પાટનગર ગાંધીનગરમાં દૂષિત પાણીનો કહેર! ટાઈફોઈડના કેસનો આંકડો 144 પર, કમિશનરે કહ્યું- આ જનતાની લાપરવાહી છે

ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે ટાઈફોઈડનો વ્યાપ વધ્યો. નવા 11 કેસ સાથે કુલ આંકડો 144 પર પહોંચ્યો. મનપા કમિશનરે જનતા પર ફોડ્યું ઠીકરું. જાણો શું છે ગ્રાઉન્ડ રિપોર્ટ અને તંત્રની કામગીરી.

ગાંધીનગર, બુધવાર
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં હાલ પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. છેલ્લા થોડા દિવસોથી દૂષિત પાણીના પુરવઠાને કારણે શહેરમાં ટાઈફોઈડના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. મંગળવારે વધુ 11 નવા પોઝિટિવ કેસ નોંધાતા કુલ સત્તાવાર આંકડો 144 પર પહોંચી ગયો છે. જોકે, આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે મ્યુનિસિપલ કમિશનરના એક નિવેદને શહેરીજનોમાં ભારે રોષ જગાવ્યો છે.

કયા વિસ્તારોમાં છે સૌથી વધુ અસર?
શહેરના જૂના સેક્ટરો હાલમાં આ રોગચાળાનું એપિસેન્ટર બન્યા છે. ખાસ કરીને સેક્ટર-24, 26, 28 અને આદિવાડા સહિત GIDC ની આસપાસના વિસ્તારોમાં ટાઈફોઈડ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એક બાજુ દર્દીઓની સંખ્યા વધી રહી છે, તો બીજી બાજુ લોકોમાં એવી ચર્ચા છે કે સિવિલ હોસ્પિટલ અને મહાનગરપાલિકા દ્વારા સાચા આંકડા છુપાવવામાં આવી રહ્યા છે. તંત્ર સ્થિતિને ‘સામાન્ય’ ગણાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ છે.

કમિશનરનો વિવાદાસ્પદ જવાબ: વાંક જનતાનો છે
શહેરમાં રોગચાળો વકર્યો છે અને પાણીની પાઈપલાઈનોમાં લીકેજની સમસ્યા છે, તે અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં મ્યુનિસિપલ કમિશનર જે.એન. વાઘેલાએ આપેલા જવાબોએ બધાને ચોંકાવી દીધા હતા. જ્યારે તેમને તંત્રની બેદરકારી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, “ડહોળું પાણી આવતું હોવા છતાં જનતાએ ફરિયાદ કરી ન હતી, આ તો જનતાની લાપરવાહી છે.” આટલું જ નહીં, નવી કે જૂની કઈ પાઈપલાઈનમાં વધુ લીકેજ છે, તે સવાલનો જવાબ આપવાનું પણ તેમણે ટાળ્યું હતું.

બાળકીના મોત બાદ તંત્ર સફાળું જાગ્યું
આદિવાડા વિસ્તારમાં એક બાળકીનું શંકાસ્પદ મોત થયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. રોગચાળાને કાબૂમાં લેવા માટે નીચે મુજબની કામગીરી હાથ ધરવામાં આવી છે, ફિમેલ હેલ્થ વર્કર અને આશાબહેનો સહિત કુલ 85 ટીમો ઘરે-ઘરે ફરી રહી છે. અત્યાર સુધીમાં 8,703 ઘરોનો સંપર્ક કરી અંદાજે 37,438 લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગે ઘરે-ઘરે જઈને 7,192 ક્લોરીન ટેબલેટ અને 8,235 ORS પેકેટનું વિતરણ કર્યું છે. લોકોને પાણી ઉકાળીને પીવા અને બહારનો ખુલ્લો ખોરાક ન ખાવા સમજાવવામાં આવી રહ્યા છે.

ઈજનેરી વિભાગની દોડધામ અને લીકેજ રિપેરિંગ
પાણીજન્ય રોગચાળાનું મુખ્ય કારણ લીકેજ હોવાનું સામે આવતા ઈજનેરી વિભાગ પણ કામે લાગ્યું છે. તપાસ દરમિયાન શહેરમાંથી નાના-મોટા 36 જેટલા લીકેજ મળી આવ્યા હતા, જેને તાત્કાલિક રિપેર કરી દેવાયા છે. તંત્રનો દાવો છે કે પાણીના 1,898 સેમ્પલ લેવાયા હતા, જેમાંથી 1,775 માં ક્લોરીનની હાજરી મળી છે. સાવચેતીના ભાગરૂપે પ્રભાવિત વિસ્તારોમાં સુપર ક્લોરીનેશન કરવામાં આવી રહ્યું છે.

ખાણી-પીણીની લારીઓ પર તવાઈ
રોગચાળાની ગંભીરતાને જોતા અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક હંગામી OPD શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, ચેપ વધુ ન ફેલાય તે માટે પાણીપુરી, બરફના ગોલા અને ખુલ્લી મીઠાઈઓ વેચતા એકમો અને લારીઓ પર મનપા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!