ગાંધીનગરમાં વકરતા ટાઈફોઈડને લઈ CM ભૂપેન્દ્ર પટેલ લાલઘૂમ થયા છે. સમીક્ષા બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરનો ક્લાસ લીધો અને પાણીની લાઈનના લીકેજ તાત્કાલિક રિપેર કરવા કડક સૂચના આપી છે. વાંચો વિગતવાર અહેવાલ.

ગાંધીનગર, બુધવાર
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં હાલ ટાઈફોઈડના કેસોનો રાફડો ફાટ્યો છે. શહેરમાં બેફામ બનેલા આ રોગચાળાને કાબૂમાં લેવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે એક્શન મોડમાં આવી ગયા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ સીએમ પટેલે તાજેતરમાં ગાંધીનગર મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે એક મહત્વની સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં અધિકારીઓની કામગીરી સામે ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.
CMએ અધિકારીઓનો ઉધડો લીધો
આ બેઠકમાં મુખ્યમંત્રીનો મિજાજ આકરો જોવા મળ્યો હતો. તેમણે ઉપસ્થિત તમામ અધિકારીઓ અને ખાસ કરીને મ્યુનિસિપલ કમિશનરનો ઉધડો લીધો હતો. સીએમએ સ્પષ્ટ શબ્દોમાં ઝાટકણી કાઢતા પૂછ્યું હતું કે, પીવાના પાણીના ટેસ્ટિંગના રિપોર્ટ આવ્યા બાદ પણ પાણી દૂષિત કેમ છે? આ ઘટના દર્શાવે છે કે રાજ્ય સરકાર પણ હવે સ્વીકારી રહી છે કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સંતોષકારક નથી અને તેમાં સુધારાની જરૂર છે.
દૂષિત પાણી અને લીકેજ મુખ્ય સમસ્યા
ટાઈફોઈડના વધતા કેસો પાછળનું મુખ્ય કારણ દૂષિત પાણી હોવાનું સામે આવ્યું છે. પીવાના પાણીની લાઈન સાથે ગટરનું ગંદુ પાણી મિક્સ થતું હોવાની પૂરેપૂરી શક્યતા છે, જેના કારણે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક અસરથી પાણીની પાઈપલાઈનમાં થતા લીકેજ શોધીને તેને રિપેર કરવા કડક આદેશ આપ્યા છે. તેમણે વોટર ટેસ્ટિંગનો વ્યાપ વધારીને શહેરના દરેક ખૂણે શુદ્ધ પાણી પહોંચે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.
અમિત શાહની ટકોર છતાં તંત્ર નિષ્ફળ?
અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ચાલતી નબળી કામગીરી બાબતે જૂન 2025માં યોજાયેલી ‘દિશા’ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટકોર કરી હતી. તેમણે ડિસેમ્બર સુધીમાં કામગીરીમાં સુધારા લાવવા સ્પષ્ટ આદેશ આપ્યા હતા. જોકે, નક્કર આયોજનના અભાવે પરિસ્થિતિ સુધરવાને બદલે વધુ વણસી છે અને રોગચાળો વકર્યો છે.
1 લાખ 58 હજાર લોકોનું હેલ્થ સર્વેલન્સ
મ્યુનિસિપલ કમિશનરે પોતાની સફાઈ આપતા અને કામગીરીનો ચિતાર રજૂ કરતા જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગની 85 સર્વે ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો દ્વારા 1 લાખ 58 હજારથી વધુ લોકોનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. લોકોને ક્લોરિનની ગોળીઓ અને ઓ.આર.એસ. (ORS) પેકેટનું વિતરણ કરાઈ રહ્યું છે. પાણીના તમામ સ્ત્રોતોમાં સુપર ક્લોરિનેશન કરવામાં આવ્યું છે. કમિશનરના દાવા મુજબ, આ પગલાંઓને કારણે હવે કેસોમાં ધીમે-ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે.
ક્લોરિનેશન રિપોર્ટ વિના પાણી નહીં અપાય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે. હવેથી ગાંધીનગર સહિત રાજ્યના તમામ શહેરી વિસ્તારોમાં પીવાના પાણીના સેમ્પલ દરરોજ લેવામાં આવશે. પાણીની યોગ્યતા અને ક્લોરિનેશનના પોઝિટિવ રિપોર્ટ્સ આવ્યા બાદ જ નાગરિકોને પાણી વિતરણ કરવામાં આવશે.











