વિશ્વની સૌથી મોટી આઇફોન ઉત્પાદક કંપની ફોક્સકોને બેંગલુરુ નજીક પોતાના નવા પ્લાન્ટમાં આઇફોન-17નું ઉત્પાદન શરૂ કરી દીધું છે.
નવી દિલ્હી,રવિવાર: ચીન અને અમેરિકાના દબાણને અવગણીને એપલે ફરી એકવાર ભારતમાં પોતાના આઇફોનનું ઉત્પાદન વધાર્યું છે. વિશ્વની સૌથી મોટી આઇફોન ઉત્પાદક કંપની ફોક્સકોને બેંગલુરુ નજીક પોતાના નવા પ્લાન્ટમાં આઇફોન-17નું ઉત્પાદન શરૂ કરી દીધું છે. આ ભારતમાં ફોક્સકોનનો બીજો સૌથી મોટો પ્લાન્ટ છે. કંપની પહેલાથી જ ચેન્નાઈમાં આઇફોન-17નું ઉત્પાદન કરતી હતી, પરંતુ હવે તેનું ઉત્પાદન બેંગલુરુમાં પણ શરૂ થઈ ગયું છે.
CNBCના અહેવાલ મુજબ, ફોક્સકોને લગભગ $2.8 બિલિયન (લગભગ રૂ. 25,000 કરોડ) ની મોટી રકમનું રોકાણ કરીને બેંગલુરુના દેવનાહલ્લીમાં પોતાનો નવો પ્લાન્ટ સ્થાપ્યો છે. આઇફોન-17નું ઉત્પાદન હવે અહીં નાના પાયે શરૂ થયું છે. ચીનની બહાર આ ફોક્સકોનનો બીજો સૌથી મોટો ફેક્ટરી છે. ચેન્નાઈમાં પહેલેથી જ મોટો પ્લાન્ટ રાખ્યા પછી, બેંગલુરુમાં નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન એપલની ભારતમાં ઉત્પાદન વધારવાની યોજનાનો એક ભાગ છે.
ટ્રમ્પની ધમકી બિનઅસરકારક, એપલે ભારતમાં ઉત્પાદન વધાર્યું
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાયન્ટ ટેક કંપની એપલને ભારતમાં ઉત્પાદન બંધ કરવા કહ્યું હતું. પરંતુ કંપનીએ તેનાથી વિપરીત ભારતમાં તેનું ઉત્પાદન વધાર્યું છે. થોડા મહિના પહેલા, ટ્રમ્પે કતારની મુલાકાત દરમિયાન એપલના સીઈઓ ટિમ કૂક સાથે આ અંગે વાત કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, “ગઈકાલે મને ટિમ કૂક સાથે થોડી સમસ્યા થઈ હતી. કૂક ભારતમાં પ્લાન્ટ બનાવી રહ્યો છે અને હું નથી ઇચ્છતો કે એપલ ભારતમાં પ્લાન્ટ બનાવે.” ટ્રમ્પે દાવો કર્યો હતો કે આ વાતચીત પછી, એપલ હવે અમેરિકામાં તેનું ઉત્પાદન વધારશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, “અમને ભારતમાં તમારો પ્લાન્ટ બનાવવામાં રસ નથી. ભારત પોતાનું ધ્યાન રાખી શકે છે.” પરંતુ એપલે ટ્રમ્પની ધમકીને સંપૂર્ણપણે અવગણી અને ભારતમાં તેનું ઉત્પાદન વધાર્યું.











