવલોકન કર્યું કે રેકોર્ડ પરના પુરાવા સ્પષ્ટપણે પુખ્ત વયની, શિક્ષિત મહિલા અને વકીલ વચ્ચે સંમતિથી બનેલા સંબંધ તરફ ઇશારો કરે છે, જે ત્રણ વર્ષ સુધી ચાલ્યા બાદ કડવાશમાં ફેરવાઈ ગયા.
લગ્નના વચન પર બાંધેલો સંબંધ: કાયદાએ સંવેદનશીલ રહેવું જોઈએ
ચુકાદામાં કોર્ટે ભારતીય સમાજની એક વાસ્તવિકતાનો પણ સ્વીકાર કર્યો. કોર્ટે કહ્યું કે ભારતમાં મહિલાઓ ઘણીવાર લગ્નના વચન પર સંબંધ માટે સંમતિ આપે છે. જો આ વચન માત્ર શોષણ કરવાના ખરાબ ઈરાદાથી આપવામાં આવ્યું હોય, તો આવી સંમતિ અમાન્ય ગણી શકાય અને આવા મામલે કાયદાએ સંવેદનશીલ રહેવું જોઈએ.
જોકે, કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે આવા આરોપોને વિશ્વસનીય પુરાવા અને નક્કર તથ્યોના આધારે સમર્થન મળવું જોઈએ, ન કે માત્ર પાયા વગરના આરોપો અથવા નૈતિક અનુમાન પર. આ ચુકાદો કાયદાનો ઉપયોગ તેની મૂળ ભાવના મુજબ થાય તે દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.











