ગાંધીનગરના ચિલોડા-હિંમતનગર હાઇવે પર મધરાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો. સર્વિસ રોડ પર ઊભેલી ખાનગી ટ્રાવેલ્સ બસ પાછળ પૂરઝડપે આવતી ટ્રક ઘૂસી જતાં 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા. ટ્રકચાલકને કેબિન કાપીને બહાર કઢાયો, તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા. અકસ્માતનું કારણ આડેધડ પાર્કિંગ.

ગાંધીનગર, શુક્રવાર
ગાંધીનગર જિલ્લાના ચિલોડા-હિંમતનગર હાઇવે પર મધરાત વેળાએ ફરી એકવાર માર્ગ અકસ્માતનો ગમખ્વાર બનાવ સામે આવ્યો છે. અહીં સર્વિસ રોડ પર ઊભેલી એક ખાનગી ટ્રાવેલ્સ બસને પાછળથી પૂરઝડપે આવી રહેલી એક ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. આ પ્રચંડ ટક્કરને કારણે બસમાં સવાર 10થી વધુ મુસાફરોને ઈજા પહોંચી હતી, જ્યારે ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ થઈ ગયો હતો અને ચાલક કેબિનમાં ફસાયો હતો.
રાજસ્થાન દર્શન કરવા જઈ રહેલા મુસાફરો ઈજાગ્રસ્ત
પ્રાપ્ત માહિતી મુજબ, મુસાફરોથી ભરેલી આ ખાનગી ટ્રાવેલ્સ બસ ગાંધીનગર નજીક એક હોટલ પાસે સર્વિસ રોડ પર ઊભી હતી. આ બસમાં સવાર મુસાફરો મુખ્યત્વે નડિયાદ અને અમદાવાદના રહેવાસી હતા અને તેઓ રાજસ્થાનના ખાટુ શ્યામજી, પુષ્કર, શ્રીનાથજી અને સાંવરિયા શેઠ જેવા ધાર્મિક સ્થળોનાં દર્શન માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન, પાછળથી ધસમસતી આવેલી ટ્રકના ચાલકે અચાનક કાબૂ ગુમાવતાં ઊભેલી ટ્રાવેલ્સ બસને જોરદાર ટક્કર મારી દીધી. આ અકસ્માતમાં કુલ 10 જેટલા લોકોને ઈજા થઈ છે, જેમાં વિશાલ મોહન ભાઈ પરમાર (રહે. તોરણિયા, મહુધા), પારસ કૌશિક ભાઈ રાજપૂત (રહે. જીવરાજ પાર્ક), લતાબેન ગોવિંદસિંહ ચૌહાણ (વિદ્યાનગર, આણંદ), ગૌતમભાઈ રસિકભાઈ ચૌહાણ (અમદાવાદ), માર્ગી કુશલભાઈ મહેતા (વડતાલ) અને ટ્રકચાલક શંકરનાથ ગોપીનાથ (રાજસ્થાન) સહિત અન્ય 4 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે.
ટ્રકચાલકને કેબિન કાપીને બહાર કઢાયો
અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો અને ટ્રકચાલક શંકરનાથ ગોપીનાથ (રાજસ્થાન) ગંભીર રીતે કેબિનમાં ફસાઈ ગયો હતો. તેને બહાર કાઢવા માટે તાત્કાલિક ફાયરબ્રિગેડની મદદ લેવી પડી હતી. ફાયરબ્રિગેડની ટીમે ટ્રકની કેબિન કાપીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત ટ્રકચાલકને બહાર કાઢ્યો હતો.
અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફત તમામ ઈજાગ્રસ્ત મુસાફરો અને ટ્રકચાલકને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ચિલોડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતનું કારણ: ભારે વાહનોનું આડેધડ પાર્કિંગ
ચિલોડા-હિંમતનગર હાઇવે પર અકસ્માતો સર્જાવવા એ કોઈ નવી ઘટના નથી. ભૂતકાળમાં પણ ઓવરસ્પીડ અને બેફિકરાઈથી ડ્રાઇવિંગને કારણે અહીં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતનું મુખ્ય કારણ પણ હાઇવે પર આવેલી હોટલો અને ઢાબાઓને કારણે ટ્રક અને ડમ્પરચાલકો દ્વારા નિયમોની અવગણના કરીને સર્વિસ રોડ પર કે હાઇવેની કિનારી પર આડેધડ રીતે પોતાનાં ભારે વાહનો પાર્ક કરવાને માનવામાં આવે છે. આડેધડ પાર્ક કરેલાં વાહનોને કારણે પાછળથી આવતા વાહનચાલકો સમયસર પરિસ્થિતિનો અંદાજ લગાવી શકતા નથી અને અકસ્માતનો ભોગ બને છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે, પોલીસ દ્વારા ‘નો પાર્કિંગ’ના સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા હોવા છતાં, ગેરકાયદે પાર્કિંગ સામે કડક કાર્યવાહી થતી નથી. સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે આ હાઇવે પર પાર્કિંગના નિયમોનું કડક અમલ કરવા અને ભારે વાહનચાલકોની બેદરકારી પર નિયંત્રણ લાવવા માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવા જીવલેણ અકસ્માતોને ટાળી શકાય.











